આધ્યાત્મિક પ્રગતિ કયારે થાય તે માટે સૌથી પહેલા અધ્યાત્મને સમજવું જરૂરી છે.અધ્યાત્મ શું છે ? અધ્યાત્મ અંગેનો પ્રશ્ન કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ ! અધ્યાત્મ શું છે ? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે “સ્વાભાવોડધ્યાત્મ ઉચ્ચતે “ અર્થાત્ અધ્યાત્મ એટલે કે “સ્વભાવ”. હવે સ્વભાવ શું છે ?? સ્વ એટલે “પોતાનું” અને ભાવ એટલે “હોવું”.
હું શ્રી કૃષ્ણ ભગવાનની વાતને સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો મનુષ્ય કુદરતની દિવ્ય પ્રકૃતિનો અંશ છે. કુદરતે બધી જ રીતે મનુષ્યને પૂર્ણ બનાવ્યો છે. એનામાં ઐશ્વર્ય અને આનંદ ભર્યો છે છતાં મનુષ્ય પોતાના જીવનથી ફરિયાદો કરે છે, દુઃખી થઈને ફરતો હોય છે, એને પોતાનામાં જ નકારાત્મક ગુણો દેખાય છે.મનુષ્ય કયારેય પોતાના અસ્તિત્વને સમજતો નથી, તે તેના પોતાની અંદર રહેલા હકારાત્મક ગુણોને શોધતો નથી.
હકીકતમાં આપણે હંમેશા એમ જ વિચારીએ કે આની પાસે આ છે, તે છે પણ કયારેય આપણને ઈશ્વરે શું આપ્યું છે તેનું લિસ્ટ નથી બનાવતા. કદાચ આપણને ઈશ્વરે જે આપ્યું હોય છે એ કોઈ બીજાને નથી આપ્યું હોતું છતાં પણ આપણે અન્ય કોઈનું સુખ જોઈને દુઃખી થઈએ છે. મારા મતે અધ્યાત્મ એટલે પોતાની અંદર સારું શું છે એ શોધવું. જો પોતાની અંદર સારું શોધશો તો અન્યની અંદર પણ સારું જ શોધી શકશો એટલે અધ્યાત્મ એ પોતાના મૂળ સ્વભાવને જાણવો તથા પોતાની પ્રકૃતિને સમજવી તે છે.
કેટલાક લોકો ધર્મને આધ્યાત્મિકતા સાથે જોડી દેતા હોય છે પણ ધર્મ અને આધ્યાત્મિકતાને બંને વચ્ચે ખાસો ફરક છે.ધર્મમાં ચોકકસ નિયમો અને સિદ્ધાંતો છે જયારે આધ્યાત્મિકતામાં તમે સ્વતંત્ર છો. ધર્મમાં ના માનનારો નાસ્તિક પણ જો પોતાની અંદર રહેલા ઈશ્વરની ખોજમાં નીકળે તો તે આધ્યાત્મિક પંથે જઈ રહ્યો છે તેમ માનવું જોઈએ.આધ્યાત્મિક પંથે જાય તેનો વાંધો નહી પણ એનો મતલબ એ નથી કે એ ધર્મના નિયમો અને સિદ્ધાંતોને અવગણે કે એનો અનાદર કરે. આધ્યાત્મિક માણસ મૂળ તત્વને જાણે છે.એ સર્વને બધી જ રીતે સ્વીકારે છે.
સ્વામી વિવેકાનંદજીએ આધ્યાત્મિકતા અંગેના ત્રણ મહત્વના મુદા વર્ણવ્યા છે.તેઓ કહે છે કે આધ્યાત્મિક વ્યકિત વિવેકી હોય છે તેથી તે “શાંત” હોય છે, આ નિરવ શાંતિથી તે “આનંદ”ની પ્રાપ્તિ કરે છે અને જયારે વ્યકિત પોતે આનંદિત રહે છે ત્યારે તે જગતને “પ્રેમ” વહેંચી શકે છે.
તમિલનાડુમાં શિવાનંદ સરસ્વતી નામના એક મહાન પુરુષે પ્રેમની વહેંચણી કરવા માટે જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. તેમણે આશરે ત્રણસોથી વધારે પુસ્તકો લખીને સમાજમાં આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર પ્રસાર કર્યો છે.એકવાર તેમણે તેમના પુસ્તક વિમોચન માટેની જાહેરાત અખબારમાં છપાવી ત્યારે કોઈએ ટીકા કરી કે અખબારમાં જાહેરાત શેના માટે ? શિવાનંદ સરસ્વતીજીએ સ્મિત કરીનૈ કહ્યું કે દસ લોકોને પહોંચાડવાની વાત દસ હજાર લોકો સુધી પહોંચી શકે એ માટે….
શિવાનંદ સરસ્વતીજી કહે છે કે તમારા ઈસ્ત્રીબંધ કપડા કોઈ બગાડે,કોઈ તમારી હાંસી ઉડાવે,કોઈ તમને નીચા દેખાડવાની કોશિશ કરે,તમારો અકસ્માત થાય અથવા તમને રોગ થાય,તમારી અચાનક વસ્તુ ખોવાઈ જાય,તમારું કોઈ અપમાન કરે,તમને કોઈ અપશબ્દો કહે,ધંધામાં નુકસાન થાય કે પછી કોઈ નજીકના વ્યકિતનું મૃત્યુ થાય આ બધી જ પરિસ્થિતિમાં તમારી સ્વસ્થતા તમારી આધ્યાત્મિક પ્રગતિ દર્શાવે છે.
છેલ્લે આ લેખની સમીક્ષા ( Conclusion ) વર્ણવું તો તમારી અંદર રહેલી અપેક્ષાઓ,નિરાશાઓ, મોહ, ઈચ્છાઓ, ડર, ગુસ્સો, ક્રોધ,ચિંતાઓ વગેરે નકારાત્મક બાબતો તમારા સંસ્કાર, તાલીમ તથા તમારા જીવનમાં બનેલી ઘટનાઓ અને અનુભવ મુજબ તમારા સ્વભાવમાં ભળે છે.તમારા સ્વભાવમાંથી આ તમામ બાબતોને મુકત કરી આત્મદર્શનથી આત્મજ્ઞાનની પ્રાપ્ત કરીને પ્રતિદિન આનંદિત રહો તો કહી શકાય કે તમે તમારા જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ કરી રહ્યા છો.તમારી અંદર રહેલા પરમ આનંદને જાણો અને તેને માણો તે આધ્યાત્મિક પ્રગતિનો સાચો પંથ છે.
વાત ગળે ઉતરી હોય અને પરમ સત્ય લાગી હોય તો આ આર્ટિકલ શેર કરીને અન્યના જીવનમાં આનંદ અને જ્ઞાન વહેંચવા માટેના તમે પણ સહભાગીદાર થજો.
જય બહુચર માં.