આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂ પૂર્ણિમા. મારે મન ગુરુ બલિદાનની મૂર્તિ છે કારણકે ગુરૂ હંમેશા પોતાના શિષ્યને આગળ વધારવા પોતાનું જીવન ન્યોછાવર કરે છે. મેં એકવાર લખ્યું હતું કે ગુરુ અને રસ્તો હંમેશા લોકોને આગળ વધારવા હંમેશા ત્યાં સ્થિર રહે છે.
આ જગતમાં માતા-પિતા પછીના ક્રમમાં જો કોઈ આવતું હોય તે ગુરૂ છે માતા-પિતાએ જન્મ આપીને આપણામાં સારા સંસ્કારોનું સિંચન કર્યુ.એ પછી પાઠશાળાના શિક્ષકોએ આપણને અનેક વિષયોમાં સુદઢ બનાવ્યા અને એ પછી આપણા પરિવાર, મિત્રો અને જીવનમાં આવનાર કેટલાય નાના મોટા લોકોએ આપણને કંઈક ને કંઈક શીખવાડયું એ બધા આપણા ગુરુ સમાન છે.
સદગુણોનું સિંચન કરનાર કોઈ સંત મહંત આપણા ગુરુ હોય પણ જો આપણા કોઈ જ ગુરુ ના હોય તો આપણા ઈષ્ટદેવ કે ઈષ્ટદેવીને આપણે ગુરુ બનાવી શકીએ છીએ.
“ગુ” એટલે અંધકાર અને “રુ” એટલે દૂર કરનાર અંધકારને દૂર કરીને આપણા જીવનને પ્રકાશમય કરે એ આપણા ગુરૂ.જે હંમેશા આપણને હકારાત્મક રાખે એ આપણા ગુરૂ. જે આપણને હંમેશા સારું અને સાચું જ્ઞાન આપે એ આપણા ગુરૂ. જે આપણને નિત્ય આનંદમય રાખે એ આપણા ગુરુ.જેની પાસે રડતા જઈએ ખરી પણ આપણને હસતા પાછા મોકલે એ આપણા ગુરુ.
ગુરૂ પૂર્ણિમાના શુભ દિવસે મારા ઈષ્ટદેવી શ્રી બહુચરમાંને વંદન, ઈષ્ટદેવ શ્રી હનુમાનજીને વંદન, મારી શાળાના શિક્ષકોને વંદન, વિશ્વના શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણોને વંદન, આ જગતના તમામ સંતો મહંતોને વંદન અને એવા તમામ લોકોને વંદન જેમણે મારા જીવનમાં સારું અને સાચું જ્ઞાન આપીને મને સાચો રસ્તો બતાવ્યો છે.
ગુરૂ દેવો ભવ : ।
તસ્મૈ શ્રી ગુરુવૈ નમ : ।।
જય બહુચર માં.