મારી પાસે એક પુસ્તક છે જે પુસ્તકનું નામ શ્રી બાલા ત્રિપુરા સુંદરી બહુચરમ્બા છે.આ પુસ્તક ઈ.સ ૧૯૬૫ ની સાલથી શ્રી બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવતું હતું. આ પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ ઈ.સ ૧૯૯૧ માં બહાર પાડવામાં આવી હતી.તે છઠ્ઠી આવૃત્તિ મને મિત્ર શ્રી હિતેશભાઈ મહેતાએ આપી હતી.
સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણ શ્રી સાકરલાલ યજ્ઞેશ્વર દવેએ માનાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી એક ગ્રંથ લખ્યો હતો તે ગ્રંથમાં ચુંવાળ પંથકમાં આવેલ બહુચરાજી મંદિરની ઐતિહાસિક વાતો લખી હતી તે ગ્રંથના આધાર પર આ પુસ્તક બહાર પાડવામાં આવતું હતું.
આ પુસ્તકમાં ચુંવાળ પંથકમાં આવેલ શ્રી બહુચરાજી મંદિરમાં મૂકાતા બાવલા અંગે આ સત્ય ઘટના વર્ણવેલી છે કે સાયલા ગામની જૈન વણિક જ્ઞાતિના એક શેઠાણી સંતાનરહિત હતા.તેમણે બહુચર માતાની ખ્યાતિ સાંભળીને માનતા (બાધા) રાખી કે જે પુત્ર થશે તે બહુચર માતાના ચરણ કમળમાં અર્પણ કરશે. તેમને માતાજીની કૃપાથી એક પુત્ર થયો પણ શેઠાણી બાધા કરવા આવ્યા નહી. શેઠાણીને થોડા સમય પછી બીજો પુત્ર થયો પરંતુ બાધા કરવા આવ્યા નહી.
બે પુત્ર થયાના ઘણા વર્ષો બાદ શેઠાણીને યાદ આવ્યું કે “માતાજીની માનતા રાખી હતી તે અધૂરી છે” તેથી તેઓ પુત્રની બાધા પૂરી કરવા બહુચરાજી મંદિર આવ્યા.
શેઠાણી પુત્ર અર્પણ કરવા તો આવ્યા પણ પુત્રને મૂકીને પાછા જવાનું શેઠાણીને અને શેઠને અસહ્ય દુ:ખ થયું તેથી પુત્રના વજનની ભારોભાર શેઠાણીએ રૂપિયા મૂક્યા પછી પ્રદક્ષિણા ફરતા જયાં માતાજીનું નમણ પડે છે ત્યાં આવતા ઉપરથી એક મોટો પથ્થર પડયો અને તે મોટા પુત્ર મૂળચંદના માથા પર પડયો.પુત્ર નું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થયું.
શેઠ અને શેઠાણીને પુત્રના મૃત્યુથી અત્યંત આધાત લાગ્યો.શ્રી બહુચર માતાને કેટલાય કાલાવાલા કર્યા આખરે માતાજીએ રસ્તો કાઢયો કે પુત્રના બદલામાં પથ્થરનું બાવલું માતાજીના ચરણોમાં મૂકે અને તે બાવલાને પ્રતિમા સ્વરૂપે માતાજીએ સ્વીકાર્યું.
આમ અહીં પથ્થરના બાવલા મૂકવાની માનતા રાખવાથી માતાજી સંતાન આપે છે તેવી લોકવાયકા વહેતી થઈ અને તે સાચી પણ છે.
મેં મારા વડીલોના મુખે અને બહુચરાજી મંદિરના તમામ વિદ્વાન બ્રાહ્મણોના મુખે આવી કેટલીય સત્ય ઘટનાઓ સાંભળેલી છે.
વરખડીવાળા આદ્યસ્થાનની સામે આવા પથ્થરના અને આરસના સેંકડો બાવલા ચોગાનમાં કોટ પાસે જોવા મળે છે.
શ્રી બહુચર માતા પર શ્રદ્ધા રાખનાર ભક્તોના દુ:ખ માતાજી ચોકક્સ દૂર કરે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીં ભક્તો આંખ, કાન, નાક, હાથ, પગ વગેરેના દુ:ખો દૂર કરવાની પણ બાધા રાખતા હોય છે. અમુક લોકો પોતાના ઘરે પાળેલા પશુઓની પણ બાધા રાખે છે પછી તે સાજા થઈ જાય ત્યારે તેમને દર્શન કરવા લઈ આવે છે.
શ્રી બહુચર માતાના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજી આ બાબતને લઈને આનંદના ગરબામાં વર્ણવે છે કે
સેણ વિહોણા નેણ,નેણા તું આપે માં.
પુત્ર વિહોણા કેણ, મેણા તું કાપે માં.
અર્થાત્ હે બહુચર માં ! જે આંખે અંધ છે તેમને તું આંખોની જયોતિ આપે છે. જે સંતાન વિહોણા છે તેમને સંતાન આપીને તેમનું વાંઝિયાપણાનું મેણું ટાળે છે.
પ્રિયવાંચકો, અહીં એક ખાસ વાત કહું છું ધ્યાનથી વાંચજો કે તમે કોઈ પણ માતાજી કે ભગવાનને બાધા રાખીને બંધનમાં ના બાંધો ઉલ્ટાનું એમ કહો કે હે માતાજી ! તે મારા ભાગ્યમાં લખ્યું હોય તો જ તું મને તારી મરજીથી તારા સમયે તારી ઈચ્છાથી રાજીખુશીથી આપજે અન્યથા તારી મરજી મને સ્વીકાર્ય છે.
આમાં એવું થાય છે કે આપણા પ્રારબ્ધમાં કોઈ વસ્તુ હોતી નથી ત્યારે આપણી તે ઈચ્છા ઈશ્વર પૂરી નથી કરતો ત્યારબાદ આપણે કેટલ કેટલીય બાધાઓ રાખીને ધમપછાડા કરીને ભગવાન કે માતાજીને બંધનમાં નાંખીએ છે. છેવટે ઈશ્વરને મજબૂર થઈને તે વસ્તુ આપવી પડે છે. લાંબા સમયે તે વસ્તુ કે ઈચ્છાનો મોહ આપણને રહેતો નથી.
ઘણીવાર કેટલીય બાધાઓ રાખવા છતાં જયારે તે આપણી ઈચ્છા પૂરી નથી થતી ત્યારે આપણો ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી જાય છે પછી આપણે ભગવાન કે માતાજી બદલી નાખીએ છે કાં પછી સીધો ધર્મ જ બદલી નાંખીએ છે પણ હકીકતમાં તેમ ના કરવું જોઈએ.
અહીં એમ કહેવા માંગું છું કે માનતા રાખો પણ એવી રાખો કે ઈશ્વર પ્રત્યે સમર્પણ ભાવ હોવો જોઈએ.
ભગવાન કે માતાજીને એમ કહેવાનું કે હે ઈશ્વર ! તું ઈચ્છે તો જ મારી ઈચ્છા પૂરી કરજે અને જો બાધા કે માનતા રાખી હોય તો સમયસર પૂરી કરો.ઈશ્વર સાથે જે બાબતને લઈને બંધાયા છો તેને વચનબદ્ધ રહો.
મનનું સાંભળી જાય તેને “માઁ” કહેવાય.
તમે જયારે બહુચરાજી જાઓ છો ત્યારે બહુચર માતા તમારા મનની દરેક ઈચ્છાઓ જાણતા જ હોય છે. તમારે ત્યાં જઈને બોલીને પણ કહેવાની જરૂર નથી પણ એટલું યાદ રાખજો કે તમારી તે ઈચ્છાઓ તમારા પ્રારબ્ધમાં (ભાગ્ય) માં લખી હશે તો ચોકક્સથી તે ઈચ્છાઓને માતાજીને એના સમય પૂરી કરશે.
બધુ બહુચર માતાની જીદે થવું જોઈએ.
આપણી જીદે કંઈ ના થવું જોઈએ.
બોલો શ્રી બહુચર માતાની જય.
જય બહુચર માં.