તંત્રની દસ મહાવિદ્યાઓમાં તૃતીય મહાવિદ્યા ષોડશી છે. આદિપરાશક્તિ જગદંબાનું સોળ વર્ષનું સ્વરૂપ ષોડશી છે. તે મહા ત્રિપુરસુંદરી છે. તે સોળ શણગાર ધારણ કરીને સિંહાસન પર બિરાજમાન છે. શ્વેત વસ્ત્રો ધારણ કરનાર ષોડશી શ્વેત વર્ણની છે.
ચંદ્રની સોળ કળાઓમાં પંદર કળાઓ ક્ષય પામનારી છે પણ સોળમી કળા પરિપૂર્ણ છે. તે સોળે કળાઓની અધિષ્ઠાત્રી દેવી ષોડશી છે.
બ્રહ્માંડપુરાણ અનુસાર ભંડાસુરનો વધ કરવા માટે ચિદાગ્નિથી પ્રગટેલા ષોડશી દેવી ત્રિપુરસુંદરી બન્યા હતા. ષોડશીનો બીજ મંત્ર સોળ શબ્દોનો છે જે ગુપ્ત છે અહીં લખી શકું તેમ નથી. ગુરુ દીક્ષા લીધા વગર મંત્ર જાપ કરાય પણ નહી.
શ્રી વિદ્યાના ક્રમમાં બીજો ક્રમ ષોડશીનો છે. ષોડશીની પૂજા ષોડશોપચાર (સોળ પ્રકારના દ્રવ્યો) થી ખાસ થાય છે.
એકવાર સ્વર્ગની અપ્સરાઓ કૈલાસ શિવ-પાર્વતીના દર્શનાર્થે આવ્યા હતા ત્યારે સ્વર્ગની અપ્સરાનું સ્વરૂપ જોઈ શિવજીએ હસી મજાકમાં દેવી પાર્વતીને “કાળા” કહ્યા આથી દેવી રીસાઈને પરમસુંદર રૂપ ધારણ કરવા માટે વનમાં તપ કરવા ગયા.
નારદમુનિ એક વખત કૈલાસ આવ્યા. શિવને એકલા જોયા. નારદે પાર્વતીજીના દર્શન ના થતા દેવી પાર્વતી વિશે શિવજીને પૂછયું. શિવજીએ સમગ્ર ઘટના જાણી લેવા માટે નારદને ધ્યાન કરવાનું કહ્યું. નારદ મુનિએ સમગ્ર ઘટના જાણીને વનમાં આવ્યા અને પાર્વતીને કહ્યું કે શિવ વિવાહ ઉત્સુક થયા છે. હે દેવી ! આપ કૈલાસ પધારો.
દેવી પરમસુંદર રૂપ ધારણ કરીને શિવ પાસે આવ્યા. જયારે દેવી કૈલાસ આવે છે ત્યારે શિવના હ્દયકમળમાં પોતાના જ સ્વરૂપ જેવી અન્ય સ્ત્રીને દેવી જુએ છે ત્યારે શિવ કહે છે કે હે દેવી ! મારા હ્દયકમળમાં દેખાતું સ્વરૂપ તમે જ છો. મારા હ્દયમાં હંમેશા તમે જ વસો છો. આમ કહેતા દેવી શાંત થાય છે.
ભગવતી ત્રિપુરસુંદરી જ ત્રિપુરા, ષોડશી કે શ્રી વિદ્યાના નામે ઓળખાય છે. દેવી ચતુર્ભુજાધારી છે.એકમાં પાશ અને અંકુશ, બીજામાં પુષ્પબાણ, ત્રીજામાં ધનુષ, ચોથા હાથમાં માળા છે. દેવી કમળ પર બિરાજમાન છે. દેવી સિંહાસન પર બિરાજે છે. દેવીના ભૈરવ પંચવક્ર છે જે દેવીના કમળ નીચે સુખશૈયામાં સૂતેલા છે. દેવીના સિંહાસનના ચાર મુખ્ય સ્તંભ છે જેમ કે બ્રહ્મા, વિષ્ણુ, ઈશ્વર, સદાશિવ છે.
“ત્રિપુરાણેવ” ગ્રંથ અનુસાર સુષુમ્ણા, પિંગલા તથા ઈંડા એ ત્રણ નાડી અને મન ,બુદ્ધિ તથા ચિત એ ત્રણ નગર જેમાં પ્રાણરુપે જે વસે છે એટલે કે આત્મારુપે જે વ્યાપ્ત છે તે “ત્રિપુરા”
“લઘુસ્તવ” ગ્રંથ મુજબ “જે પરબ્રહ્મની પરમા એટલે ઉત્તમ શક્તિ છે એનું નામ ત્રિપુરા છે.
ત્રિપુરા સુંદરી ( લલિતા સહસ્ત્રનામ ગ્રંથ )
શ્રી માતા મહારાતીએ પહેલો શ્લોક આવે છે એમાં “માતા” નો વિશાળ અર્થ કંઈક આવો છે કે ઈશ્વર્ ઈશાન શબ્દ જેમ શિવના વાચક છે તેમ જગતમાતા જગદંબા પણ ક્યાંક અંશ અવતારથી “માતા” કહેવાય હોય તો એ “ત્રિપુરાસુંદરી” છે.
“ત્રિપુરા ત્રિજગદવિધા ત્રિમૂર્તિસ્ત્રિદશેશ્વરિ” ( લલિતા -સહસ્ત્રનામ ગ્રંથ)
આ પંક્તિનો અહી એવો અર્થ થાય છે કે વિશ્વની ત્રણ પ્રધાન શક્તિ શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી, શ્રી મહાસરસ્વતી અથવા ત્રણ પ્રધાન દેવતા બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ કરતાં પણ પરબ્રહ્મસ્વરૂપ એટલે કે સર્વસ્વરૂપ શ્રી વિશ્વેશ્વરી આદિ છે. આ જગદંબા આદિ સ્વરુપ શ્રી બાલા બહુચર “ત્રિપુરા” છે.
આ નામ શ્રી હયગ્રીવ ભગવાને (વિષ્ણુ ભગવાન નો ચોથો અવતાર) અહી બતાવ્યું છે.
“ત્રિપુરા વર્ણન” ( કાલિકા પુરાણ )
જગતની જે વસ્તુઓ ત્રિવર્ગાત્મક છે જેમ કે ત્રણ લોક, ત્રણ દેવ, ત્રણ દેવી, ત્રણ અગ્નિ, ત્રણ વેદ એમ ત્રણ ત્રણ વસ્તુઓનો યોગ ઘડનાર આદિ અનાદિ શક્તિ “ત્રિપુરા” છે તે આ સર્વને ઉત્પન્ન કરનારી છે.
ષોડશીનું સ્વરૂપ સૌમ્ય છે. દેવીના પૂજનથી આકર્ષણ, વશિત્વ, કવિત્વ અને તમામ પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે.
આદિગુરુ શંકરાચાર્ય સૌદર્યલહેરી ગ્રંથમાં ષોડશી વિશે વર્ણન કરે છે કે “અમૃતના સમુદ્રમાં એક મણિદ્વીપ છે, જેમાં અસંખ્ય કલ્પવૃક્ષો છે, નવરત્નોના નવ મહેલો છે ત્યાં ચિંતામણિ ભુવનમાં એક બ્રહ્મ સિંહાસન છે. જયાં પંચકૃત્ય દેવતા બ્રહ્મા, વિષ્ણુ,રૂદ્ર, ઈશ્વર અને સદાશિવના ભૈરવ છે. સદાશિવના નાભિથી પ્રગટ થઈને કમળ પર બિરાજમાન ષોડશી જ ત્રિપુરસુંદરી છે જે તેનું ધ્યાન ધરે છે તે ધન્ય છે.
ષોડશી જ શ્રી કુળની વિદ્યા છે જેમની પૂજા ગુરુ માર્ગથી કરવી જોઈએ. ષોડશીની પૂજા કરવાથી શક્તિનો સાધક પૂર્ણ સમર્થ થાય છે. ષોડશીનો બીજ મંત્ર અહીં લખી શકાય તેમ નથી કારણકે તે ગુપ્ત છે.
તંત્રશાસ્ત્ર અનુસાર દસ મહાવિદ્યાઓમાં ત્રીજી મહાવિદ્યા ષોડશી છે જે પાંચ મુખો ધરાવનારી છે. જેના ચાર મુખો ચાર દિશાઓમાં છે અને પાંચમું મુખ ઉપરની તરફ છે જેથી તે પંચવક્રતા કહેવાય છે.
દેવીના પાંચ મુખો તત્પુરુષ, સદ્યોજાત, વામદેવ, ઈશાન, અઘોર એ શિવના પાંચ રૂપોના પ્રતિક સમાન છે. દેવી દસ ભુજાઓ ધારણ કરનારી છે જે દસ ભુજાઓમાં અનુક્રમે અભય, ધનુષ, શૂલ, વજ્ર, પાશ,ખડગ, અંકુશ, ઘંટા, નાગ અને અગ્નિ છે. દેવી સોળે કળાઓથી પરિપૂર્ણ છે તેથી ષોડશી કહેવાય છે.
ષોડશી ઈશાન દિશાનું સંચાલન કરે છે.
ષોડશીના અન્ય નામો શ્રી વિદ્યા, ત્રિપુરાસુંદરી, શ્રી સુંદરી, રાજરાજેશ્વરી, લલિતા, કામેશ્વરી, કામાક્ષી, કુમારિકા વગેરે છે.
ષોડશીનું એક સ્થાન “ત્રિપુરા” માં છે. જયાં સતીના વસ્ત્રો પડયા હતા. રાજસ્થાનના ઉદેપુરથી ત્રણ કિમી દૂર સતીના દક્ષિણ “પાદ” પ્રાગટય થયું હતું. આ સ્થાનને કૂર્ભપીઠ કહેવાય છે.
“ત્રિપુરસુંદરી” અર્થાત્ “ષોડશી” ની ઉપાસનાથી જન્મકુંડળીનો બુધ પરમ શુદ્ધ થાય છે.
ત્રિપુરાસુંદરીના ત્રણ સ્વરૂપો છે જેનો ક્રમ નીચે મુજબ છે.
નવ વર્ષની બાળા
સોળ વર્ષની ષોડશી
યુવા સ્વરૂપા લલિતા ત્રિપુરાસુંદરી
ત્રિપુરાસુંદરી કાલીનું રક્તવર્ણા સ્વરૂપ છે. કાલીના બે સ્વરૂપો છે કે રક્તવર્ણા અને કૃષ્ણવર્ણા.
ત્રિપુરસુંદરીના પરમ ઉપાસક મહર્ષિ દુર્વાસા હતા.
ષોડશીના ભૈરવ “કામેશ્વર” છે.
ષોડશી મહાવિદ્યાનું પૂજન કરવાથી અથવા ધ્યાન કરવાથી ઐશ્વર્ય, વૈભવ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા લલિતકળાઓમાં શ્રેષ્ઠ થવાય છે. આ દેવીની સિદ્ધિ પ્રાપ્ત થતા શક્તિના સાધકને કામધેનુ ગાય જે તમામ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરનાર હોય છે તેવી કામધેનુ ગાય સમાન ષોડશીથી સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
ષોડશીના સાધકને ભોગ અને ત્યારબાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તેને ભુક્તિ-મુક્તિદાયિની કહે છે. (શ્રી લલિતાપંચરત્નમ મુજબ)
પ્રિય વાંચકો, શ્રી વિદ્યાના ક્રમમાં અને તંત્રશાસ્ત્રમાં ષોડશીનું વર્ણન અલગ અલગ છે. દેવીના ઘણા રહસ્યો ગૂઢ છે જે કોઈનાથી સમજી શકાય એમ નથી. આ આર્ટિકલ લખવામાં શ્રી વિદ્યાના દીક્ષિત એવા નાગર બ્રાહ્મણ મારા પરમ પ્રિય મિત્ર શ્રી ઉજવ્વલભાઈ નાગરે મને ખૂબ જ મદદ કરેલ છે. તેમણે મને જણાવ્યું કે મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી વિદ્યાધામ છે ત્યાં દેવી ષોડશીનું મંદિર છે ત્યાં દર્શનનો લાભ મળી શકે છે.
જય ષોડશી માઁ.
જય બહુચર માઁ.