શુંભ અને નિશુંભ નામના દૈત્યોના સેનાપતિઓ ચંડ-મુંડ અઢળક સેના સાથે હિમાલય ઉપર પહોંચીને માં અંબિકા પર આક્રમણ કરે છે તેથી દેવી કોપાયમાન થઈને કાલિકા નું રૂપ ધારણ કરે છે. માં કાલી દૈત્યોનું ભક્ષણ કરવા લાગે છે.
મહાવત, ઘંટા અને હાથી ઉપર સવારી કરીને લડવા આવતા અસુરોને તેમના વાહન સહિત ભક્ષણ કરીને માં કાલિકા તેમના મુખમાં મૂકવા લાગ્યા. આટલું જ નહી તે બધાને ભયંકર રીતે દાંતથી ચાવવા લાગ્યા. કેટલાક અસુરોને કેશથી, કેટલાકને ગળેથી પકડયાં અને કેટલાકને પગથી છૂંદવા લાગ્યા હતા.
ચંડ આ બધુ જોઈને હેબતાઈ ગયો તેથી તે કાલિકા સામે દોડ્યો અને બાણોની વૃષ્ટિ કરીને દેવીને ઢાંકી દીધા. મુંડ પણ હજારો ચક્રો વડે દેવી પર પ્રહાર કર્યો. માં કાલિકાએ આ બધા ચક્રો અને બાણો પોતાના મુખમાં સમાવી લીધા અને મોટી ગર્જના કરી અટ્ટહાસ્ય કરવા લાગ્યા.
માં કાલિકાએ મહા-તલવાર ઉગામી ને ચંડ ના કેશ (વાળ) પકડીને એનો શિરચ્છેદ કરી નાંખ્યો.ચંડને પડેલો જોઈ મુંડ દેવી તરફ દોડ્યો પરંતુ ક્રોધે ભરાયેલા દેવીએ ખડ્ગ વડે મુંડને પણ હણી નાંખ્યો. ચંડ મુંડને હણાયેલા જોઈને બધા દૈત્યો દશે દિશાઓમાં ભાગવા માંડયા.
ચંડ અને મુંડના મસ્તકો હાથમાં લઈને પ્રચંડ અટ્ટહાસ્ય કરતાં કાલિકાદેવી માં (ચંડિકા ) અંબિકા ને કહ્યું કે હે ચંડિકા દેવી ! આપને યુદ્ધ યજ્ઞ માટે આ ચંડ મુંડ અર્પણ કરું છું. આમ ચંડ અને મુંડ ને લાવેલા જોઈ ચંડિકાદેવી કાલિકા પ્રત્યે મનોહર વચન બોલ્યા કે હે કાલિકાદેવી ! તમે ચંડ અને મુંડ ને અહીં લાવ્યા છો તેથી તમે ચામુંડા નામથી જગવિખ્યાત થશો.
માઁ ચામુંડા સિંહવાહિની છે, તે શવારૂઢ છે, તે રણસંગ્રામની દેવી છે, તે રણચંડી છે, તે યુદ્ધની દેવી છે, તે વીરતા, શૌર્યતા અને ઉગ્રતા પ્રદાન કરે છે, તે ભયંકર ક્રોધ કરનારી છે, જે હું હું કરીને હુંકાર કરે છે, ડાક અને ડમરૂના નાદે વેગે દોડતી આવે છે, હાંક કરતી આવે છે,તે તેના ભક્તોને અભય બનાવે છે.
ગુજરાતના પાંચાલ પ્રદેશમાં “ચોટીલા” શક્તિપીઠ આવેલું છે. ત્યાં પાંચાલ રાજાઓનું રાજય હતું. જયાં એક માત્ર ડુંગર છે કે જયાં માતાજીએ આ ડુંગરાની ચોટી પર ચંડ-મુંડનો સંહાર કર્યો અને દેવી આ ડુંગર પર સ્થિર થયા હતા.
ચંડ-મુંડને વધ કરનારી દેવી એક જ છે પણ તેની પ્રતિકૃતિ બે છે જેથી જેણે ચંડને માર્યો છે તે ચંડી અને મુંડને માર્યો છે તે ચામુંડા છે જેને ચંડી-ચામુંડા કહેવાય છે.જે બંને એક છે તેમાં કોઈ ભેદ નથી.
આ સંસારના નકારાત્મક તત્વો જેમ કે મેલી વસ્તુઓ, મેલી વિદ્યા, દુષ્ટ દાનવી શક્તિ, ભૂત-પ્રેત, ચુડેલ, ડાકણ, કાળા જાદુ ટોના વગેરેને પળ વારમાં નાશ કરનારી માઁ ચામુંડા છે. ચામુંડાના નામથી જ આ તમામ નકારાત્મક તત્વો થરે થરે છે, ધ્રૂજે છે, ભાગી જાય છે.
કલૌ ચંડી વિનાયક અર્થાત્ કળિયુગમાં ભગવતી માઁ ચંડિકા અને ભગવાન વિનાયક ગણેશજીની ઉપાસના સર્વશ્રેષ્ઠ ફળ આપનારી છે.
માઁ ચામુંડા માતાનો જે નર્વાણ મંત્ર છે તેમાં નવદુર્ગાની નવ શક્તિઓ સમાયેલી છે જે નીચે પ્રમાણે છે.
ઐ હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ ।।
માઁ ચામુંડાનો આ નર્વાણ મંત્ર ખૂબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી છે.જે આ કળિયુગમાં નર્વાણ મંત્રનો શુદ્ધ મન અને અંત:કરણથી જાપ કરે છે તેને નવગ્રહની પીડામાંથી મુક્તિ મળે છે.
માં ચામુંડાનું આ ચરિત્ર વાંચવા માત્રથી વ્યકિત ભયમુકત બને છે અને અપાર શકિતઓનો સ્ત્રોત તેમાં વહે છે.માઁ ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. માઁ ચામુંડા ચોસઠ જોગણીઓ અને એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે.માઁ ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ત્રિશૂલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે એવા શ્રી ચામુંડા માઁ નો જય હો.
જયારે સ્વર્ગ પર સંકટ આવતું ત્યારે દેવો સભા ભરતા. ત્યાં ઋષિમુનિઓને આગળ કરતા.હોમ હવન કરતા. માઁ નું આહવાન કરતા. તેઓ ભેગા ભળીને માઁ જગદંબાની આરાધના કરતા.
જગદંબા તેમના દુ:ખો સાંભળીને કોપાયમાન થતી.દેવી મહાભયંકર બનીને ચંડિકા બની જતી અને આમ અસુરોનો નાશ કરવા દોડી જતી.
જય ચામુંડા માં.
જય બહુચર માં.