દક્ષ રાજાએ તેમના ઘરે યજ્ઞ કર્યૉ તે સમયે તેમણે તેમની દીકરી સતી અને જમાઈ મહાદેવને આમંત્રિત કર્યા નહી. સતી આ વાતથી ખૂબ જ ક્રોધે ભરાયા અને દક્ષે કરેલા યજ્ઞમાં સ્વયં કૂદી પડયા.
સતીએ કરેલા દેહત્યાગથી શિવ ક્રોધે ભરાયા અને તેમણે તેમની જટા પછાડીને વીરભદ્રને ઉત્પન્ન કર્યા.શિવજીએ વીરભદ્રને આદેશ કર્યો કે દક્ષ રાજાનું મસ્તક ધડથી અલગ કરી નાખે અને જે પણ વચ્ચે આવે તેનો નાશ કરે.
શિવમહાપુરાણમાં વીરભદ્રનું આખું ચરિત્ર વર્ણવેલું છે. જયારે શિવજી પર્વત પર પોતાની જટા પછાડે છે ત્યારે જટાના પૂર્વ ભાગથી મહાબલી ભયંકર વીરભદ્ર પ્રગટ થયા. અગ્નિ સમાન ભયંકર વીરભદ્રને એક હજાર ભુજાઓ હતી. તેમનું શરીર લોહ જેવું અને કદમાં ઉંચું હતું. જટાના બીજા ભાગમાંથી મહાકાલી પ્રગટ થયા. તે ભૂતોથી ધેરાયાલા હતા. તેઓ તેજથી પ્રજવલિત થઈને દાહ ઉત્પન્ન કરતા હતા.
વીરભદ્ર શિવને કહે છે કે હે મહારૂદ્ર ! આપ આજ્ઞા કરો મારે શું કરવાનું છે ? શું મારે અડધી જ ક્ષણમાં તમામ સમુદ્રોને સૂકવી દેવાના છે કે પછી એક પળમાં સમગ્ર પર્વતોને દળી નાખવાના છે ? હે મહેશ્વર ! આપની આજ્ઞા હોય તો હું સમસ્ત બ્રહ્માંડને નષ્ટ કરી દઉં. સમસ્ત દેવગણો અને ઋષિમુનિઓને સળગાવીને રાખ કરી દઉં કે પછી સંપૂર્ણ લોકનો નાશ કરી દઉં.
શિવ વીરભદ્રને આજ્ઞા કરે છે કે હે વીરભદ્ર ! તમે દક્ષના યજ્ઞનો નાશ કરી દો. દક્ષના અભિમાને સતીનો ભોગ લીધો છે. તમે દક્ષનું મસ્તક કાપી નાખો. જે પણ કોઈ દેવ, ગંધર્વ, યક્ષ, ઋષિમુનિઓ કોઈ પણ દક્ષની સાથે હોય તે બધાના પ્રાણ હરી લો.
વીરભદ્ર શિવની આજ્ઞાને માથે ચડાવીને હજારો સિંહોના રથ સાથે, શિવના લાખો ગણો સાથે દક્ષના યજ્ઞમાં જાય છે. વીરભદ્રના આગમનના સમાચારથી દક્ષ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે “તે તેમની સહાય કરે”
વિષ્ણુ ભગવાન કહે છે કે મેં આપને જણાવ્યું હતું કે આપ શિવનો વિદ્રોહ ના કરશો છતાંય આપે મને પ્રાર્થના કરીને યજ્ઞમાં બોલાવ્યો. હું ભક્તને આધીન છું તેથી મારે આવવું પડયું પરંતુ શિવ મારા ભગવાન છે. હું શિવનો પ્રિય ભકત છું. શિવ અને હું સમાન છે તેમ છતાં મારે આજે શિવના ક્રોધનો ભોગ બનવું પડશે. હું બની શકે તેટલી સહાય કરીશ.
વીરભદ્ર દક્ષના યજ્ઞમાં આવ્યા ત્યારે સમગ્ર દેવો આમતેમ ભાગવા દાગ્યા. ભગવાન વિષ્ણુએ વીરભદ્ર સામે ધનુષ ચલાવ્યું પણ વીરભદ્રે પોતાની તલવારથી કાપી નાંખ્યું. વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર ઉગામ્યું. વીરભદ્રે ચક્રને સ્થંભિત કરી નાંખ્યું. વિષ્ણુ ભગવાન અદશ્ય થઈ ગયા. બ્રહ્મા પણ ત્યાંથી અંતરધ્યાન થઈ ગયા.
વીરભદ્રે ઘણા દેવતાઓ અને મુનિઓના અંગ ભંગ ભાંગી કાઢયા. મહાયજ્ઞ મૃગનું રૂપ લઈને ત્યાંથી ભાગ્યો. વીરભદ્રે ભૃગુ ઋષિને ઉચકીને પછાડયા તેમની છાતી પર પગ મૂકીને દાઢી અને મૂછો ખેંચી કાઢયા. ચંડે પૂષાના દાંત તોડી નાંખ્યા. નંદીએ ભગને પૃથ્વી પર પછાડીને તેમની આંખો કાઢી નાંખી.
બ્રહ્મપુત્ર દક્ષ બીકનો માર્યો અંતર્વેદીની અંદર સંતાઈ ગયા.વીરભદ્રે તેમનો પત્તો મેળવીને બળપૂર્વક પકડયા.વીરભદ્ર તેમના બંને ગાલ પકડીને મસ્તક પર તલવારથી આધાત કર્યો પણ દક્ષનું મસ્તક છેદન થઈ શકયું નહી.
જયારે વીરભદ્રને જાણ થઈ કે કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી દક્ષનું મસ્તક છેદન થઈ શકશે નહી ત્યારે તેમણે દક્ષની છાતી પર પગ મૂકીને બંને હાથે ગળું પકડીને મસ્તકને ધડથી અલગ કરી દીધું.
શિવદ્રોહી દક્ષના મસ્તકને વીરભદ્રે અગ્નિકુંડમાં પધરાવી દીધું. વીરભદ્રે દક્ષ અને તેના યજ્ઞનો નાશ કરીને કૈલાસ પરત ગયા.વીરભદ્રને કાર્ય પૂરું કરીને આવેલા જોઈને શિવ સંતુષ્ટ થયા.શિવે વીરભદ્રને પ્રમથગણોના અધ્યક્ષ બનાવી દીધા.
વીરભદ્ર દક્ષિણ ભારતમાં ખૂબ પૂજાય છે.વીરભદ્રનું મંદિર આંધ્રપ્રેશના લેપાક્ષી ગામમાં છે. ત્યાં વીરભદ્રના મંદિરની કલાકૃતિનો તોડ આજ સુધી કોઈ એન્જિનિયર કે આર્ટિકટેક શોધી શક્યું નથી.
આ મંદિરમાં ૭૨ પિલ્લરો છે જે જમીનથી અડીને નથી અર્થાત્ હવામાં લટકતા છે જે પિલ્લરોની નીચે તમે એક કપડું એક બાજુથી નાખો તો બીજી બાજુ કાઢી શકો.
વીરભદ્ર જાટ જાતિના લોકોના કુળદેવતા છે તેમ ઈતિહાસના પાનાઓમાં મળી આવે છે.
પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે કે વીરભદ્રના છ પુત્રો હતા જેમ કે પોનભદ્ર, કલ્હનભદ્ર, અતિસુરભદ્ર, જખભદ્ર, બ્રહ્મભદ્ર, દહીભદ્ર વગેરે છે.
હિરણ્યાક્ષના વધ બાદ જયારે ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંધ ના થયો ત્યારે સમગ્ર દેવગણોએ શિવજીને સ્તુતિ કરી.તે સમયે ભગવાન શિવે વીરભદ્રને મોકલ્યા હતા.
નૃસિંહ અને વીરભદ્ર વચ્ચે ઘોર યુદ્ધ થયું. છેવટે નૃસિંહ ભગવાનના ક્રોધને વીરભદ્ર શાંત ના કરી શક્યા અને અદશ્ય થઈ ગયા.
દક્ષના યજ્ઞ સમયે વીરભદ્રના ક્રોધના કારણે ભગવાન વિષ્ણુને અદશ્ય થઈ જવું પડયું હતું અને ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહના ક્રોધના કારણે વીરભદ્રને અદશ્ય થઈ જવું પડયું કારણકે એક શિવનો અવતાર છે અને બીજો વિષ્ણુનો. શિવ અને વિષ્ણુ બંને સમ છે.બંને એક છે.શિવનો ઉપાસક વિષ્ણુનો વિદ્રોહ ના કરી શકે અને વિષ્ણુનો ઉપાસક શિવનો વિદ્રોહ ના કરી શકે.
શિવજીએ નૃસિંહના ક્રોધને શાંત કરવા શરભાવતાર લીધો અને નૃસિંહને પોતાની પૂંછમાં બાંધી દીધા ત્યારબાદ નૃસિંહ ભગવાને શિવની ક્ષમા માંગીને વિનમ્ર ભાવથી સ્તુતિ કરી હતી. શરભ એટલે અડધુ શરીર હરણનું અને અડધું પક્ષીનું એમ થાય છે.આ આખી કથા લિંગપુરાણમાં છે.
વીરભદ્ર એક એવું ચરિત્ર છે કે જો તમે સતત તેમનું મનન ચિંતન કરો તો કયારેય તમને ડર કે ભય સતાવતો નથી.ભૂત પ્રેત, પિશાચ,ડાકિણી કોઈનાથી પણ બીક લાગતી નથી.વેરાન જંગલો અને અંધારા તમને હચમચાવી શકતા નથી.તમારી અંદર પરાક્રમનો જોમ વધે છે.
વીરભદ્રનું સ્વરૂપ ડરામણું છે પણ જો તમે તેમની ઉપાસના કરો તો તમારાથી નીચ વૃત્તિ કરતા રાક્ષસ જાતિના લોકો ડરે છે.
હર હર મહાદેવ.
જય વીરભદ્ર.
જય બહુચર માં.