સ્કંદપુરાણ પ્રમાણે એક વખત પાર્વતી દેવીના લલાટ પર પ્રસ્વેદ બિંદુ ( પરસેવાનું ટીપું ) ઉત્પન્ન થયું. તે મંદાર પર્વત પર પડયું ત્યાં બિલ્વ વૃક્ષની ઉત્પતિ થઈ. બિલ્વપત્રના વૃક્ષની જડમાં ગિરિજા, ડાળીમાં દક્ષયાયની, પાંદડામાં પાર્વતી અને ફળમાં કાત્યાયનીનો વાસ છે.
બિલ્વપત્રના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ છે. બિલ્વપત્રના ત્રણ પાનમાં મહાદેવજીના ત્રણ નેત્રો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે. શિવજીને એક હજાર આકડાના ફૂલ અને એક હજાર કરેણના ફૂલ ચઢાવવા જેટલું જ ફળ માત્ર એક બિલ્વપત્ર ચઢાવવાથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત હજારો વાજપેય યજ્ઞ અને હોમ તેમજ કન્યાદાન કર્યાનું ફળ શિવજીને માત્ર એક બિલ્વપત્ર ચઢાવવાથી મળે છે.
બિલ્વપત્રનું સર્જન પાર્વતી દ્વારા થયું હોવાથી શિવજીને બિલ્વપત્ર અત્યંત પ્રિય છે. બિલ્વપત્ર ત્રિદલ છે. બિલ્વપત્રના ત્રણ પાંદડા જ્ઞાન,ભકિત અને કર્મનું પ્રતિક છે. શિવજીને બિલ્વપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શ્રાવણમાં શિવજીને બિલ્વપત્ર ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને અનેક પાપોનો સંહાર થાય છે.
શિવપુરાણ અનુસાર શિવજીને એક વખત ચડાવેલું બિલિપત્ર જળથી ધોઈને બીજી વખત પણ ચડાવી શકાય છે. શિવજીને તૂટેલું, ફાટેલું, ડાઘી પડી ગયેલું, મેલું લાગતું બિલિપત્ર ચડાવવું જોઈએ નહી.
બિલ્વને ગુજરાતીમાં બિલી અથવા બિલીપત્ર, હિન્દીમાં બેલ,બેલારીફળ, બંગાળીમાં બેલા, કન્નડમાં બેલાપત્ર, મરાઠીમાં બેઈલા, સંસ્કૃતમાં બીલ્વ, તામિલ અને મલયાલમમાં વીલ્વામ અને તેલુગુમાં મારેડુ કહે છે. બિલિના વૃક્ષો ભારત, શ્રીલંકા, પાકિસ્તાન,બાંગ્લાદેશ,થાઈલેન્ડ એમ અનેક દેશોમાં થાય છે.
બિલ્વપત્રનો ઉપયોગ અનેક પ્રકારના રોગ દૂર કરવામાં આવે છે. આયુર્વેદમાં તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.હ્દયરોગ,પેટની બીમારી,જઠરને લગતી બીમારી એવી ઘણી બીમારીઓનો ઈલાજ બિલ્લપત્રથી બનતી ઔષધિઓમાંથી થાય છે.
શિવજીને બિલ્વપત્ર ચડાવતા સમયે નીચેનો મંત્ર બોલવો જોઈએ.શનિવારે શિવજીનો અગિયારમો રૂદ્ર અવતાર હનુમાનજીને બિલ્વપત્ર અર્પણ કરવું લાભદાયક છે.
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્ર ચં ત્રિધાયુતમ્ ।
ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વ શિવઅર્પણમ્ ।।
ત્રણ ગુણો, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણે પાપોનો સંહાર કરનારા હે શિવજી તમને એક બિલ્વપત્ર અર્પણ કરું છું.
એક પ્રાચીન સાખીને યાદ કરું તો
એક બિલ્વપત્ર,એક પુષ્પમ ઔર એક લોટા જલ કી ધાર
આસન જમાયે બૈઠે હૈ કૃપાસિંધુ કૈલાશ.
હર હર મહાદેવ.
જય બહુચર માં.