27.6 C
Ahmedabad
Sunday, December 22, 2024

જાણો સંત શ્રી રવિદાસ વિશે…

આ કથા કાશીથી શરૂ થાય છે. કાશી પાસે એક નાનકડું ગામ જયાં રવિ નામનો એક ચમાર જાતિનો છોકરો મહા સુદ પૂનમે વિ.સં ૧૪૩૩માં જન્મ્યો હતો.

વાત ૬૦૦ વર્ષ પહેલાની છે પણ જેટલી પ્રાચીન વાત છે તેટલી ઉંડી સુધી મનને સ્પર્શ કરી જાય તેવી આહલાદક છે.

આ બાળક મોટો થતા રવિદાસ, રોહિત, રૈદાશ વગેરે નામથી ઓળખાવા લાગ્યો.રવિદાસ પોતાના પિતાનો વ્યવસાય કરતા હતા. તે બૂટ-ચંપલ જૂતાનું રિપેરિંગ કરતા અને બૂટ પોલીસ કરતા હતા.

એક વાર પાંચ બ્રાહ્મણો ગંગા સ્નાન કરવા ત્યાંથી નીકળ્યા.એમાંથી એક બ્રાહ્મણનું ચંપલ તૂટી ગયું હોવાથી તે બધા બ્રાહ્મણો ત્યાં રવિદાસ પાસે પેલા બ્રાહ્મણની ચંપલને સરખી કરાવા ઉભા રહ્યા.

તે બ્રાહ્મણની ચંપલ સરખી થયા બાદ તે બ્રાહ્મણો ત્યાંથી રવાના થતા હતા ત્યારે રવિદાસે એક બ્રાહ્મણને એક નાનો પૈસો આપ્યો અને કહ્યું કે આ પૈસો ગંગામાં વહાવી દેજો.

બ્રાહ્મણે સિક્કો લઈને કહ્યું કે હા હું જરૂર વહાવી દઈશ.બ્રાહ્મણોએ ગંગામાં સ્નાન કર્યું. માઁ ગંગાની પૂજા આરતી કરી અને રવિદાસે આપેલો સિક્કો ગંગામાં વહાવી દીધો.બ્રાહ્મણો ત્યાંથી પરત થતા હતા ત્યારે ગંગામાંથી માઁ ગંગાનો હાથ બહાર આવ્યો.એ હાથમાં એક સોનાનો પાટલો હતો.

માઁ ગંગાએ બ્રાહ્મણોને કહ્યું કે “આ પાટલો મારા ભક્ત રવિદાસને આપી દેજો”. બ્રાહ્મણોએ સોનાનો પાટલો લઈને કહ્યું કે હા અમે આપી દઈશું.

સોનું માયા છે.સોનાની વસ્તુ જોઇને કોઈ પણનું મન બદલાઈ જાય. બ્રાહ્મણો ખૂબ સારા અને વિદ્વાન હતા પણ માયાના કારણે તેમનું મન બદલાયું.તેમણે વિચાર્યુ કે જો આપણે આ પાટલો રવિદાસને નહી આપીએ તો એમને શું ખબર પડવાની ? એના કરતા આપણે આ પાટલો રાજાને જઈને આપી આવીએ તો રાજા આપણને ઈનામ આપશે.

બ્રાહ્મણો રાજા પાસે ગયા. રાજાએ આવો અદભુત પાટલો હીરા ઝવેરાત જડેલો પહેલી વાર જોયો હતો. રાજાએ ગામના સોનીઓ અને ઝવેરીઓને ભેગા કરીને આની કિંમત નક્કી કરવાનું કહ્યું તેથી તેની કિંમત બ્રાહ્મણોને આપી શકે.

તેવામાં ત્યાં રાજાના રાણી આવ્યા.રાજાએ તે સોનાનો પાટલો રાણીને બતાવ્યો અને સમગ્ર વાત કહી.રાણીએ કહ્યું કે આ તો એક જ હાથમાં પહેરી શકે.આવો જ બીજો પાટલો હોય તો બીજા હાથમાં પહેરી શકાય. હું આને એક હાથમાં પહેરીને શું કરું ?

રાજાએ બ્રાહ્મણોને કહ્યું કે “જાઓ બીજો પાટલો લઈ આવો તો રાણી બંને હાથમાં પહેરી શકે” હવે બ્રાહ્મણોને ચિંતા પેઠી કે બીજો પાટલો લાવો કયાંથી ? જો નહી લાવીએ તો રાજા સજા કરશે.બ્રાહ્મણોએ રાજાના ડરથી સમગ્ર સાચી વાત રાજાને કહી દીધી.

રાજા આ વાત સાંભળી આશ્ચર્યમાં પડયા.તેમણે તેમના મંત્રીઓ સિપાહીઓ અને બ્રાહ્મણોને બધાને સંત રવિદાસ પાસે મોકલ્યા. બ્રાહ્મણોએ રવિદાસની માફી માંગીને સમગ્ર ઘટના જણાવી અને તેમની પાસે બીજા સોનાના પાટલાની માંગણી કરી.

રવિદાસે એક પાત્રમાં પાણી લીધું અને માં ગંગાના યાદ કર્યા ને તે પાત્રમાંથી એક બે ત્રણ ચાર જેટલા જોઈએ તેટલા સોનાના પાટલા કાઢયા.તે પછી રવિદાસ સંત રવિદાસ કહેવાયા.

સંત રવિદાસ બોલ્યા કે “મન ચંગા તો કથરોટ મેં ગંગા’ અર્થાત્ જેનું મન શુદ્ધ હોય તેની પાસે હંમેશા ઈશ્વર અને ઈશ્વરના આશીર્વાદ રહે છે.

સંત શ્રી રવિદાસના ગુરુ સંત શ્રી રામાનંદ હતા. સંત રવિદાસને તે વખતનો મુગલ શાસક સિકંદર લોદી તેમને મુસલમાન ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતો હતો.

સિકંદર લોદીએ રવિદાસને કહ્યું કે “જો તેઓ મુસ્લિમ ધર્મ સ્વીકારે તો હજારો મુસલમાન તેમના શિષ્ય બની જશે” પણ રવિદાસે સિકંદર લોદીને કહ્યું કે “વૈદિક ધર્મ સાચો છે અન્યને હું સ્વીકારી શકું તેમ નથી”.

સિકંદર લોદી સંત રવિદાસને મૃત્યુદંડ આપવાનું નક્કી કરે છે પણ રવિદાસ કહેતા કે “હું ડરપોક નથી કે મૃત્યુથી ડરું. જો મારા પ્રાણ પણ જતા રહે તો પણ કંઈ વાંધો નહી પરંતુ હું સનાતન ધર્મને છોડીશ નહી.

સંત રવિદાસની સનાતન ધર્મ પ્રત્યેથી અતૂટ લાગણીથી પ્રભાવિત થઈને એક મુસલમાન ઓલિયા સંત રવિદાસના શિષ્ય બની ગયા. તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો બાદમાં તે મુસ્લિમ સંત રામદાસ તરીકે ઓળખાયા હતા.

એકવાર શ્રી કૃષ્ણ ભક્ત મીરા કાશી આવ્યા હતા. તેમણે રવિદાસને મળીને કહ્યું કે “ગુરુ મિલે તો રવિદાસ જૈસા”…

સંત રવિદાસ કહેતા કે જાતિ વર્ણથી કોઈ ઉચ્ચ કે નિમ્ન નથી હોતું. મનુષ્ય તેના જ્ઞાન અને કર્મો દ્વારા શ્રેષ્ઠ બને છે.

કાશીમાં તે સમયે જાત-પાત-વર્ણની પ્રથાના કારણે બ્રાહ્મણો જે ઘાટ પર સ્નાન આદિ કર્મ માટે જતા હતા. તે ઘાટ પર કોઈ પણ જાતિ કે વર્ણના લોકોને ત્યાં પ્રવેશ નિષેધ હતો.વૈશ્ય,ક્ષત્રિય અને શૂદ્ર જાતિના અલગ અલગ ઘાટ હતા.

સંત રવિદાસે આ પ્રથાનો વિરોધ કર્યો ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે જે જનોઈ ઘારણ કરે છે તે બ્રાહ્મણ હોય છે.બ્રાહ્મણોની વચ્ચે આવીશ તો અમારા ક્રોધનો ભોગ બનીશ.

સંત રવિદાસે કહ્યું કે જે બ્રહ્મ ( ઈશ્વર ) ને જાણે છે તે દરેક બ્રાહ્મણ છે. હું પણ જન્મથી બ્રાહ્મણ છું. મેં પણ જનોઈ ધારણ કરેલી છે. બ્રાહ્મણો જન્મ પછી જનોઈ ધારણ કરે છે. હું જનોઈ સાથે જન્મયો છું.

બ્રાહ્મણો સંત રવિદાસ પર હસવા લાગ્યા કે તું તો ચમાર છે, મોચી છે તું કયાંથી બ્રાહ્મણ થયો ?

સંત રવિદાસે પોતાનું ડાબું અંગ ચીરી નાંખ્યું. તેમાં બ્રાહ્મણોએ સોનાની સાત શેરની જનોઈ જોઈ. તેની ઉપર ગંગાજળ અને દૂધનો અભિષેક થતો હતો. બ્રાહ્મણો રવિદાસની આગળ શરમાવા લાગ્યા ત્યારબાદ ત્યાં કાશીમાં જાતિવાદ બંધ થઈ ગયો.

સંત રવિદાસ રચિત દોહા આજે પણ ઈતિહાસના પાનાઓમાં જડિત છે.

એક માટી કે સબ ભાંડે
સબ કા એકૌ સર્જનહાર ….

બગીચામાં ઘણા ફૂલો હોય છે પણ ગુલાબનું ફૂલ અલગ તરી આવે છે. સંત રવિદાસનું કંઈક આમ જ હતું.

નોંધ – બ્રાહ્મણો મારે મન પૂજનીય છે. મેં અવારનવાર બ્રાહ્મણો વિશે મારા દરેક આર્ટિકલમાં વર્ણવ્યું છે. મારા ગુરુ પણ બ્રાહ્મણ છે. મારા પચાસથી વધારે મિત્રો પણ બ્રાહ્મણો છે.

આ આર્ટિકલમાં બ્રાહ્મણોને નીચા દેખાડવાનો કે તેમનો વિરોધ કરવાનો મારો કોઈ જ ઉદેશ નથી. હું બ્રાહ્મણો માટે હંમેશા કહું છું કે બ્રાહ્મણો આ પૃથ્વી પરના હરતા ફરતા તીર્થ સમાન છે. હું બ્રાહ્મણોને હંમેશા પૂજું છું. પગે લાગૂં છું. કંઈક જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો પણ બ્રાહ્મણ પાસે જ જઉં છું.

અહીં સંત રવિદાસની ઈશ્વર પ્રત્યેની અનન્ય ભક્તિ દર્શાવા માટે આ લેખ લખ્યો છે તેમ નોંધ લેવી. મારે મન સૌથી મોટો ધર્મ માનવતા છે. દરેક જાતિના બધા જ લોકો મારા મિત્રો છે.

મૂળ આપણે બધા પરમાત્મા શિવ અને આદિ પરાશક્તિ જગદંબાના બાળકો છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,579FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page