30 C
Ahmedabad
Friday, November 15, 2024

જાણો સચરાચર જગતમાં વ્યાપ્ત દેવીઓ કોણ છે ?

ત્રણ પ્રધાન દેવી જે સચરાચર જગતમાં વ્યાપ્ત છે જે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે જે આદિ પરાશક્તિ જગદંબાના ત્રણ મુખ્ય ચરિત્રો છે.

જય આદ્યાશક્તિ આરતીમાં શ્રી શિવાનંદ સ્વામી લખે છે કે…

ચોથે ચતુરા મહાલક્ષ્મી માઁ સચરાચર વ્યાપ્યા.
માઁ સચરાચર વ્યાપ્યા.
ચાર ભુજા ચૌ દિશા માઁ
પ્રગટયા દક્ષિણ માં.

અહીં આ પંક્તિનો અર્થ એમ થાય છે કે શ્રી મહાલક્ષ્મી માઁ સચરાચર જગતમાં વ્યાપ્ત છે. માઁ ચાર દિશામાં સમાયેલ છે અને પ્રગટયા દક્ષિણ માં. (અહીં દક્ષિણ દિશામાં મહારાષ્ટ્રમાં આવેલ કોલ્હાપુરમાં માતા મહાલક્ષ્મી પ્રગટ થયા હતા તેમ કહેવામાં આવેલ છે.)

આવો આપણે ચતુર્થ નોરતે શ્રી મહાલક્ષ્મી માતાને યાદ કરીએ.શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ માં દેવરાજ ઈન્દ્ર કહે છે બધુ જાણનાર, સર્વ વરદાન આપનાર, સમસ્ત દુષ્ટોને ભય આપનાર અને સર્વ દુઃખોને દૂર કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર છે.

ઋગ્વેદ માં વર્ણવેલ શ્રી સૂકતમ માં અગ્નિદેવને સંબોધીને કહેવાયું છે કે હે અગ્નિદેવ ! તપેલા સોના સમાન ગૌર વર્ણવાળી, તેજ સ્વરુપા, હરિણીની જેમ ગતિવાળી, સોના જેવી ચમકદાર,ચંદ્રની જેમ સૌને શાંતિ અને આનંદ આપનારી,સુવર્ણ સમાન તેજોમય શરીર ધારણ કરનારી જ્યોતિ સ્વરુપા લક્ષ્મીદેવીનું મારે ત્યાં આવાહન કરો.

ઋગ્વેદોકતં લક્ષ્મી સૂક્તમ્ માં શ્રી મહાલક્ષ્મીના ચાર પ્રસિદ્ધ પુત્રો આનંદ, કર્દમ, શ્રીદ, ચિકલીતે પોતાની માતાને કહ્યું છે કે “હે ભગવાન વિષ્ણુની હૃદયેશ્વરી, ક્ષમાની મૂર્તિ,માધવ પ્રિયા, ભગવાન અચ્યુત ની પ્રેયસી લક્ષ્મીદેવી ! અમે સૌ આપને વારંવાર નમસ્કાર કરીએ છે.

આદિગુરુ શંકરાચાર્ય કનકધારા સ્તોત્રમાં લખે છે કે હે કમલાક્ષિ ! તમારા ચરણમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય પ્રદાન કરનારી અને સમસ્ત ઈન્દ્રિયો ને આનંદ આપનારી છે તથા સામ્રાજ્ય આપવામાં સર્વથા સમર્થ તથા સંપૂર્ણ પાપોને નષ્ટ કરવામાં સમર્થ છે.હે માત ! મને તમારા ચરણકમળોની વંદના કરવાનો શુભ અવસર હંમેશા મળતો રહે તેમ કરો.

ચૈત્રી ,આસો ,અષાઢ અને મહા આ ચાર નવરાત્રિમાં શ્રી મહાલક્ષ્‍મીની ઉપાસના સર્વ પ્રકારનાં સુખ શાંતિ,ધન પ્રાપ્તિ માટે થાય છે.શ્રી મહાલક્ષ્મી દેવીની ઉપાસના શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ,શ્રી સૂકતમ્,શ્રી લક્ષ્મી સૂકતમ્, કનકધારા સ્ત્રોત વગેરે પાઠથી થઈ શકે છે.

આપણે સૌ આ પાઠના શુદ્ધ રીતે સંસ્કૃતના શ્લોકોનું ઉચ્ચારણ ના કરી શકતા હોય તો આપણી માતૃભાષા ગુજરાતીમાં આ સર્વે પાઠ કરી શકીએ છે.

શ્રી મહાલક્ષ્મીજીનો મંત્ર અહીં લખું છું જે નીચે મુજબ છે.

ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મયૈ નમ : ।।

Om Shreem Hreem Sheeem Kamale Kamalalaye Praseed Praseed Om Shreem Hreem Shreem Mahalaxshmaye Namah !!

જો આ મંત્રની દરરોજ એક માળા કરવામાં આવે તોય શ્રી મહાલક્ષ્મીજીની કૃપા થાય છે.

મને એકવાર એક વ્યક્તિએ એમ પૂછયું હતું કે હું સતત એક મહિનાથી મહાલક્ષ્મી સૂકતમનો પાઠ કરું છું તોય મારી પર મહાલક્ષ્મીજીની કૃપા કેમ નથી થતી ?

મેં તે સજજન ને સમજાવ્યું હતું કે કોઈ પણ સ્તોત્ર કે પાઠ એક ધારો એક મહિના, બે મહિના, ત્રણ મહિના, છ મહિના, આઠ મહિના, બાર મહિના, પંદર મહિના, ચોવીસ મહિના કરો ત્યારે દેવી તેની ઈચ્છાએ તમારી પર રાજી થાય છે.

દેવી એટલી સરળ નથી કે તમે તમારા સ્વાર્થથી તેનો પાઠ કરો તો તરત કૃપા વરસાવે. હા દેવી તેટલી સરળ પણ છે કે તમે પૂર્ણ શ્રદ્ધાથી પાઠ કરો અને તમારા હિતમાં હોય તો એક દિવસમાં, એક અઠવાડિયામાં, એક મહિનામાં કે એક સેકન્ડમાં અથવા એક મિનિટમાં પણ રાજી થઈ જાય તેમ છે.

ઘણીવાર બધું જ આપણે આપણા સમયે ઈચ્છતા હોઈએ છે કે હવે આમ થઈ જાય તો સારું પણ કયારેય એવું નથી વિચારતા કે દેવીએ આ કાર્ય માટે શ્રેષ્ઠ સમય નક્કી કર્યો હશે.તેથી આપણને કોઈ પણ સ્તોત્ર કે પાઠ કરવાથી તરત ફાયદો ના થાય તો આપણે તે પાઠ વાંચવાનું બંધ કરી દઈએ છે તેવું ખરેખર ના કરવું જોઈએ.આ સચરાચર જગતમાં વ્યાપ્ત ત્રણ મુખ્ય દેવીના પાઠ, સ્તોત્ર, મંત્ર વગેરે પણ પૂર્ણ ભરોસો રાખવો જોઈએ.

એક સરસ વાત કહું કે તમે કોઈ રીક્ષા, ગાડી,બસ કે ટ્રેનમાં બેસીને કયાંક જાઓ છો તો તમે તે ડ્રાઈવરનું લાઈસન્સ ચકાસો છો ? તમે તેને એવું પૂછો છો કે તને ચલાવતા આવડે છે કે નહી ? એવું કશું નથી કરતા તો પણ તે ડ્રાઈવર પર ભરોસો રાખીને તમે તેના વાહનમાં બેસી જાઓ છો કે તે તમને સુરક્ષિત પહોંચાડશે તો પછી તમારા અને મારા જીવનની દોર જેના હાથમાં છે તે ઈશ્વર પર ભરોસો કેમ ઓછો પડે છે ? આ ભરોસો કયારેય ઓછો ના થવો જોઈએ.

શ્રી મહાલક્ષ્મી માતાને અંબા બહુચર ભક્તોના કોટિ કોટિ વંદન છે.અમે સૌ તમ ચરણોમાં વંદન કરીને આપની ક્ષમાયાચના માંગીએ છે. અમને સર્વ પ્રકારે સુખી રાખજો માઁ.

બોલો જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,572FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page