હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ. તમે શિવપુરાણ વાંચો કે વિષ્ણુપુરાણ વાંચો. બંનેમાં શિવ અને વિષ્ણુને સમાન કહ્યા છે. શિવપુરાણમાં તો સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે “જે શિવનો પરમ ઉપાસક હોય પરંતુ વિષ્ણુનો અનાદર કરતો હોય તો તે મૂર્ખ છે કારણકે “હરિહર બંને એક છે”. આ છતાંય કેટલાય રૂઢિચુસ્ત સંપ્રદાયમાં માનનારા લોકો આ બાબતને સ્વીકારતા નથી. વિષ્ણુપુરાણમાં વિષ્ણુ કહે છે કે શિવ મને પ્રિય છે અને શિવપુરાણમાં શિવ કહે છે કે વિષ્ણુ મને પ્રિય છે.
તમે કોઈપણ શિવાલયમાં જાઓ તમને શિવાનંદ સ્વામી દ્વારા રચેલી હરિહરની આરતી સાંભળવા મળશે. આવો પ્રેમ વિષ્ણુ ભગવાનના મંદિરમાં “શિવ” પ્રત્યે જોવા મળે તો મારા જેવા કેટલાયના હ્દયને અત્યંત આનંદ મળે.
આમાં કેવું છે કે આ જગતના કેટલાય રૂઢીવાદીઓને “મિથ્યાભિમાન” ચડી ગયું છે. કેટલાક સિદ્ધાંતવાદીઓના ગેરમાર્ગે દોરેલા અનુકરણો પસંદ છે પરંતુ શાસ્ત્રમાં લખેલ મહાન ઋષિમુનિઓની વાતોને સ્વીકારવી નથી.
સ્કંદ પુરાણ અનુસાર એકવાર શિવભકતો અને વિષ્ણુભકતો પરસ્પર વાદ વિવાદ કરવા માંડયા.તેમની લડાઈ શિવ અને વિષ્ણુની શ્રેષ્ઠતાને લઈને હતી.
શિવના ભકતોનું માનવું હતું કે શિવ જ સર્વશ્રેષ્ઠ છે જયારે વિષ્ણુના ભકતોનું માનવું હતું કે વિષ્ણુ જ સર્વશ્રેષ્ઠ છે. આ વિવાદ એટલો બધો વધી ગયો કે છેક કૈલાસ સુધી પહોંચ્યો.
શિવજીને આ વિવાદ પાયાવિહોણો લાગ્યો.ભક્તોને સત્ય સમજાય તે માટે શિવજીએ શિવ ભક્તો અને વિષ્ણુ ભકતોને “હરિહર” સ્વરૂપના દર્શન કરાવ્યા. આ રૂપમાં શિવજી અડધા અને વિષ્ણુ અડધા હતા.
शंख पद्य पराहस्तौ,त्रिशूल डमरू स्तथा ।
विश्वेश्वरम् वासुदेवाय हरिहर : नमोस्तुते ।।
હરિહર સ્વરૂપના જમણા ભાગમાં રૂદ્રના ચિહ્ન હતા અને ડાબા ભાગમાં વિષ્ણુના ચિહ્ન હતા. જમણા હાથમાં શૂલ અને ડમરૂ હતા ત્યાં ડાબા હાથમાં ગદા અને ચક્ર હતા.જમણી બાજુ ગૌરીના દર્શન થતા હતા ત્યાં ડાબી બાજુ લક્ષ્મીના દર્શન થતા હતા.
શાસ્ત્રમાં અન્ય એક કથા મળી આવે છે કે એકવાર બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવની “શાર્વસ્તવ” નામની સ્તુતિ કરી. ભગવાન શંભુએ પ્રસન્ન થઈને બંનેને વરદાન માંગવાનું કહ્યું ત્યારે બ્રહ્માએ શિવ પાસે વરદાન માંગ્યું કે તમે મારા પુત્ર થાઓ ત્યારે શિવજીએ કહ્યું હું તમારા પુત્ર રૂપે ત્યારે ઉતપન્ન થઈશ જયારે સૃષ્ટિની રચના કરવામાં તમે નિષ્ફળ જશો તે સમયે તમને ક્રોધ આવશે તે ક્રોધમાંથી રૂદ્ર રૂપે હું પ્રગટ થઈશ.
જયારે ભગવાન વિષ્ણુજીને વરદાન માંગવાનું કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે શિવજી ! મને હંમેશા તમારી ભક્તિ કરવા માટેની શક્તિ આપો.શિવજી વિષ્ણુના મુખેથી આમ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. શિવજીએ વિષ્ણુને કહ્યું “તમે તો મારું અડધું શરીર છો” આમ હરિ (વિષ્ણુ ) અને હર ( શિવ ) સાથે હરિહર થયા.
શિવપુરાણ અનુસાર શિવજીને પ્રસન્ન કરવા જયારે વિષ્ણુ ભગવાન શિવસહસ્ત્રનામાવલીનો પાઠ કરતા હતા ત્યારે શિવના દરેક નામ સાથે એક કમળ ચડાવતા હતા.ભગવાન શિવે પરીક્ષા કરવા એક કમળ છુપાવી દીધુ ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના કોમળ “ચક્ષુ” કાઢીને ચઢાવી દીધા તેથી શિવે પ્રસન્ન થઈને વિષ્ણુને “કમલનયન” કહ્યા અને શિવે તેમનું સુદર્શન ચક્ર વિષ્ણુને આશીર્વાદ રૂપે અર્પણ કર્યું.
શાસ્ત્ર કહે છે કે ભગવાનને ભક્ત વહાલો છે.શિવ કહે છે વિષ્ણુ મને વહાલા છે.તમને એક વાત કહું કે શિવની વિષ્ણુ પ્રત્યેની અને વિષ્ણુની શિવ પ્રત્યેની ભકિત જગતના કલ્યાણનું કારણ બની છે.
હરિહર હંમેશા એકબીજાની સાથે રહ્યા છે.હરિ એટલે કે ભગવાન વિષ્ણુ જયારે મનુષ્ય અવતાર ધારણ કરીને શ્રી રામ રૂપે ત્રેતાયુગમાં અવતર્યા ત્યારે હનુમાનજીના રૂપે હરા (શિવ) સ્વયં તેમની સાથે હતા.
ભસ્માસુર નામના દૈત્યને શિવજીએ વરદાન આપ્યું ત્યારે એ મૂર્ખ શિવજીને ભસ્મ કરવા દોડયો. શિવજી વૈકુંઠ ગયા ત્યારે વિષ્ણુએ મોહીની સ્વરૂપ ધારણ કરી ભસ્માસુરને ભ્રમિત કરી એને એના જ હાથે ભસ્મ કરી નાંખ્યો એમ વિષ્ણુ પણ શિવની સાથે રહ્યા હતા.
દક્ષિણ ભારતમાં એવી માન્યતા છે કે શિવ અને વિષ્ણુના મોહિની સ્વરુપથી ઉત્પન્ન થયેલો પુત્ર “હરિહર” છે ત્યાં લોકો “અયપ્પા” નામથી તેમની પૂજા કરે છે. આ અયપ્પા બ્રહ્મચારી છે. તે શબરીમાલામાં બિરાજે છે. દક્ષિણના લોકો આમ આ રીતે હરિહરાની પૂજા કરે છે.
તમે સમજો ભાવ દરેકનો અલગ કેમ ના હોય,તમે કોઈ એક ભગવાનના કટ્ટર ભકત કેમ ના હોવ પણ તમે બીજા ભગવાનનો વિરોધ કે અનાદર ના કરી શકો. જે ભેદ કરે છે હકીકતમાં તેને માનસિક રીતે ઘણી બધી બાબતોનો ખેદ હોય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે તમે શિવપૂજા કરો ત્યારે “ૐ નમ:ભગવતે વાસુદેવાય” નો જાપ ના કરો તો એ પૂજા અધૂરી ગણાય છે એવી જ રીતે વિષ્ણુ પૂજા કરો ને તમે “ૐ નમ: શિવાય” ના જાપ ના કરો તો પણ વિષ્ણુ પૂજા અધૂરી રહે છે. આનો અર્થ એમ થયો કે બંને એકબીજા વગર અપૂર્ણ છે,બંને સાથે જ પૂર્ણ છે.
શાસ્ત્ર કહે છે કે શિવ અને વિષ્ણુ બંને એકબીજાનો અંતરઆત્મા છે. બંને નિરંતર એકબીજાની સ્તુતિ અને ઉપાસનામાં લીન રહે છે.
ભગવાન શિવ શ્રી હરિના પરમ વૈષ્ણવ ભક્ત છે અને ભગવાન વિષ્ણુ શિવના પરમ શૈવ ભક્ત છે. વૈષ્ણવોનું તિલક ત્રિશૂળ જેવું છે. શિવનું તિલક ધનુષ જેવું છે.
શિવ સહસ્ત્રનામમાં ભગવાન શિવના નામમાં ચતુર્બાહુ, વિષ્ણુ,હરિ એમ ઉલ્લેખ છે જયારે વિષ્ણુ સહસ્ત્રનામ માં શર્વ, શિવ અને સ્થાણુ નામનો ઉલ્લેખ છે.
રામચરિતમાનસના “લંકાકાંડ” માં ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર શ્રી રામ શિવથી પોતે અભિન્ન નથી તે માટેનો એક દોહો છે.
શિવ દ્રોહી મમ દાસ કહાવા ।
સો નર સપનેહું મોહિ ના પાવા ।।
શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ ।
તે નર કરહિ કલપ ભરિ ઘોર નરક મહું બાસ ।।
બ્રહ્મર્વેવત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને કહે છે કે “હે શિવજી ! મને તમારાથી પ્રિય આ જગતમાં કંઈ નથી. તમે મને મારી આત્માથી પણ અધિક પ્રિય છો.”
“શિવસ્ય હ્રદયે વિષ્ણુ: વિષ્ણોશ્ચ હ્રદયે શિવ : । “
અર્થાત્ ભગવાન શિવના હ્દયમાં વિષ્ણુ પ્રત્યે અને ભગવાન વિષ્ણુના હ્દયમાં શિવ પ્રત્યે અધિક પ્રેમ છે.
છેલ્લે હરિહર વિશે લખવું હોય તો
માધવોમાધવાશીશૌ સર્વસિદ્ધિવિદ્યાયિનૌ ।
વંદે પરાસ્પરાત્મનૌ પરસ્પરનુતિપ્રિયૌ ।।
સર્વ સિદ્ધિઓ આપનાર, એક-બીજાની આત્મા સ્વરૂપ, એક-બીજાને નમન કરનાર, સર્વસમર્થ માધવ (વિષ્ણુ) અને ઉમાધવ (શિવ) ને અમે સાક્ષાત્ દંડવત પ્રણામ કરીએ છે.
હરિહરનો જય હો જય હો જય હો.
જય બહુચર માં.