23 C
Ahmedabad
Monday, December 23, 2024

જો કોઈ તમારી પર તાંત્રિક વિદ્યા કરે તો ?

ઉપર લખેલા આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આર્ટિકલને અંત સુધી વાંચવો જરૂરી છે.

તાંત્રિક વિદ્યા સમજતા પહેલા તંત્રની વ્યાખ્યા સમજવી જરૂરી છે.

તંત્ર એટલે ધર્મના રહસ્યમય મંત્ર ને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની રીત.તંત્ર એટલે તનની શક્તિઓને જાગૃત કરવાની પદ્ધતિ. સૌને તારે તે તંત્ર.દેવોના મનને હર્ષ પમાડે તે તંત્ર.તંત્રનો વેદોમાં ઉલ્લેખ છે.તંત્રની ઉત્પત્તિ કરનાર શિવ છે.જો કે શિવ અને શક્તિની સાધના કર્યા વગર તંત્રની સિદ્ધિ પામી શકાતી નથી.

તંત્રના ઈષ્ટદેવ દતાત્રેય છે. તંત્રનો સાધક શિવ અને શક્તિની સાધના પછી દત્તાત્રેયની સાધના કરે છે.તંત્રમાર્ગમાં ભૈરવની ઉપાસનાનું પણ ખાસું મહત્વ છે.

તંત્ર ચૂડામણી ગ્રંથમાં તંત્રની દસ મહાવિદ્યાઓનું પ્રમાણ મળે છે જેમ કાલી, તારા, ત્રિપુરસુંદરી (ષોડશી ), ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી, કમલા વગેરે…

શક્તિ અદ્વૈતવાદ તંત્રશાસ્ત્રમાં શક્તિનો મહિમા અને ઉપાસનાના રહસ્યો દર્શાવવામાં આવ્યા છે. શક્તિ સંગમ તંત્ર અનુસાર તંત્ર એટલે ‘તન્યતે વિસ્તાર્યતે જ્ઞાાનમ્ અનેન ઇતિ તંત્રમ્- જેના થકી જ્ઞાાનનો વિસ્તાર કરવામાં આવે છે એને તંત્ર કહેવામાં આવે છે.’

તંત્રશાસ્ત્રની રચનાશબ્દ પ્રમાણે યંત્ર એ પરમાત્માનું શરીર છે અને મંત્ર એ પરમાત્માનો આત્મા.આ બંને ભેગા થાય ત્યારે તંત્ર સિદ્ધ થાય છે.બીજ મંત્રો દ્વારા યંત્રની સિદ્ધિ દ્વારા તંત્રની ક્રિયા કરવામાં આવે છે.

તંત્રમાં બે પ્રકારના માર્ગ છે એક વામમાર્ગ અને બીજો સૌમ્યમાર્ગ.વામમાર્ગમાં પાંચ પ્રકારના “મ” ને મહત્વ આપવામાં આવ્યું છે જેમાં માસ, મદિરા, મૈથુન, મંત્ર અને મૃત્યુ.સામાન્ય લોકો માટે જે વસ્તુ વર્જિત હોય છે તે વામમાર્ગમાં ઉપયોગમાં લેવાય છે.સૌમ્યમાર્ગમાં ગુપ્ત અનુષ્ઠાન કરવામાં આવે છે.

તંત્રની મુખ્ય છ ક્રિયાઓ છે

૧ ) વશીકરણ

૨ ) મોહન

૩ ) મારણ

૪ ) ઉચ્ચાટન

૫ ) વિદ્વેષણ

૬ ) સ્તંભન.

૧ ) વશીકરણ શું છે ?

વશીકરણ એટલે તે નહી કે જેનાથી કોઈને વશમાં કરી શકાય.વશીકરણ એટલે આપણી કામનાઓને વશમાં કરવી.આપણા ઉદ્વેગો અને વિચારોને વશમાં કરવું.આપણી આજુબાજુમાં સંકળાયેલા નકારાત્મક તત્વોને વશમાં કરીને તેને હકારાત્મક કરવા તે વશીકરણ છે.

તંત્રની આ વિદ્યાથી કોઈ પણ તાંત્રિક એક નિર્દોષ વ્યકિતને વશમાં કરી શકતો નથી અને જો તે તાંત્રિક વિદ્યાનો આમ ખોટો ઉપયોગ કરે છે તો તે શિવશક્તિનો બહુ જ મોટો અપરાધી થાય છે અને તેનો સત્વરે વિનાશ થાય છે.

૨ ) મોહન

મોહન એટલે આખા એક સમૂહને મોહિત કરવું. અહીં જે સમૂહની વાત કરવામાં આવી છે તે એ સમૂહ છે જે રાક્ષસી પ્રવૃત્તિઓ કરીને અન્યને નુકસાન પહોંચાડે છે. આવા રાક્ષસી પ્રવૃત્તિ કરનાર સમૂહને સંમોહિત કરીને તેમને સત્કાર્યો તરફ વાળવા તેને મોહન કહેવાય.

આ મોહનનો ઉપયોગ કરીને કોઈપણ તાંત્રિક સમાજની ભોળી પ્રજાને કે તેના સમૂહને વશીકરણ કરીને તેમની પાસે ઈચ્છિત કાર્યો કરાવે છે તો તે દત્તાત્રેયનો બહુ જ મોટો અપરાધી થાય છે.તેને યમરાજા પાશમાં બાંધીને યાતનાઓ આપતા આપતા યમલોકમાં લઈ જાય છે.

૩ ) મારણ

મારણ એટલે કોઈ દુશ્મનને મારવો તે નહી પણ મારણ એટલે તેવા પાપીને મારવો જેણે ઘોર અપરાધ કર્યા છે.જેણે નિર્દોષ બાળા પર બળાત્કાર કર્યો છે.જેણે નિર્દોષ વ્યકિતની હત્યા કરી છે, જે સતત પ્રજાને નુકસાન પહોંચાડતો હોય તેવાને દંડ આપવો તેને મારણ કહેવાય છે.

કોઈપણ તાંત્રિક આ વિદ્યાનો ઉપયોગ કરીને તેના અંગત હેતુ માટે કે કોઈના પણ અંગત હેતુ માટે સામાવાળાનું અહિત ના કરી શકે જો તાંત્રિક તેમ કરે છે તો સૌથી પહેલા તે ભૈરવનો ગુનેગાર થાય છે.ભૈરવ તેને દંડ આપે છે.

ઉદાહરણ તરીકે તમારે કોઈની જોડે માથાકૂટ થઈ અને તમે કોઈ તાંત્રિક પાસે જઈને તમારા દુશ્મનનો અહિત થાય તે માટે તંત્ર વિદ્યાનો ઉપયોગ કરાવો છો તો સામાવાળા વ્યકિતનું અહિત થતું નથી પણ તમારું અને તાંત્રિક બંનેનું અહિત જરૂર થાય છે.

૪ ) ઉચ્ચાટન

કોઈપણ વ્યક્તિનો કોઈપણ મોહ ભાગવો તેને ઉચ્ચાટન કહેવાય છે.કોઈ ખરાબ લત કે આદત પર ચડી ગયું હોય તો તંત્ર દ્વારા તેનો મોહ ભાગીને તેને તે મોહમાંથી મુક્ત કરાવી શકાય છે આ વિદ્યાને ઉચ્ચાટન કહેવાય છે.

અહીંયા શરત એ છે કે કોઈપણ તાંત્રિક આ વિદ્યાનો ઉપયોગ ત્યારે કરી શકે જયારે તે પોતે સર્વ પ્રકારના મોહથી મુકત હોય છે.

૫ ) વિદ્વેષણ

વિદ્વેષણ એટલે વિચ્છેદન.જયારે તમામ પ્રકારના શત્રુઓથી તમે ઘેરાયેલા છો અને એકલા પડી ગયા છો ત્યારે આ વિદ્યાનો ઉપયોગ કરી શકાય છે.આ વિદ્યાથી શત્રુઓનો અંદર અંદર વિચ્છેદ કરી શકાય છે.અહીં તે શત્રુઓની વાત થઈ રહી છે જે શત્રુઓ રાક્ષસી પ્રકૃતિના છે.

જેમ કે દાઉદ, માયાભાઈ, છોટા શકીલ,છોટા રાજન જેવા અંડરવલ્ડના ડોન તમારી પાછળ પડી જાય ત્યારે તમે આ વિદ્યાનો ઉપયોગ કરીને તે લોકોની અંદર વિચ્છેદ પાડીને તેમનું વિદ્વેષણ કરી શકો છો.

તાંત્રિક આ વિદ્યાનો ઉપયોગ કરીને નિર્દોષ વ્યકિતઓના કુટુંબ, કબીલા કે પરિવારમાં વિચ્છેદ પાડી શકતો નથી. જો તે તેમ કરે છે તો કાલી તેને છોડતી નથી. કાલી તેના શરીરને બે કકડા કરીને વચ્ચેથી ફાડીને તેનું લોહી પીવે છે.

ઉદાહરણ તરીકે પરિવારની એક વહુ પોતાના અંગત સ્વાર્થ માટે પરિવારના લોકો અંદર અંદર લડે તેવો વિચ્છેદ કરવાના હેતુસર તાંત્રિક વિદ્યા કરાવે છે તો તે સ્ત્રીના ગુપ્ત ભાગમાંથી અને મુખમાંથી લોહીની ધારાઓ વહે છે તે કદી બંધ થતી નથી અંતે મરણપથારીની તૈયારી કરવી પડે છે. જો તાંત્રિક આ કાર્ય કરે છે તો તેને લોહીની નદીઓ રાત દિવસ દેખાય છે તેનું અકાળે મૃત્યુ થઈ જાય છે.

૬ ) સ્તંભન

સ્તંભન એટલે શત્રુની બુદ્ધિને સ્તંભ કરવી અથવા ભ્રષ્ટ કરવી. કોઈ સતત તમારા વિશે હિનભાવ દર્શાવીને તમારું અહિત કરવાની કોશિષ કરતું હોય ત્યારે આ વિદ્યાનો ઉપયોગ તેની બુદ્ધિને સ્તંભ કરી શકાય છે.

આ વિદ્યાનો ઉપયોગ તાંત્રિક ત્યારે કરી શકે જયારે બ્રાહ્મણોના યજ્ઞ અથવા સત્કર્મને રોકવા માટે કોઈ સતત પ્રયત્ન કરતું હોય છે તેવા રાક્ષસી પ્રકૃતિના લોકોની બુદ્ધિને સ્તંભિત કરવા માટે આ વિદ્યાનો ઉપયોગ થઈ શકે છે.

જો કોઈ નિર્દોષ વ્યકિત પર તાંત્રિક આ વિદ્યાનો ઉપયોગ કરે છે ત્યારે તેને બગલામુખી, ઘૂમાવતી અને ષોડશીના રોષનો સામનો કરવો પડે છે. અંતે તેના તંત્રના બધા જ અધિકારો છીનવાઈ જાય છે અને તે મંદબુદ્ધિનો થઈ જાય છે.

આ આર્ટિકલ વાંચનારા તમામ વાંચકો એટલું સમજી લો કે તંત્ર તારવાનું કાર્ય કરે છે. તેનું કાર્ય મારવાનું નથી.

જો તમે નિર્દોષ છો, તમે કોઈ જાતનો અપરાધ નથી કર્યો તો તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કરીને કોઈ પણ તાંત્રિક તમારું અહિત કરી શક્તો નથી.

જે તંત્રને પૂરું જાણે છે તેની પાસે અગર કોઈ આવે છે તો તે તેની શક્તિઓનો ઉપયોગ કરીને તે જોઈ લે છે કે મારી પાસે આવેલો વ્યકિત ખોટો છે કે સાચો ? જો આવેલો વ્યક્તિ ખોટો હોય છે તો તાંત્રિક તેને ઘસીને ના પાડી દે છે અને જો આવેલો વ્યક્તિ ખોટો હોય તેમ છતાં તાંત્રિક તેનું કાર્ય હાથમાં લે છે તો તાંત્રિક અને તાંત્રિક પાસે આવેલો ખોટો વ્યક્તિ તેમ બંને વ્યકિત શિવશક્તિના અપરાધી થાય છે અને દંડને પાત્ર બને છે.

જો ખોટા વ્યક્તિના પૈસા આપવાથી કે કરગરવાથી તાંત્રિક નિર્દોષ વ્યક્તિની ઉપર તંત્ર વિદ્યા કરે છે તો નિર્દોષ વ્યક્તિનો વાળ પણ વાંકો થતો નથી કારણકે શિવ અને શક્તિ નવરા નથી કે તે તાંત્રિકની વાતોમાં આવીને નિર્દોષ વ્યક્તિને દંડ કરે.

ઉલટાનું તે તાંત્રિક પર શિવશક્તિ નારાજ થઈ જાય છે કે મેં તને આ બધુ કરવા શક્તિઓ અને વિદ્યા આપી હતી.શિવશક્તિ સખત કોપાયમાન થાય છે અને છેવટે તાંત્રિક કૌભાંડમાં ભરાય છે અને પોલીસ પકડીને જાય છે.

જો તાંત્રિક વિદ્યાથી કે મૂઠ મારવાથી કોઈને મારી શકાતા હોય તો સરકારને બોર્ડર પર તોપો,મિસાઈલો,રોકેટ લોન્ચર્સ તથા સૈન્યની જરૂર ના પડતી.આપણે ઢગલો તાંત્રિકોને બોર્ડર પર ગોઠવી દેતા.

જો કોઈ શત્રુ ખરેખર પજવી રહ્યો હોય,હેરાન કરી રહ્યો હોય ત્યારે જો કોઈ નિર્દોષ વ્યક્તિ તાંત્રિક પાસે જાય છે ત્યારે તાંત્રિક તંત્ર વિદ્યાથી તે નિર્દોષ વ્યકિતનું રક્ષણ કરે છે અને તે નિર્દોષ વ્યકિતના દુશ્મનને ઈશ્વરના હવાલે કરી દે છે કારણકે એક સાચો તાંત્રિક તે જાણે છે કે હું મારીશ તેના કરતા ઈશ્વરના મારણમાં વધારે પ્રભાવ હશે.

અંતે તંત્ર તારે છે. તંત્ર મારતું નથી.
તંત્ર રક્ષણ કરે છે.ભક્ષણ કરતું નથી.
તંત્રનો ઉપયોગ કરીને આદ્યાત્મિક ઉન્નતિ કરવી.સ્વની શક્તિઓને જાગૃત કરીને સ્વનો વિકાસ કરવો તે જ તંત્ર છે.

આખા આર્ટિકલનો સાર એ છે કે

જો તમે ખોટા ના હોવ, નિર્દોષ હોવ અને તમને એવી ખબર પડે કે કોઈ તાંત્રિકે તમારી ઉપર તાંત્રિક વિદ્યા કરી છે તો બિલકુલ ગભરાશો નહી કારણકે તાંત્રિક વિદ્યા કયારેય તમારું ખરાબ કરી શકતી નથી કારણકે તાંત્રિક વિદ્યા નિર્દોષોનું રક્ષણ કરે છે. ભક્ષણ કરતી નથી.

અંતે એક તાર્કિક વાત કે આપણે બધા શિવ અને શક્તિના બાળકો છે તો શિવ અને શક્તિ કયારેય એવું ઈચ્છે કે એક બાળક તેમની બનાયેલી વિદ્યાથી બીજા બાળકનું અહિત કરે ? શિવશક્તિ ના જ ઈચ્છે ને !! તો પછી….

Anyway…

તંત્ર અને તાંત્રિક વિદ્યા વિશે લોકોને સાચું અને હકારાત્મક જ્ઞાન મળે તે માટે આ આર્ટિકલની લિંક અન્યને શેર કરજો.તમારા ગ્રુપમાં નાખજો.વોટસઅપ સ્ટેટસ પર મૂકજો.

આપણો સમાજ, આપણી પ્રજા,આપણો દેશ વહેમ, અંધશ્રદ્ધા કે ડરના માહોલથી દૂર રહેવો જોઈએ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,579FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page