“તિલક” નો અર્થ ખુશખુશાલ, સક્ષમ, સચેત, આધુનિક વગેરે થાય. તિલક શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ “તિલકા” પરથી ઉદભવ્યો. હિન્દુ ધર્મમાં તિલક કરવાનું ખૂબ મહત્વ છે પણ આપણે બધા કરતા નથી. જેમ મુસ્લિમો ફરજિયાત ટોપી પહેરે છે, શીખ લોકો ફરજિયાત પાઘડી પહેરે છે તેમ આપણે હિંદુઓએ પણ ફરજિયાત તો નહી પણ આપણા મનથી ઈચ્છા થાય ત્યારે તિલક કરવું જોઈએ.
“તિલક” લગાવવાના ઘણા ફાયદા છે અને અત્યારે કોઈ ફાયદા વગર કોઈ જ કામ કરતું નથી તો આવો આપણે ફાયદા જાણીએ. એમાં છે એવું કે આપણા શરીરમાં સાત ચક્રો હોય છે જેમાં લલાટ ( કપાળ ) પર આવેલી બે ભ્રમરોની વચ્ચે આજ્ઞાચક્ર હોય છે. આ ચક્રની જમણી બાજુ અંજિમા નાડી તથા ડાબી બાજુ વર્ણ નાડી હોય છે. જે આજ્ઞાચક્ર પર તિલક કરવાથી આજ્ઞાચક્રને નવી ઉર્જા મળે છે અને આપણું વ્યકિતત્વ પ્રભાવશાળી થાય છે. આપણો પ્રભાવ અન્ય પર પડે છે અને અન્ય લોકો ચુંબકીય રીતે આપણી તરફ આકર્ષિત થાય છે.
વૈજ્ઞાનિક ધોરણે એવું સાબિત થયેલું છે કે આપણા શરીરમાં સેરાટોનીન અને બીટાએંડોફિર્ન નામના રસાયણોની ઓછપના કારણે નિરાશા અને બેચેની થવા લાગે છે. જે ના થાય એના માટે આપણું જે આજ્ઞાચક્ર છે ત્યાં કોઈ શીતળ પદાર્થ નો લેપ કરવો જોઈએ જેથી તે સંતુલિત માત્રામાં રહે તેથી તિલક જ એવી વસ્તુ છે જે લગાવવાથી શીતળતા અને શાંતિ મળે છે.
આ તિલક ચંદન, કંકુ, હળદર, માટી, ભસ્મ વગેરે જેવી શીતળ વસ્તુઓનો થાય. આપણા ધર્મ શાસ્ત્રોમાં તિલક વર્ણ પ્રમાણે બતાવવામાં આવ્યું છે જયાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનું તિલક અલગ અલગ હોય છે એ સિવાય તિલકના ઘણા પ્રકાર પણ છે જેવા કે વિજય તિલક,ચતુભૂર્જી તિલક, બેન્દી તિલક વગેરે વગેરે. આમાંથી એક પ્રકાર સમજાવું તો પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ “વિજય તિલક” કરીને યુદ્ધના મેદાનમાં જતા. બીજા પણ ઘણા સંપ્રદાયો અલગ પ્રકારના તિલક કરે છે.
એવું નથી કે તિલક કપાળે જ થાય પરંતુ તિલક ગરદન, બંને હાથના બાવડાની ઉપર, છાતી,ધડની બાજુ, પેટ, ખભા પર પણ થાય છે. તિલક અને સ્ત્રીઓ માથે જે બિંદી કે ચાંલ્લો કરે છે એ પણ આમ સમાન જ કહી શકાય. સ્ત્રીઓ માટે તિલક ( બિંદી ) સૌભાગ્યનું પ્રતિક છે માટે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિની રક્ષા માટે ચોકકસથી માથે બિંદી કે ચાંલ્લો કરવો જોઈએ.તિલક શુભત્વ પ્રદાન કરે છે જેથી જ પૂજા-પાઠ, ધાર્મિક કાર્યો ઉપરાંત લગ્ન પ્રસંગોમાં એનું ઘણું મહત્વ હોય છે. જયોતિષશાસ્ત્ર એવું કહે છે કે તિલક કરવાથી પીડા આપતા ગ્રહો પણ શાંત થાય છે.
તમને લાગશે કે વિશાલ તિલક લગાવવાની અંધશ્રદ્ધાની વાતો કરે છે તો મને એમ કહો કે આપણે પૂજા કરીએ ત્યારે આપણે ઈશ્વરને કેમ તિલક કરીએ છે ? ઈશ્વર શાંત રહે એટલે કે ઈશ્વર આપણને શાંત રાખે એટલે ! જરા વિચારજો શાંત ઈશ્વરને રહેવું હોય છે કે આપણને ?
બોલો જય બહુચર માં.