24 C
Ahmedabad
Monday, December 23, 2024

ત્રેતાયુગના પ્રેરક વક્તા ( Motivational Speaker ) — જાંબુવત

આ વાત રામાયણના કિષ્ન્કિધાકાંડની છે. શ્રી રામ-લક્ષ્મણ પથ્થરની એક ઉંચી શિલા પર બિરાજમાન છે.નાની નાની શિલાઓ પર સુગ્રીવ, અંગદ, જાંબુવત, હનુમાનજી વગેરે ત્યાં ઉપસ્થિત છે. આખી વાનરોની સેના શ્રી રામના શરણે ત્યાં નીચે બેઠી છે. અહીંયા એક આખી સભા ભરાઈ છે.સભા ભરવાનો વિષય એ છે કે સમુદ્ર પાર કરીને લંકામાં સીતા માતા સુરક્ષિત છે કે નહી તે જોવા માટે કોણ જશે ?

સૌથી પહેલા જાંબુવત કહે છે કે “પ્રભુ તમારા વામન અવતાર સમયે મારામાં ઘણું બળ હતું. જયારે તમે બલિને બાંધવા માટે મોટું રૂપ ધર્યુ હતું ત્યારે મે બે જ ઘડીમાં તમારી સાત વખત પ્રદક્ષિણા ફરી હતી પણ હું હવે શરીરે વૃદ્ધ થઈ ગયો છું અને મારામાં એટલું બળ રહ્યું નથી.

અંગદ કહે છે “હું સમુદ્ર પાર કરીને પહોંચી જઉ તો ખરી પણ પાછો આવીશ કે નહી તેવી મારા હ્દયમાં શંકા છે.

જાંબુવત અંગદને કહે છે કે “તમે બધી જ રીતે યોગ્ય છો પણ તમે વાનરોમાં મુખ્ય છો તમને કેવી રીતે મોકલી શકાય ?

એટલામાં એક નાનકડી શિલા પર સૌથી ખૂણામાં ચૂપચાપ બેઠેલા હનુમાનજી પર જાબુંવતની નજર પડે છે.

જાંબુવત હનુમાનજીને કહે છે કે હે હનુમાનજી ! તમે ચૂપ કેમ બેઠા છો ? તમે પવનના પુત્ર છો અને બળ પણ પવન જેવું છે.તમારી પાસે અખૂટ બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાન છે. દુનિયાનું કોઈ એવું કામ નથી કે જે તમારાથી ના થઈ શકે. તમારો જન્મ ભગવાન શ્રી રામના કાર્ય માટે જ થયો છે.

આટલું સાંભળતા જ હનુમાનજી એક વિશાળ પર્વત જેવું મોટુ રુપ ધરે છે. સુવર્ણ જેવો રંગ અને તેજ તો એટલું કે જાણે બીજો સુમેરું પર્વત હોય.હનુમાનજી સિંહ જેવી ગર્જના કરીને કહે છે કે “તમે બોલો હું હમણા જ આખા ખારા સમુદ્રને સૂકો કરી નાખું” અરે ! હું રાવણને મારીને એની લંકા સહિત આખો ત્રિકૂટ પર્વત ઉખાડીને અહીં શ્રી રામના ચરણોમાં લઈ આઉં.હે જાબુંવત ! તમે મને ઉચિત શિખામણ આપો કે મારે શું કરવાનું છે…

ત્યારે જાંબુવત કહે છે કે હે હનુમાનજી ! તમે સીતા માતા સુરક્ષિત છે કે કેમ એટલી ખબર લઈ આવો પછી ભગવાન શ્રી રામ સ્વ બાહુબળથી લંકાધિપતિ રાવણનો વધ કરીને સીતા માતાને લઈ આવશે.આ કાર્ય કરવામાં વાનરો તેમનો સાથ આપશે.

આ કિષ્કિન્ધાકાંડમાં જાંબુવતે હનુમાનજીને તેમની શક્તિઓ યાદ કરાવવાની એટલે જરૂર પડી કે હનુમાનજી નાના બાળક હતા ત્યારે તેમના પિતા પવન દેવના આશીર્વાદથી તેમનામાં ઉડવાની શક્તિ હતી. તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ પળવારમાં જઈ શકતા હતા.. બાળક સ્વભાવે તેઓ ઘણું તોફાન કરતા હતા. ઋષિમુનિઓ અને તપસ્વીઓને હેરાન કરતા હતા.

એકવાર ભૃગુવંશના કેટલાક ઋષિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો હતો કે “તમે તમારી તમામ શક્તિઓ ભૂલી જશો અને તમને તમારી શક્તિઓ કોઈ યાદ કરાવશે તો જ યાદ આવશે” તેથી અહીં સમુદ્ર પાર કરવા માટે જાબુંવતે હનુમાનજીને તેમની શક્તિઓ યાદ કરાવવી પડી હતી.આમ જોવા જઈએ તો હનુમાનજી પણ એવું કહેતા હશે કે મારું ભૂલવું અને મને યાદ આવવું તે પણ મારા શ્રી રામની માયાથી થાય છે.

ત્રેતાયુગમાં જાંબુવતે હનુમાનજીને તેમની શક્તિઓ યાદ અપાવી હતી તેમ દ્વાપરયુગમાં કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધ વખતે વિષાદ પામેલા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ ગીતાનું જ્ઞાન આપીને તેની શક્તિઓ યાદ અપાવી હતી. આમ જોવા જઈએ તો ત્રેતાયુગના પ્રેરક વક્તા ( Motivational Speaker ) જાબુંવતજી હતા અને દ્વાપરયુગના પ્રેરક વક્તા ( Motivational Spealer ) ભગવાન શ્રી કૃષ્ણ ……

આખા વિશ્વમાં ઘણા બધા પ્રેરક વક્તાઓ ( Motivational Speakers ) છે જેમાં આપણા દેશમાં સંદીપ મહેશ્વરી, વિવેક બિન્દ્રા, સોનુ શર્મા વગેરે જેવા પ્રેરક વક્તાઓ પોતાના જીવનની સ્ટોરી કહીને કે પછી અવનવી જીવન ઉપયોગી વાતો કહીને આજની યુવાપેઢીને પ્રેરણા આપતા હોય છે (Motivate) કરતા હોય છે. તે લોકો ખરેખર બહુ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે.

હું તો લેખક છું વક્તા નથી પણ કદાચ ભવિષ્યમાં વક્તા થઈશ તેમ છતાં હું આજના યુવાનોને પૂછવા માંગીશ કે કોઈ તમને યાદ કરાવશે તો જ તમને તમારી શક્તિઓ યાદ આવશે ? તમને કોઈ બોલશે કે તું આ નહી કરી શકે તો જ તમે કરીને બતાવશો ? કે પછી જીવનમાં જીતવાનું ભૂલીને હાર માની લીધી છે ?

એક વાત કાયમ યાદ રાખજો કે તમે સ્વયં જ તમારા ઘડવૈયા છો. તમે તમારી આંતરિક શક્તિઓને જાગૃત કરીને તમારા જીવનના લક્ષ્યો પૂરા કરી શકો છો પણ ઘણાને તો પોતાનું લક્ષ્ય જ નહી ખબર હોય કે તેમના જીવનનું લક્ષ્ય શું છે ?

એકવાર હનુમાનજીએ બાળપણમાં તેમની માતા અંજનીને પૂછયું હતું કે “હે માતા ! મારા જીવનનું લક્ષ્ય શું છે ? ત્યારે માતા અંજની કહે છે કે હે પવનપુત્ર ! તારો જન્મ ભગવાન શ્રી રામના કાર્ય માટે થયો છે.

અંતે આટલું જ કહીશ કે તમને તમારા જન્મનો ઉદેશ્ય કે લક્ષ્ય ખબર હોવું જોઈએ.તમારી અંદર જે શક્તિઓ છે તેનો ઉપયોગ સ્વની વૃદ્ધિ માટે કરો.સ્વની વૃદ્ધિ કરશો તો અન્યનો ઉત્કર્ષ પણ કરી શકશો.

જયારે જયારે પણ જીવનની મુશ્કેલીઓથી હારી જાઓ ત્યારે હનુમાનજીને યાદ કરજો અને શ્રી રામનું નામ લેજો.
તમારી અંદર ખૂબ જ હિંમત આવશે…

બોલો જય શ્રી રામ. જય હનુમાન દાદા

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,579FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page