સનાતન હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મ છે તે અખંડ છે જે ધર્મના ગૌરવનું પ્રતીક “ધજા” છે અને જયારે ધર્મની ધજાઓ સતત ફરકે ત્યારે “આનંદ,શાંતિ અને વિજયની અનુભૂતિ થાય છે”
શ્રી બેચર ભગતજીના સંઘની હોળી પૂનમે ૯૦ વર્ષથી જે ધજા ચડાવવાની પરંપરા છે જે અખંડ છે. હોળી પૂનમે અમદાવાદથી ઘણા સંધો આવે છે પણ શ્રી બેચર ભગતજીનો સંઘ સૌથી જૂનો હોવાથી ચુંવાળ બહુચરાજી મંદિરના શિખરે સર્વપ્રથમ ધજા શ્રી બેચર ભગતજીના સંઘની ચડે છે.”બોલ મારી બહુચર જય જય બહુચર” નો નાદ આખાય ચુંવાળમાં ગૂંજે છે. આ આનંદ અનેરો અને અપરંપાર હોય છે. ઘણા માંઈભકતોની આંખમાં હરખના અશ્રુ હોય છે.
ધજા જયારે બહુચરાજી મંદિરના શિખરે ચડે છે ને ફરકે છે ત્યારે જાણે સૌ ભકતોના રોમે રોમ ખીલી ઉઠે છે.બહુચરાજી મંદિરના શિખરે ધજાજી ચડાવ્યા બાદ શ્રી નારસંગવીરદાદા ના મંદિરે ધજા ચડાવાય છે અને પેલું ભજન છે ને શ્રી રમુ ભગતે લખેલું કે “હું તો ગ્યો તો ચુંવાળના ચોકે ઘોડાવાળો ઘૂમતો તો” એ ગવાય છે. તમે માનો આ બધુ બ્રહ્માંડના સર્વ દેવી દેવતાઓની હાજરીમાં થાય છે. વળી જગદંબાના બાળ સ્વરૂપ બહુચરના આ શુભ પ્રસંગને માણવા કોણ ના આવે ?
त्वद्गोपुराग्र शिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्ग पदवीं परमां श्रयन्तः । मर्त्या मनुष्य भुवने मतिमाश्रयन्ते
આપના મંદિરના શિખરાગ્ર ભાગના (ધજાજીના) દર્શન કરનાર મનુષ્ય સ્વર્ગ, અપવર્ગ (મોક્ષ) પામી મનુષ્યત્વને પામે છે.
બોલો જય બહુચર માં.