રોજબરોજની આ વધતી જતી ટેકનોલોજીની દુનિયામાં લોકો મંદિરમાં ઓછા જાય છે અને મોબાઈલ ફોનમાં દર્શન વધારે કરી લેતા હોય છે.ગ્રંથોને ઓછા વાંચે છે ને ગુગલમાં લખેલા જ્ઞાનને વધારે અનુસરતા હોય છે. આવું જ કોઈનું ગુગલનું લખાણ વાંચીને કોઈએ મને પ્રશ્ન કર્યો કે શું હનુમાનજીની ઉપાસના કરવાથી બ્રહ્મચારી થઈ જવાય ?
લોકહિત કાજે લખવાનું મન થયું કે ના, આવું કંઈ હોતું નથી.હકીકતમાં આ ભ્રામક માન્યતા છે. શ્રી હનુમાનજીની ઉપાસના કરવાથી માનસિક વિકારો દૂર થાય છે પણ તમે લગ્નજીવનની ગ્રંથિમાં જોડાવો એનાથી હનુમાનજીને શું વાંધો હોય ?
મેં એવા કેટલાય કપલો જોયા છે કે જેઓ હનુમાનજીને સખત માનતા હોય છે. શ્રી હનુમાનજી સ્વયં બ્રહ્મચારી છે પણ તેઓ કોઈની પર એવું દબાણ નથી કરતા કે મારી ઉપાસના કરો છો તો તમે પણ બ્રહ્મચારી થાવ….હકીકતમાં બ્રહ્મચારીનો અર્થ જ તમને નથી ખબર જે હું જણાવું.
બ્રહ્મચારી એટલે બ્રહ્મ એટલે ઈશ્વર અને ચારી એટલે માર્ગી. અર્થઘટન કરું તો “જે ઈશ્વરે બનાવેલ માર્ગ પર ચાલે છે તે બ્રહ્મચારી છે”. આપણે અહીંયા કેટલાય પાખંડીઓ ભગવો પહેરીને બ્રહ્મચારીના વેશમાં બેસીને પ્રજાને મૂર્ખ બનાવતા હોય છે પણ તમે તે જાણતા નથી કે આપણે સૌ ખરા અર્થમાં જો ઈશ્વરના માર્ગ પર ચાલીએ છે તો આપણે બધાય બ્રહ્મચારી છે.
આપણે અહીં નાનપણથી મગજમાં એવી ગેરમાન્યતા થોપી દેવામાં આવી છે કે જે લગ્ન ના કરે તે બ્રહ્મચારી કહેવાય. મેં આખાય હિંદુ શાસ્ત્રના બધાય પાના ફેંદી માર્યા કયાંય આમ લખ્યું નથી.
મહાભારતમાં અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર વાર કરેલા બ્રહ્માસ્ત્રને નિષ્ફળ કરવા શ્રી કૃષ્ણ એમ બોલ્યા હતા કે “જો મેં બ્રહ્મચર્યનું સદાય પાલન કર્યુ હોય તો આ બ્રહ્માસ્ત્ર અટકી જાય” ને બ્રહ્માસ્ત્ર થોભી ગયું હતું. હવે તમે મને એમ કહો કે શ્રી કૃષ્ણ ભગવાનને તો સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓ હતી.શ્રી કૃષ્ણ ભગવાન તોય બ્રહ્મચારી જ હતા ને !
હકીકતમાં સાચો બ્રહ્મચારી એ છે કે ઈશ્વરના બનાવેલા સિદ્વાંતો અને નીતિનીયમોનું પાલન કરે છે. અહીં તન, મન અને કર્મને વિકારોથી દૂર કરીને શુદ્ધ થવાનું છે તો તમે સાચા બ્રહ્મચારી થશો.
બીજી એક ગેરમાન્યતા મન અને મગજમાંથી કાઢી નાંખજો કે તમે હનુમાનજીની ઉપાસના કરશો તો કુંવારા રહી જશો કે બ્રહ્મચારી થઈ જશો.ખરેખર આ બધી ભ્રામક ગેરમાન્યતા છે.
શ્રી હનુમાનજી ભગવાન રામને ઈશ્વર અને દેવી સીતાને માતા બનીને તેમના લગ્નજીવનને અને સંસારને સ્વીકારતા હોય તો તે હનુમાનજીને તમે લગ્નજીવનની ગ્રંથિમાં જોડાઓ એનાથી શું તકલીફ હોય ?
એક વાત અહીં સ્પષ્ટ લખું છું કે શ્રી હનુમાનજી ચિરંજીવી છે. જેઓ પૃથ્વી પર તમારી આસપાસ છે. તમે જે ક્રિયા કરી રહ્યા છો તે તેઓ જોઈ રહ્યા છે.તમે સંકટમાં છો તો તમારું રક્ષણ કરી રહ્યા છે. તમારી આસપાસ આવતી નકારાત્મક શક્તિઓને તમારાથી કોષો દૂર રાખે છે. અને “સીતારામ” ના નાદથી તેઓ હંમેશા આનંદ પામે છે.
જય સીયા રામ. જય હનુમાન દાદા.
જય બહુચર માઁ.