જયાં જઈએ ત્યાં નામ તમારા લઈએ રે.
જીવતા લઈએ મરતા મરતા લઈએ રે.
શ્રી બેચર ભગતજી “શરણે આયો શરણે આયો જીવનની રખવાળ રે “ભજન માં લખે છે કે જયાં જઈએ ત્યાં નામ તમારા લઈએ રે..! જયારે અમદાવાદથી પગપાળા બહુચરાજી જઈએ ત્યારે મુખ પર,મનમાં અને હ્દયના દરેક ધબકારે “શ્રી બહુચર માં”નું નામ હોય.
ગામે ગામે જઈએ એટલે ગામવાસીઓ અને ગામમા રમતા નાના ભૂલકાઓ “જય બહુચર જય બહુચર” કહીને અમારો આત્મવિશ્વાસ વધારે.ગામના દરેક લોકો ચા-પાણીની,છાંયડે બેસવાની અને બીજી અનેક વ્યવસ્થાઓ કરે. પેલા નાના ભૂલકાઓને અમારા સંઘમાં આવતા માંઈભકતો ચોકલેટ વહેંચે ને ત્યારે બાળકોનો આનંદ સ્વર્ગના ઈન્દ્રને જાણે અમૃત મળ્યું હોય એ સમાન હોય.
શ્રી બેચર ભગતજીનો સંઘ ૯૦ વર્ષથી કંઈ એમ જ નથી આવતો. સંઘને તટસ્થ અને પરંપરાગત રાખવામાં શ્રી બહુચર માંની કૃપા,શ્રી બેચર ભગતજીની ભકિત,શ્રી બેચર ભગતના પુત્ર શ્રી નગીન ભગતની ભકિત,શ્રી નગીન ભગતજીની દીકરીઓની ભકિત,સંધમાં આવતા માંઈભકતોનું સંઘ પ્રત્યેનું વિશેષ સમર્પણ,સંઘની તમામ જવાબદારી ખૂબ જ પ્રામાણિકતા તથા પૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે.બધાને આપી છૂટવાનો ભાવ હોય છે. સંઘ માટે કંઈ કરી છૂટવાની ઉમંગ હોય છે અને તમે વિચાર તો કરો કે આજ સુધી સંઘને ચલાવવા માટે કોઈ જગ્યાએ ડોનેશન લેવા નથી જવું પડયું કેવી હશે માં બહુચરની કૃપા !
શ્રી રાજુભાઈ દુધીયા,શ્રી નિલેશભાઈ મોદી,શ્રી સંજયભાઈ મોદી,શ્રી જીગ્નેશભાઈ મોદી ( લાલાભાઈ ),શ્રી અશોકભાઈ મોદી,શ્રી હર્ષદભાઈ સોની,શ્રી ઉમંગભાઈ મિસ્ત્રી,શ્રી મોન્ટુભાઈ મોદી,શ્રી નંદુભાઈ ઠકકર વગેરે વ્યવસ્થાપકોએ કેટલાય વર્ષોથી સંધની તમામ જવાબદારીઓ પોતાના શિરે લઈને સંધમાં પગપાળા આવતા માંઈભકતોને કયાંય કોઈ અગવડ ના પડે એ માટેની સતત સેવા આપી રહ્યા છે. મને લાગે છે કે જે બીજાને અગવડ ના પડે એનું ધ્યાન રાખે છે તો માતાજી એના જીવનમાં કોઈ દિ અગવડ નથી પડવા દેતી.
શ્રી બેચર ભગતજીના સંધમાં બધા પ્રેમભાવથી સંપીને રહે છે.ભગતજીની દીકરીઓ ધજાજીની સાથે રહીને દાદા તથા પિતાના નિયમોનું પાલન કરે છે. તમને બધાને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે શ્રી બેચર ભગતજી અમદાવાદથી પગપાળા બહુચરાજી સંઘ લઈને નીકળે ત્યારે જયાં સુધી સંધ બહુચરાજી ના પહોંચે ત્યાં સુધી “અન્ન” આરોગતા નહી પણ સંઘમાં આવતા માંઈભકતોને આનંદથી જમાડતા એટલે જ શ્રી બેચર ભગતજીનું નામ આજે માં બહુચરના ચરણોમાં તથા ઈતિહાસના પાનાઓમાં અજર અને અમર છે.
બોલો જય બહુચર માં.