કલકત્તાના ગંગાતટે દક્ષિણેશ્વર સ્થળે માં કાલી માતાના મંદિરમાં ગદાધર નામના બ્રાહ્મણ પૂજારીને લોકો પાગલ સમજતા હતા. તેમને નહી ખાવા-પીવાનું ભાન કે નહી કપડા પહેરાવનું ઠેકાણું ! તેમની માતા ભગવદભક્ત હતા.માતા કથા-કીર્તનમાં જાય ત્યારે ગદાધરને સાથે લઈ જતા.આમ ગદાધરને રામાયણ,મહાભારત, ભાગવદ કથા, દેવી માહાત્મય અને બીજા અન્ય પુરાણોની કથાઓ, ભજન-કીર્તન બધુ મોઢે થઈ ગયું હતું પરંતુ રામકૃષ્ણના ભજનો તે બહુ ગાતા તેથી ત્યારથી ગદાધર રામકૃષ્ણ પરમહંસ કહેવાયા.
શ્રી રામકૃષ્ણને કાલી માતા પ્રત્યે ગજબનું ઘેલું ! તેઓ કાલી માતાની મૂર્તિને પથ્થરની મૂર્તિ ના સમજતા પણ હાજરાહાજૂર માતાજી સમજતા.કેટલીક વાર તે કલાકો સુધી કાલી માતાના ધ્યાનમાં બેસી રહેતા.કયારેક તો ત્રણ-ચાર દિવસે સુધી તેમનું તપ ચાલતું.
એકવાર રામકૃષ્ણજીને કાલી માતાના દર્શનની એવી જીદ ભરાઈ કે તેઓ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. તે જોરજોરથી રડતા રડતા માતાને કહે છે કે હે માં ! તું મને દર્શન કેમ નથી આપતી ? જો તું મને દર્શન ના આપતી હોય તો મારું આ જીવન શું કામનું ? એમ કરીને તે તલવારથી પોતાનું મસ્તક કાપવા ગયા ત્યાં માતાજી પ્રગટ થયા.માતાજીના પ્રત્યક્ષ દર્શન થતા જ રામકૃષ્ણ બેભાન થઈ ગયા.ભાનમાં આવ્યા ત્યારે અંતરમાં એક આનંદ છવાયેલો હતો.તેમને હવે મંદિરમાં મૂર્તિ નહી પણ માતાજીના દર્શન થવા લાગ્યા હતા.
શ્રી રામકૃષ્ણજી તેમની સગી માતાને કહેતા કે હું કાલી માતાની મૂર્તિના નાસિકા હેઠળ હાથ રાખું છું તો મને માતાનો શ્વાસોચ્છવાસનો અનુભવ થાય છે. માં મેં કેટલીય વાર રાત્રે અંધારામાં દીવો ધરીને કાલી માં નો પડછાયો જોવાનો પ્રયત્ન કર્યો છે પણ પડછાયો દેખાતો નથી.માતાને આ બધી વાતો સાંભળતા અચરજ થયું.માતાને લાગ્યું કે મારો છોકરો પાગલ થઈ ગયો છે કદાચ પરણાવી દઉં તો મગજ ઠેકાણે આવી જશે.
પણ આ તો માં કાલીની માયા હતી.લગ્ન પછી રામકૃષ્ણ પરમહંસને કાલી માતાની વધારે લગની લાગી.શરીરની જનોઈ ઉડી જાય અને ધોતિયાનું પણ ભાન ના રહે.ખાવાપીવાનું કંઈ ભાન નહી કોઈ વાર તો પોતે એક કોળિયો જમે અને બાકીના બધા કોળિયા શેરીના કૂતરાને નાખી દે. માથે લાંબા લાંબા જટિયા વધાર્યા હતા.એમાં પૂજા કરતી વખતે ચોખાના દાણા ભરાઈ ગયા હોય એ ચોખાના દાણા ચકલીઓ રામકૃષ્ણના માથે બેસીને ચણતી હતી.
ભૈરવી બ્રાહ્મણી નામની એક શકિત ઉપાસક સ્ત્રીએ રામકૃષ્ણને તંત્ર માર્ગની ઉપાસનાની દીક્ષા આપી. ત્યારબાદ તેઓ વૈષ્ણવ ઉપાસના, નિર્ગુણ સાધના, અદ્વૈત વૈદાંત, નિર્વિકલ્પ સમિધિઓ વગેરે શીખ્યા.આમાં અદ્વૈત વેદાંતમાં તોતાપુરી નામના પ્રખર જ્ઞાનીએ તેમને દીક્ષા આપી હતી.
શ્રી રામકૃષ્ણ પરમહંસે અનેક દેવી દેવતાઓના દર્શન કર્યા હતા તેમાં તેમણે એકવાર કહ્યું હતું કે “મને આ દર્શનમાં ત્રિપુરા સુંદરી રાજરાજેશ્વરીનું દર્શન અતિભવ્ય લાગ્યું હતું”.
શ્રી રામકૃષ્ણ પરમહંસજીના જ્ઞાન અને તર્કનો એક કિસ્સો અહીં ટાંકું છું કે એકવાર કેટલાક લોકો માતાજીની એક ખંડિત મૂર્તિ લઈને પરમહંસજી પાસે આવેલા. ત્યાં ઘણા વિદ્વાનો બેઠા હતા જે શાસ્ત્ર જાણતા હતા.રામકૃષ્ણ પણ બ્રાહ્મણ હતા પણ શાસ્ત્ર ભણ્યા નહોતા. હવે આ ખંડિત મૂર્તિ બાબતે તર્ક-વિતર્ક ચાલ્યો કે મૂર્તિને ગંગામાં પધરાવી કે રાખવી ? શાસ્ત્રના જ્ઞાતા કેટલાક વિદ્વાનોએ કહ્યું કે “ખંડિત મૂર્તિને ગંગામાં પધરાવી દેવી જોઈએ” છેલ્લે શ્રી રામકૃષ્ણજીને પૂછવામાં આવ્યું તેમણે પોતાનો તર્ક રજૂ કરતા કહ્યું કે “માની લો કે તમારી માતાનો અકસ્માત થયો અને એ અકસ્માતમાં તમારી માતાનું કોઈ અંગ ભાગી ગયું તો શું તમે તમારી માતાને ગંગામાં પધરાવી આવશો ? છેલ્લે રામકૃષ્ણજીના તર્કને સૌએ સ્વીકાર્યો અને ખંડિત મૂર્તિને જોડીને ફરીથી સ્થાપન કર્યું.
શ્રી રામકૃષ્ણ પરમહંસજી કેટલાક ઉપદેશો આપતા.જે ઉપદેશો લેવા લોકો કયાં કયાંથી આવતા.આવામાં જ ઈશ્વરની શોધમાં આવેલા નરેન્દ્રને રામકૃષ્ણજીએ ઈશ્વરની અનુભૂતિ કરાવી ત્યારબાદ તે નરેન્દ્રએ સનાતન હિંદુ ધર્મનો ડંકો આખા વિશ્વમાં વગાડયો.તે નરેન્દ્ર બીજું કોઈ નહી પણ તે સ્વામી વિવેકાનંદ.
શ્રી રામકૃષ્ણજીએ ઘણા ઉપદેશો આપ્યા પણ મને જે બે અતિગમ્યા તે ટાંકું છું કે
૧ ) “માં જેની સહાયક છે તેને માયા શું કરી શકે ?
૨ ) બીજાના ધર્મમાં ભૂલ છે એની આપણને શું પંચાત ? જેનું આખું જગત છે એ જગતમાતાને ચિંતા ! આપણું લક્ષ્ય તો જગતની માતા જગદંબાના દર્શન થાય તે હોવું જોઈએ.
બોલો તો શ્રી બહુચર માતની જય.
બોલો શ્રી દક્ષિણેશ્વર કાલી માતાની જય.
જય બહુચર માં.