16 C
Ahmedabad
Saturday, December 21, 2024

સપનાની વાત માનવી કે નહી ?

આજે અહીં કોઈ છોકરી “સપના” છે એની વાત નથી કરતો પણ ઉંઘમાં આવતા “સપના”cની વાત કરું છું.આ સપના કોઈને ઉંઘમાં આવે છે તો કોઈ હવામાં ઉડનારા જાગતા જ ખુલી આંખે સપના જોતા હોય છે.

ઘણા સમયથી મારો એક ખાસ મિત્ર મને દર અઠવાડિયે વોટ્સઅપમાં મેસેજ કરે છે કે મને ઉંઘમાં આ સપનું આવ્યું હતું,તેમાં આમ હતું, તેમ હતું પછી એક દમ હું ઝબકી ગયો ને આંખ ખુલી ગઈ.એમાં એને અડધું યાદ હોય અને અડધું ભૂલી ગયો હોય.એમાં જો એને સપનું સારું આવ્યું હોય તો હરખમાં હોય અને કંઈક ખરાબ આવ્યું હોય તો મને પૂછે કે યાર શું સપનાની વાત સાચી તો નહી પડે ને ? આ પ્રશ્ન મારા આ એક મિત્રનો નથી પણ ઘણા એવા લોકોનો હશે જે સત્યની શોધમાં નીકળતા હશે તેથી મને થયું કે આ “સત્ય” લોકહિત કાજે આપ સૌને પીરસું.

ત્રેતાયુગમાં એક વખત સીતાજીના પિતા શ્રી જનકરાજાને સપનું આવ્યું કે તેમના પાડોશી રાજયના રાજાએ તેમની પર ચડાઈ કરી તેમનું નગર જીતી લીધું અને તેમને બંદી બનાવીને કેદખાનામાં પૂરી દીધા.આ સપનું જોયા પછી જનકરાજા ઉંઘમાંથી ઝબકી ગયા અને બીજા દિવસે સવારે સપનાની વાત લઈને તેમના ગુરુજી અષ્ટાવક્રજીને મળવા ગયા ને પૂછયું કે “શું મારા આ સપનાની વાત સાચી પડશે ?

ગુરુ અષ્ટાવક્રજીએ કહ્યું કે ” હે જનક રાજા ! આપે જોયેલ સપનું ( સ્વપ્ન ) અને વર્તમાનની વાસ્તવિકતા બંને મિથ્યા છે કારણકે “એક બ્રહ્મ છે એ જ સત્ય છે” માટે નિંદ્રાવસ્થામાં ઉદભવતા સપના અને જાગૃત અવસ્થામાં ઉત્પન્ન થતા મનના ચિત્રો બંને મિથ્યા છે. અહીં મિથ્યા એટલે જે વર્તમાનમાં “સત્ય” લાગે અને પછી એ જ આવનાર સમયમાં “અસત્ય” થઈ જાય તેથી આપ ચિંતા ના કરો આપના સપનામાં ઉદભવેલ વાતો “મિથ્યા” છે.

I Hope કે ઉપરની વાર્તાથી આપ સૌને “સપનાની વાત” નો જવાબ મળી ગયો હશે કારણકે આપણા ઋષિમુનિઓએ જે ધર્મગ્રંથોમાં કહ્યું તે હું ૧૦૦% સત્ય માનું છું છતાં જે લોકો ધર્મગ્રંથો પરથી જ શોધાયેલા “વિજ્ઞાન” પર વિશ્વાસ કરે છે અને કોઈ વૈજ્ઞાનિક ઢબે તર્ક ઈચ્છતું હોય તો મનુષ્યનું મગજ ઉંધની અવસ્થામાં ઘણું એકટિવ હોય છે.તે જે ઉંઘ લઈ રહ્યો હોય છે તેમાં ઉંઘના પણ ઘણા પ્રકારના સ્ટેજ હોય છે.આ સ્ટેજમાં સારા સપના સ્ટેજ એક અને સ્ટેજ ચાર માં આવે છે બાકીના ડરામણા ને નકારાત્મક સપના સ્ટેજ પાંચમાં આવે છે જે સ્ટેજમાં સૌથી ઓછું કંટ્રોલ મગજ પર હોય છે પણ આ બધા જ સપના મનુષ્યના મગજમાં રહેલા “ન્યૂરોકેમિકલ્સ કંડીશન્સ”થી ૭૦ થી ૮૦% ભૂસાઈ જાય છે જેથી મનુષ્યને ઘણા સપના યાદ પણ નથી રહેતા.

રાજા ભોજે કેટલાક ગ્રંથો જાતે લખ્યા હતા તો કેટલાક મહાન પંડિતો પાસેથી તૈયાર કર્યા હતા જેમાં “ઉદયસિદ્ધિ” નામનો ગ્રંથ છે તેમાં જયોતિષશાસ્ત્ર,સામુદ્રિકશાસ્ત્ર,નિમિતશાસ્ત્ર,અધ્યાત્મશાસ્ત્ર,સ્વપ્નશાસ્ત્રની ઘણી વાતો વિસ્તારપૂર્વક છે.જેમાં સ્વપ્નશાસ્ત્રમાં કેટલાક તર્ક લખ્યા છે “સપનામાં આમ દેખાય તો સારું થાય અને સપનામાં આમ દેખાય તો ખરાબ થાય” પણ આ બધી બાબતોને “માનવીએ માનવી કે નહી”એ “માનવીએ” નક્કી કરવાનું છે પણ ગુરુજી અષ્ટાવક્રજીએ રાજા જનકને આપેલ ઉપદેશ યાદ કરી લેવો.

સપનાની વાતો વિશે સાઈકોલોજી એવું કહે છે કે માણસના વિચારો, લાગણીઓ, કલ્પનાઓ, ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓ, આધાતો, દુ:ખો, હરખની પળો, ભૂતકાળની ઘટનાઓ, વર્તમાનનો કામનો સ્ટ્રેટસ, ભવિષ્યની ચિંતા વગેરે વગેરેનો આખો એક ડેટા મનુષ્યના મગજમાં ઉંઘતી વખતે Revise થતો હોય છે જેમાં અમુક વાર આપણને ગાંડા જેવા સપના પણ આવી જતા હોય છે Like ઘણીવાર સપનામાં બધુ મીક્ષ થઈ જાય છે. કેટલીક વાર ઘણા લોકોને ડરામણા અને બિહામણા સપના આવતા હોય છે જેમાં વ્યકિતને સતત કોઇને કોઈ વાતનો ભય મનમાં સળવળતો હોય છે તેથી તેણે મનોચિકિત્સક પાસે આ બાબતે પરામર્શ ( Counseling ) લેવું જરૂરી છે.

છતાં મારા “બા” એવું કહેતા કે ઉંધતા પહેલા બંને હાથ અને બંને પગ ધોઈને સૂઈ જઈએ તો “સપના” ના આવે છતાં આવું કરતા સપના ઘણી વાર આવે તો હું શું કરું ? તો સારું સપનું હોય તો હું એમ વિચારું કે ” હા આવું જ થાય” અને કોઈ ખરાબ સપનું હોય તો એવું વિચારું કે “આવું તો કંઈ હોતું હશે ! એમ કંહીને ઈગ્નોર કરું ને ભૂલી જઉં.

મૂળ વાત એ કે સારી વાતને સ્વીકારો અને ખરાબ વાતને ઈગ્નોર કરો.ખરાબ વિચારો જેવા તમારા મન પર હાવી થાય છે ત્યારે જ તમે એ વાતને એવું માની લો છો કે એવું જ થશે ને પછી એ જ થાય છે તેથી નિંદ્રાવસ્થામાં આવેલ સપનાની વાત હોય કે જાગૃત અવસ્થામાં આવેલા મનની વાત હોય કોઈ પણ ખરાબ વાતને તમારા મન પર હાવી થવા દેવી નહી.

તમે સમજી ગયા ને ? તો બે ચાર લોકોને આર્ટિકલ ફોરવર્ડ કરીને એમનું પણ ભલું કરો ને બોસ !

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page