એક વિમાનમાં મુસાફરો ટ્રાવેલિંગ કરતા હતા. મુંબઈથી અમદાવાદ પહોંચવા માટેનો રસ્તો એક કલાકનો હતો. વિમાન આકાશમાં હતું તે સમયે ધોધમાર વરસાદ પડયો. વીજળીના કડાકા થયા. આખુય આકાશ વાદળોથી ઘેરાઈ ગયું. ધુમ્મસ થઈ ગયું. ખરાબ વાતાવરણના કારણે વિમાન આકાશમાં અસ્થિર થવા માંડયું. વિમાનમાં બેઠેલા યાત્રીઓને સૂચના મળી કે ખરાબ વાતાવરણના કારણે આપણે સૌ ભયજનક પરિસ્થિતિમાં છે. કૃપયા સૌ પોતાની જગ્યાએ બેસી રહે. પોતાની સીટ પરનો બેલ્ટ બાંધી દે.
વિમાનમાં બેસેલા મુસાફરોને ભય લાગવા માંડયો. તેઓ ગભરાવવા માંડયા. કેટલાક મુસાફરો રડવા લાગ્યા. સૌ કોઈ પોતાની રક્ષા માટે ઈશ્વરને યાદ કરવા માંડયા.
સૌ કોઈ બીક અને ગભહરાટના માર્યા પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા પણ વિમાનમાં બેઠેલી એક નવ વર્ષની બાળકીના ચહેરા પર ગભહારટ નહોતી. મૃત્યુનો જરાપણ ડર નહોતો પણ તેના મુખ પર સ્મિત છલકાતું હતું. આ બાળકીની બાજુમાં બેઠેલા એક યુવાને બાળકીના આવા નિડર વર્તનને નીહાળ્યું.
ઈશ્વરની કૃપાથી થોડી જ વારમાં ધુમ્મસ ઓછું થવા માંડયું, તોફાન શાંત થયું, વાદળો હટવા લાગ્યા, વરસાદ બંધ થયો અને વિમાન અમદાવાદના એરપોર્ટ પર સેફ લેન્ડિંગ થયું. મુસાફરો સહી સલામત વિમાનમાંથી ઉતર્યા.
પેલા યુવાનને મનમાં અજંપો હતો કે પેલી દીકરીને કેમ ડર નહોતો ? તેના મુખ પર કેમ સ્મિત હતું ? તે યુવકે પેલી દીકરીને આખરે પૂછી જ લીધું કે દીકરી ! તને કેમ મૃત્યુનો ભય નહોતો ? વિમાનમાં બેઠેલા બધા જ મુસાફરો ડરેલા હતા પણ તને કેમ ડર નહોતો ?
દીકરીએ કહ્યું મને કેવી રીતે ડર લાગે ? કારણકે આ વિમાનના પાઈલોટ મારા પપ્પા હતા. આ વિમાનને મારા પપ્પા ચલાવી રહ્યા હતા અને મને મારા પિતા પર વિશ્વાસ હતો કે કંઈ પણ થાય મને પપ્પા હેમખેમ ઘરે પહોંચાડશે.
જો એક નાનકડી નવ વર્ષની દીકરી પોતાના પિતા પર શ્રદ્ધા રાખી શકે છે તો આપણે સૌ The Supreme Father (સર્વોચ્ચ પિતા) ભગવાન શિવ પર શ્રદ્ધા કેમ ન રાખી શકીએ ?
આપણા જીવનમાં ગમે તેવા પડકારો આવે, મુશ્કેલીઓ આવે, પરેશાનીઓ આવે આપણે પરમ પિતા -સર્વોચ્ચ પિતા શિવ પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને મુશ્કેલીઓની સામે લડીને સફળ થવાનું છે.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માઁ.