28 C
Ahmedabad
Friday, September 20, 2024

આદિગુરુ શ્રી શંકરાચાર્ય – અદ્વૈત વેદાંતના પ્રણેતા.

ચતુર્વેદ્યષ્ટમે વર્ષે દ્વાદશે સર્વશાસ્ત્રવિત્ ।

અર્થાત્ આઠ વર્ષની ઉંમરે ચાર વેદો જાણી ગયા અને બાર વર્ષની ઉંમરે સર્વ શાસ્ત્રવેત્ત થયા.

આવો આજે એવા જગદગુરુ શંકરાચાર્યને યાદ કરીએ.શ્રી શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ પાંચમે કેરળમાં નંબૂદ્રી બ્રાહ્મણ કુળમાં ઈ.સ ૭૮૮માં થયો હતો.

આદિગુરુ શંકરાચાર્ય એક ઉંડા દાર્શનિક અને ધર્મપ્રવર્તક હતા.તેમણે વેદો અને શાસ્ત્રોના આધારે “અદ્વૈત વેદાંત” ની રચના કરી.તેમની ઉપનિષદો,ભગવદ ગીતા અને વેદોના સૂત્રો પર લખેલી ટીકાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે.તેમણે શિવ,વિષ્ણુ સહિત શક્તિના ઘણા સ્તોત્રોની રચના કરી હતી.

દ્વૈત એટલે એક ઈશ્વર અને એક ઉપાસક.અદ્વૈત એટલે “હું જ ઈશ્વર છું”.” હું જ બ્રહ્મ છું”. “હું જ શિવ છું” .”હું આ દેહમાં નથી”. “હું શુદ્ધાત્મા છું”. મનુષ્ય દ્વૈતથી જ અદ્વૈત સુધી પહોંચી શકે છે.અદ્વૈતને સરળ ભાષામાં એકેશ્વરવાદ કહેવાય છે અર્થાત્ ઈશ્વર એક છે.

આદિગુરુ શંકરાચાર્ય ભારતવર્ષમાં ચાર મઠોની સ્થાપના કરી જે અનુક્રમે બદ્રિકાશ્રમમાં જયોતિષપીઠ, રામેશ્વરમાં શ્રૃંગેરીપીઠ, દ્વારિકામાં શારદાપીઠ, જગન્નાથપુરીમાં ગોવર્ધન પીઠ તરીકે ઓળખાય છે. આ ચારે સ્થાનોને શંકરાચાર્યે ચાર ધામ ગણાવ્યા છે.

એક વખત નાની ઉંમરે શંકરાચાર્યે નદીમાં ઉંડે સુધી જઈને તેમની માતાને દ્વિઅર્થમાં કહ્યું કે હે માં ! આ સંસારરૂપી જળમાં માયારૂપી મગર મને ખેંચી રહ્યો છે તેથી મને સંન્યાસ લેવાની રજા આપો જેથી હું મારો ઉદ્ધાર કરી શકું. માતાને થયું કે નદીમાં રહેલો મગર તેમના દીકરાને ખેંચી જશે એવા ડરથી તેમણે શંકરાચાર્યને સંન્યાસ લેવાની અનુમતિ આપી પણ સાથે એક પ્રતિજ્ઞા લેવડાવી કે “શંકરાચાર્યે પોતાની માતાની ઉત્તરક્રિયા કરવી”.

આદિગુરુ શંકરાચાર્યના વિચારો અને જ્ઞાન ઉચ્ચ કોટિનું હતું.તેઓ કહેતા કે “બ્રહ્મ ( ઈશ્વર ) એ સત્ય છે અને આ જગત માયા છે” (બ્રહ્મ સત્ય જગતમિથ્યા) બીજુ તેમણે કહ્યું કે “આત્માની ગતિ મોક્ષ છે”.

જગદગુરુ શંકરાચાર્ય કહે છે કે “જયારે એક મનુષ્ય તેની અંદર રહેલા આત્માને પૂરી રીતે સમજી જાય છે ત્યારે તેને પરમાત્માની પ્રાપ્તિ થાય છે.

આઠ વર્ષની ઉંમરે સંન્યાસી થયેલા શંકરાચાર્ય બદ્રીનાથમાં આવી પહોંચેલા.ત્યાં તેમને ગુરુ ગોવિંદ ભગવત્પાદ મળ્યા. શ્રી શંકરાચાર્યે મનોમન તેમને ગુરુ માની લીધા અને તેમણે ગુરુજીને શિષ્ય તરીકે સ્વીકારવાની પ્રાર્થના કરી હતી.

ગુરુ ગોંવિદ ભગવત્પાદે શંકરાચાર્યને કહ્યું કે “તમે કોણ છો ? શંકરાચાર્યે ઉત્તર આપતા કહ્યું કે હું અગ્નિ નથી, હું પાણી નથી, હું વાયુ નથી, હું આકાશ નથી, હું ધરતી નથી, હું શૂન્ય પણ નથી અને હું માટી પણ નથી. હું તો સત્ય સનાતન આત્મા છું જે સર્વવ્યાપ્ત છે.

ગુરુ ગોવિંદ શંકરાચાર્યના ઉત્તરથી પ્રસન્ન થઈને તેમને શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. તેમણે શંકરાચાર્યને અદ્વૈતવાદની શિક્ષા આપી. તેમણે વેદ, વેદના અંગો વગેરેનું ગુરુ પાસે અધ્યયન કર્યું. ત્યારબાદ શંકરાચાર્ય જગદગુરુ શંકરાચાર્ય બન્યા હતા.

જગદગુરુ શંકરાચાર્ય ગુરુજીની આજ્ઞા મેળવીને કાશી વિશ્વનાથ ગયા હતા. ત્યાં તેમણે કાશી વિશ્વનાથની આરાધના કરીને વિશ્વનાથના દર્શન કર્યા હતા. ભગવાન શિવે તેમને સનાતન હિંદુ ધર્મને પુન:સ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો.

એકવાર શંકરાચાર્યને કાશીમાં મંડલ મિશ્રા સાથે શાસ્ત્રાર્થ થયો હતો તેમાં શંકરાચાર્ય પારંગત થયા હતા. શંકરાચાર્યની વિદ્વતા એટલી ઉંડી હતી કે તેમની વિદ્વતા સામે કોઈ ટકી શકતું નહોતું.

આદિગુરુ શંકરાચાર્યે કનકધારા સ્તોત્રની રચના કરીને માઁ મહાલક્ષ્મીજીની સ્તુતિ કરીને અખાત્રીજના દિવસે એક ગરીબ ડોસીના ત્યાં સોનાના આંબળાનો વરસાદ કર્યો હતો.

જગદગુરુ શંકરાચાર્યે સમગ્ર જગતને “પંચાયતન પૂજા”નું જ્ઞાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે “ગણેશ, સૂર્ય, વિષ્ણુ , દેવી જગદંબા અને શિવ આ પાંચ તત્વો મુખ્ય છે. જેમ એક હાથમાં પાંચ આંગળીઓ હોય છે તેમ ઈશ્વરના આ પાંચ મુખ્ય સ્વરૂપો છે.

આદિગુરુ શંકરાચાર્યે સમાજસુધારક હતા.તેમણે છૂત-અછૂત, પશુબલિ, જાતિપ્રથા વગેરેનો વિરોધ કર્યો હતો. શંકરાચાર્યના મુખ્ય ચાર શિષ્યો હતા જે અલગ અલગ વર્ણના હતા જેમ કે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર.

આખા વિશ્વમાં સનતાન હિંદુ ધર્મની પુન:સ્થાપના કરી શ્રી શંકરાચાર્યે ૩૨ વર્ષની ઉંમરે કેદારનાથમાં નશ્વર શરીરનો ત્યાગ કર્યો હતો. જયાં સુધી સનાતન હિંદુ ધર્મ રહેશે ત્યાં સુધી આદિગુરુ શંકરાચાર્યનું નામ અમર રહેશે.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page