કુળદેવી એટલે “કુળની દેવી”, .”કુળ”એટલે “ગોત્ર”. આપણા કુળદેવી એ આપણા ગોત્ર પરથી નક્કી થાય છે. હવે ગોત્ર એટલે શું ? તો વૈદિક ગ્રંથોમાં ગોત્ર શબ્દનો અર્થ ગાયનો વાડો, કિલ્લો, ટોળી અને ગુરુનું વાહન થાય. તૈતિરીય સંહિતા મુજબ ગોત્ર એટલે “મહર્ષિઓના વંશજ”. ગોત્ર બાબતે ગોત્ર-પ્રવરસિંધુ નામના ગ્રંથમાં વિસ્તારપૂર્વક લખેલ છે.
મહાભારત સમયે મૂળ ચાર ગોત્ર હતા જેમ કે અંગિરા, કશ્યપ, વશિષ્ઠ અને ભૃગુ પરંતુ સમયની સાથે સાથે જમદગ્નિ, અત્રિ, વિશ્વામિત્ર, અગસ્ત્ય ઋષિનું નામ જોડાતા ગોત્રની સંખ્યા આઠ થઈ. ત્યારબાદ પેટા ગોત્ર પણ થયા. શ્રીમદ્ ભાગવત અનુસાર જમદગ્નિ, અત્રિ, વિશ્વામિત્ર અંગિરા, કશ્યપ, વશિષ્ઠ, ભૃગુ એમ સપ્તઋષિ અને આઠમા અગસ્ત્યને જણાવેલ છે.
ભારતમાં દરેક જાતિ તથા વંશપરંપરા કઠોર થતા લોકો પોતપોતાના નામ સાથે ગોત્ર જોડતા.આમાં ઘણી જાતિ અપવાદ હતી પણ જે તે સમયે તે લોકો પણ પોતાના નામ સાથે ગોત્ર જોડવા લાગ્યા.
હવે મૂળ વાત પર આવીએ તો મહર્ષિઓ તેમના સમયે આદિ પરાશકિતના વિવિધ સ્વરૂપોનું પૂજન કરતા. આદિશકિતનું તપ કરતા. આદિશકિતની અલગ અલગ શકિતઓને પૂજતા ત્યારબાદ તેમના વંશજો તેમના પૂર્વજોને અનુસરતા. એ બાદ તેમનો વંશવેલો આદિ પરાશકિતના જે તે સ્વરૂપને “કુળદેવી” તરીકે માનતા.
શાસ્ત્ર કહે છે કે “કુલાનાં રક્ષતિ દેવી ઈતિ કુલદેવી” અર્થાત્ જે આપણા કુળનું રક્ષણ કરે છે તે “કુળદેવી” છે. મને એક વાત સમજાય છે કે જેમ માતા પિતા પોતાના બાળકોનું રક્ષણ કરે છે તેમ કુળદેવી આપણા આખા કુળના કલ્યાણની ચિંતા કરીને આપણું રક્ષણ કરીને આપણો ઉદ્ધાર કરે છે.
ઘણા લોકોને પોતાના કુળદેવી વિશે ખબર નથી હોતી કે અમારા કુળદેવી કયા એ અમને નથી ખબર ! એમને એમનું ગોત્ર પણ નથી ખબર હોતું તો ત્યારે શું કરવું ?. આ બાબતે હેમાદ્રિ ચંદ્રિકા નામના પ્રાચીન ગ્રંથમાં ઉલ્લેખ છે કે ગોત્ર ખબર ના હોય તો “કાશ્યપ” ગોત્ર માની લેવું કારણકે કશ્યપ મુનિએ ઘણા બધા લગ્ન કર્યા છે અને તેમના ઘણા સંતાનો છે.હવે કુળદેવી નથી ખબર તો ? તો જગતજનની આદિ પરાશકિતને કુળદેવી માનવી કારણકે બધા જ લોકો મૂળ તો આદિ પરાશકિતના અલગ અલગ સ્વરૂપોને અલગ અલગ નામથી પૂજે છે.
જય બહુચર માં.