ઘડીકવાર થોભી જાને મારી માં, કરું મારા દિલડાની વાત
નવ નવ દિવસ અને નવ નવ રાત્રીની તારી માયા લગાવીને તું કયાં જાય છે ?? બસ એક આ નવરાત્રી જ એવી હોય છે જયાં તને મધ્યમાં બિરાજમાન કરીને તારી પ્રદક્ષિણા કરી તારા ભકતો અને બાળકો ગરબે ઘૂમીને આનંદ કરતા હોય છે.
તું જઈશ તો રોજ રાત્રે તારી “જય આદ્યશકિત” આરતી કોણ ગાશે ? તારી સ્તુતિ અને તારો થાળ કોણ કરશે ? તને રોજ રોજ નવા નવા શણગાર કોણ કરશે ? તને રોજ નવી નવી વાનગીઓ કોણ ધરાવશે ? તું આમ સામું ના જો.અમારો જીવ ચોંટી જાય છે તારામાં !!
રોજ રાત પડે ને ઝગમગતી લાઈટો થાય, પેલા નાના બાળકો છે ને તારા મંડપની આજુબાજુ રમવા આવી જાય, સૌ તારી આરતી કરવા ને ગરબા રમવા આવી જાય, તારા મંદિરો ખચાખચ ભરાઈ જાય.
એક વાત કહું માં તું ના જાને, થોડું રોકાઈ જાને. તું કહીશ એમ કરશું.તું રાખીશ એમ રહીશું.હવે તો ડૂમો પણ ભરાઈ ગયો ને અશ્રુધારા પણ વહેવા લાગી.તું આવું ના કરને !! સાંભળને તારા ચરણોમાં શીશ નમાવીને રહીશું.
આ બાળકને જે તે શીખવાડયું છે, તે બુદ્ધિ આપી છે એ પ્રમાણે એટલું ખબર છે કે તું કયાંય નથી જવાની, અમારી જોડે જ રહેવાની છે પણ સાંભળને…
તું આવતા વર્ષે જલદી જલદી આવજે હોંને
આવીશ ને !!!!!
જય અંબે માં,જય બહુચર માં.