ચૈતર એટલે કે ચૈત્ર વિક્રમ સંવતનો છઠ્ઠો અને શક સંવત્સરનો પ્રથમ મહિનો છે. ચૈત્ર શબ્દની ઉત્પત્તિ સત્યાવીશ નક્ષત્રમાંના એક નક્ષત્ર ચિત્રા નક્ષત્ર પરથી થઈ છે. બાર માસ અનુક્રમે બાર નક્ષત્રોના નામ પરથી પાડવામાં આવ્યા છે.જેમ કે કૃતિકા નક્ષત્ર પરથી કારતક તેવી જ રીતે ચિત્રા નક્ષત્ર પરથી ચૈત્ર. ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવે તે ચૈત્રી પૂનમ હોય છે. આ ચિત્રા નક્ષત્ર મંગળનું છે.
બ્રહ્મર્વવેત પુરાણ અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો આરંભ ચૈત્ર મહિનાથી કર્યો હતો. વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંથી પ્રથમ મતસ્ય અવતાર ચૈત્ર સુદ એકમે થયો હતો. વિષ્ણુ ભગવાને “મનુ” નામના પુરુષને જળપ્રલયથી બચાવીને સુરક્ષિત સ્થળ પર પહોંચાડયો હતો ત્યારબાદ નવી સૃષ્ટિનો આરંભ થયો હતો. શાસ્ત્ર કહે છે કે સતયુગની શરૂઆત ચૈત્ર માસથી થાય છે.
ભગવાન રામે દક્ષિણની પ્રજાને વાલીના ત્રાસથી મુકત કરાવી હતી ત્યારે ચૈત્ર સુદ એકમે અર્થાત્ પ્રથમ પડવાના દિવસે દક્ષિણની પ્રજાએ વાલીના ત્રાસમાંથી મુક્તિ મળ્યાની ખુશીમાં ઘરે ધરે ધ્વજ (ગુડી) લહેરાવીને ઉત્સવ મનાવ્યો હતો જે હાલમાં મહારાષ્ટ્રમાં ‘ગુડી પડવા’ તરીકે ઉજવાય છે.
એક કુંભારના દીકરાએ માટીના સૈનિકોની સેના બનાવી. તેની પર પાણી છાંટયું અને તેમાં પ્રાણ ફૂંકયા. તે સેનાની મદદથી તેમણે શત્રુઓની સેનાને પરાજીત કરી. તે કુંભારના દીકરાનું નામ શાલિવાહન હતું. આ વિજય દિવસના આનંદમાં ચૈત્ર સુદ એકમથી શક સંવત્સરની શરૂઆત થઈ. (શત્રુ અર્થાત્ શક)
ચૈત્ર મહિનામાં પ્રકૃતિ ખીલે છે,ચૈત્ર મહિનામાં વૃક્ષો અને છોડોની ઉન્નતિ થાય છે.વનસ્પતિઓ અને ઔષધિઓ ચૈત્ર મહિનાની અંદર પ્રાણદાયક થાય છે.
મહાન ગણિતજ્ઞ શ્રી ભાસ્કરાચાર્યજીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના દિવસો, મહિના અને વર્ષોની ગણતરી કરીને ચૈત્ર સુદ એકમના દિવસે “પંચાંગ” ની રચના કરી હતી. શાક્ત સંપ્રદાય અનુસાર વાસંતી નવરાત્રીનો આરંભ ચૈત્ર મહિનાથી થાય છે.
જયોતિષશાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં આરોગ્યનો કારક સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે જેથી લોકોનું આરોગ્ય સુધરે છે.સૂર્ય ઉચ્ચનો થવાથી ધરતી પરના નકારાત્મક વાઈરલ બેકટેરિયાનો નાશ થાય છે જેથી બીમારી ઘટતી જોવા મળે છે.
ચૈત્ર મહિનામાં નવરાત્રી હોય છે. આ નવરાત્રી જગદંબાના અનુષ્ઠાન કરવાની રાત્રી છે. દેવીનો બાળક હોય કે શક્તિનો સાધક હોય તે આ નવરાત્રીમાં શ્રીમદ્ દેવી ભાગવત, દુર્ગા સપ્તશતી ચંડીપાઠ, દેવી કવચ, દેવી અથર્વશીર્ષ, અર્ગલા સ્તોત્ર, શક્રાદય સ્તુતિ, નારાયણી સૂકત, શક્તિ સતાવની, અંબા ચાલીસા, અંબા બાવની, આનંદનો ગરબો, બહુચર બાવની, મહાકાલી ચાલીસા, મહાલક્ષ્મી અષ્ટકમ, શ્રી સૂકતમ, સિદ્ધિ કુંજિકા સ્તોત્રમ વગેરે દેવીના પાઠ તથા સ્તોત્રો કરે છે. કોઈ માંઈભક્ત પોતાની કુળદેવીના પાઠ અથવા સ્તોત્રો કરે છે.
ચૈત્ર મહિનામાં શક્તિનો સાધક જપ અને તપથી દેવીને પ્રસન્ન કરે છે. ગુપ્ત અનુષ્ઠાન કરે છે. પુષ્પોથી માઁ ને વધાવે છે. કંકુ ચોખાથી તિલક કરે છે. મોગરા અને ગુલાબના અત્તર છાંટીને માઁ ના મંદિરને સુગંધિત બનાવે છે. ફળો અથવા મીઠાઈનો પ્રસાદ કરીને માઁ જગદંબાને લાડ લડાવે છે.
વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે.ચૈત્ર, આસો, અષાઢ અને મહા. સર્વ જીવોનું કલ્યાણ થાય તે માટે સૌએ માઁ મય થઈને નવરાત્રીના આ નવ દિવસો અને નવ રાતોના પાવન અવસરનો લાભ લઈને આપણે સૌ એ દેવીની ઉપાસના કરવી જોઈએ.
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં કાશીપુરમાં ચૈતી દેવી મંદિર છે. ત્યાં દર વર્ષે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ મેળો ભરાય છે. મહાભારતમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ વાત સત્ય છે કે ચૈતી દેવીને “બાલા સુંદરી” પણ કહેવાય છે. ત્યાં લોકો ચૈતી દેવીના મંદિરને બાલા સુંદરી મંદિરના નામે પણ જાણે છે.
શ્રી બહુચર માતાના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજી ચૈતર (ચૈત્ર) મહિનામાં એક ગરબો લખે છે કે…..
ચૈતરે ચિત્ત ઘણું વધ્યું, નમી નમી બહુચર આરાધ્યું,
મન મારું ગોખે જઈ સાધ્યું, કે સેવા શંખલપુર રાણી.
જેમ બાર માસની સ્તુતિ ભટ્ટજી રચિત છે તેમ ચૈતરથી શરૂ થતા નવરાત્રીમાં ચૈતર થી લઈને ફાગણ સુધીનો ગરબો અહીંયા શ્રી વલ્લભ ભટ્ટજી વર્ણવે છે.
શ્રી વલ્લભ ભટ્ટજી અહીં કહે છે કે ચૈતરે મારું ચિત્ત ( મન ) ઘણું વધ્યું બહુચર માતાની આરાધના કરવાનું. મારું મન શંખલપુરના ગોખે શંખલપુરની રાણી બહુચરના ચરણોમાં ચોંટી ગયું છે.
ચૈતરની ચાંદની વિશે થોડા શબ્દોમાં વર્ણવું તો ચૈતરની ચાંદનીમાં જે તેજ હોય છે તે તેજ જગદંબાનું જ હોય છે. ચાંદની જગદંબાના તેજથી પૃથ્વી પરના મનુષ્યોમાં શાંતિનો આહલાદક આનંદ કરાવે છે. ચિત્ત શાંત અને આનંદમય થઈ જાય છે.
પૃથ્વી પરની વનસ્પતિઓ, છોડો, વૃક્ષો તમે સમજો ને સમગ્ર પ્રકૃતિ ચાંદનીના પ્રકાશથી ખીલે છે. દિવસે સૂર્યનો તેજ અને રાત્રે ચાંદનીનો મધુર પ્રકાશ.
કવિ શ્રી બાલમુકુંદ દવે લખે છે કે
ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.
એક જૂનો પ્રાચીન ગરબો યાદ આવે છે કે….
માં તું આસોનું અજવાળું, ચૈતરની ચાંદની રે લોલ.
કુમકુમ પગલે આવો, કંકુ ચોખાને માંડવે રે લોલ.
ચૈતરે આપણા ચિત્ત (મન) ને માઁ જગદંબાના પાવન ચરણોમાં ચોંટાડવાનું છે.
આ લેખ વાંચીને “આનંદ”ની અનુભુતિ થઈ હોય તો આ લિંક બીજાને શેર કરીને “આનંદ” વહેંચજો.
Spread Happiness (આનંદ વહેંચો)
બોલો જય બહુચર માં.