આદ્યશકિત નું બાળા સ્વરુપ એટલે માં બહુચર જે સર્વલોકના હિત માટે આજના દિવસે ચુંવાળ (બહુચરાજી) માં મુખ્ય સ્થાને પ્રગટ થયા હતા. શ્રી કપિલમુનિએ આજના શુભ દિવસે એટલે કે ચૈત્રી સુદ પૂનમે શ્રી બાલાયંત્ર સ્થાપિત કર્યું હતું.
શ્રી બહુચર માતાનું મૂળસ્થાન વરખડીવાળું છે ત્યાં બાળા સ્વરૂપે છે, મધ્યસ્થાન (વરખડીની બાજુવાળુ) છે ત્યાં કુમારી સ્વરૂપે છે અને મુખ્ય સ્થાને માં સર્વ જગતની માં સ્વરુપે બિરાજમાન છે. માં બહુચર નું આ ચુંવાળ પંથક મારે મન મણિદ્ધીપ સ્થાન જેટલું જ મહત્વ ધરાવે છે જયાં બહુચર સાક્ષાત્ રાજાધિરાજ સ્વરુપે બિરાજે છે.
ચૈત્રી સુદ પૂનમે માં બહુચર ની શોભા કંઈક અનેરી હોય છે. લાખો શ્રદ્ધાળુ ભકતો માં ના દર્શન કરવા માટે ચુંવાળ આવે છે. માં ના પારે પગપાળા આવતા સંઘો આજે માં ના મંદિરના શિખર પર ધજા ચડાવે છે.આજના દિવસે શ્રી બહુચરમાંની શોભાયાત્રા શંખલપુર મંદિરે જાય છે અને નિજમંદિરે પરત આવે ત્યારે બહુચરાજી ની પોલીસ માં બહુચર ને ગાર્ડ ઓફ ઓનર ની સલામી આપે છે.
વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતા કિન્નરો આજના દિવસે ચુંવાળ માં શ્રી બહુચરમાં ના દર્શન કરવા અચૂક આવે છે. આજે માં ના ચાચરના ચોકમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ માં બહુચર નો આનંદનો ગરબો કરીને આનંદમય થાય છે.
આખા ચુંવાળમાં બોલ મારી બહુચર જય જય બહુચર નો નાદ સંભળાય છે. આજે શ્રી બહુચરાજી માતાના ચરણોની સુગંધ દશે દિશાઓમાં મહેકે છે.
હે માં ! આજે અમને એવા આશીર્વાદ આપો કે અમે જ્યારે જ્યારે આપને વંદન કરીએ ત્યારે સર્વ નું કલ્યાણ થાય.