જન્માષ્ટમી આવે અથવા શ્રાવણ મહિનાની શરુઆત થાય ત્યારે આપણા જ ધર્મના લોકો આપણા જ તહેવારો અને આપણા જ શ્રી કૃષ્ણ ભગવાનને ખોટી રીતે ચીતરવા જુગાર રમતા હોય છે.
મેં કેટલાય હિંદુ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે જેમાં શ્રી કૃષ્ણ જીવન ચરિત્ર,રાધાવતાર, શ્રી કૃષ્ણગાથા, ઉદ્વવગીતા, મહાભારત વગેરે જેવા ગ્રંથોમાં કયાંય એવું લખ્યું નથી કે શ્રી કૃષ્ણ ભગવાન જુગાર રમતા હતા અને આ બધા ગ્રંથોમાં શ્રી કૃષ્ણ ભગવાને કયાંય એવી શીખ નથી આપી કે જુગાર રમવું જોઈએ એમ….છતાંય આપણે અહીં લોકોનું જોઈને દેખાડો કરવા અથવા રુપિયા ની હાર જીત કરવા અથવા મોજ શોખ માટે કે ટાઈમપાસ કરવા લોકો જુગાર રમતા હોય છે.
જુગાર કેમ ના રમવું જોઈએ એની પાછળ એક સત્ય કથા છે જેનો ઉલ્લેખ ઉદ્ઘવગીતામાં છે. આ ગીતામાં શ્રી કૃષ્ણનાં જીવનના કેટલાક પ્રસંગો અંગે ઉદ્વવના મનમાં કેટલાક પ્રશ્નો છે જેનું સમાધાન શ્રી કૃષ્ણ આપે છે.
એક વખત ઉદ્ધવ શ્રી કૃષ્ણને પૂછે છે કે પાંડવોને તમે જુગારમાં હારતા રોકી શકતા હતા તો રોકયા કેમ નહી ? ત્યારે શ્રી કૃષ્ણ હસીને જવાબ આપ્યો કે “તેઓ વિવેક ભૂલ્યાં એટલે ! એટલે ઉદ્ધવે કહ્યું કે ” પ્રભુ ! હું સમજયો નહીં.
શ્રી કૃષ્ણ કહે છે કે દુર્યોધનને જુગાર (પાસા) રમતા બિલકુલ નહોતું આવડતું પણ તેણે વિવેક રાખીને તેના મામા શકુનિની મદદ લીધી. જયારે આ બાજુ પાંડવોને કે યુધિષ્ઠિરને પણ જુગાર ( પાસા ) રમતા બિલકુલ નહોતું આવડતું પરંતુ તે લોકો વિવેક ભૂલ્યા અને મારી મદદ લેવા પણ ના આવ્યા. ઉદ્ધવ તું જરા વિચાર કે હું અને શકુનિ સામસામે આવત તો આ જુગાર માં જીત કોની થાત ?
ઉદ્ધવને શ્રી કૃષ્ણની આ વાત તો સમજાઈ ગઈ પણ છતાંય તેના મનમાં સંતોષ નહોતો તેથી તેણે ફરીથી પૂછ્યું કે તમે તો આ બધુંય જાણતા હતા (અર્થાત્ તમે તો ભગવાન છો, ત્રિકાળ જ્ઞાની છો) તો તમે આ પાંડવોને જુગાર રમતા પહેલેથી જ કેમ ના રોકયા ?
શ્રી કૃષ્ણે કહ્યું કે હે ઉદ્ધવ ! હા હું પાંડવોને રોકવા માંગતો હતો પણ યુધિષ્ઠિરે મને વિનંતી કરી હતી કે અમે તમને બોલાવીએ નહીં ત્યાં સુધી તમે સભાખંડની બહાર ઉભા રહેશો કારણકે તે લોકો મારાથી છુપાઈને જુગાર રમવા માંગતા હતા. પાંડવો જુગારમાં બધુંય હારી ગયા ત્યાં સુધી હૂં સભાખંડની બહાર ઉભો હતો.અંતે દ્રોપદીના ચીરહરણ થયા અને દ્રોપદીએ મને મદદ માટે પોકાર કરી ત્યારે મારે જવું પડ્યું.
ઉદ્વવે ખૂબ જ વિવેકથી શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ! આનો અર્થ તો એમ થયો કે તમને કોઈ ભક્ત પોકારશે તો જ તમે મદદે આવશો. તમે જાતે કેમ ભક્તની રક્ષા કાજે નથી આવતા ?
શ્રી કૃષ્ણ થોડું સ્મિત કર્યું અને બોલ્યા કે હે ઉદ્વવ ! મનુષ્ય જે કંઈ પણ આ પૃથ્વી પર કર્મ કરે છે તે તેની નીતિ અને મતિ અનુસાર કરે છે. હું તો મનુષ્યના દરેક કર્મને સાક્ષી ભાવથી જોઉં છું અને મનુષ્યના કર્મો અનુસાર તેને ફળ આપું છું.
ઉદ્વવ બોલ્યા કે મનુષ્ય પાપ અને પાપ જ કરતો રહે અને તમે સાક્ષી બનીને જોતા જ રહો તો આવું કેવી રીતે ચાલે ? ત્યારે કૃષ્ણ કહે છે હે વ્હાલા ઉદ્વવ ! મારા કહેવાના અર્થને ધ્યાનથી સમજ કે જો મનુષ્યને એમ જ્ઞાત થાય કે હું જે કંઈ પણ કર્મ કરું છું તે કર્મને ઈશ્વર સાક્ષી ભાવે જોઈ રહ્યો છે તો શું તે પાપ કરશે ? કંઈ ખોટું કામ કરશે ? તેને ખોટું કામ કરતા મારો ડર નહી લાગે ?
મિત્રો ,તમે આ વાર્તા પરથી સમજી ગયા હશો કે તમે જ્યાં જુગાર રમતા હશો ત્યાં શ્રી કૃષ્ણ તમારા એ કર્મ ના સાક્ષી તરીકે તમારા જુગારધામ (ઘર) ની બહાર ઉભા હશે પછી તમારા ઘરમાં મોટી બીમારી આવે કે તમારા ઘર પર મોટું સંકટ આવશે ત્યારે તે બહાર જ ઉભા રહેશે અને મદદે પણ નહીં આવે.
કેટલાક લોકો એવી ગેરમાન્યતાઓ રાખે છે કે યાદવો જુગાર રમતા હતા એટલે આપણે પણ રમાય.
વાંચકમિત્રો ગાંધારીએ યાદવોને શ્રાપ આપ્યો હતો કે તમારા આખા યદુવંશનો નાશ થશે તેથી યાદવોને વિનાશકાળે વિપરીત બુદ્ધિ ચઢીને તેઓ “જુગાર રમવા લાગ્યા અને મદિરા પાન કરવા લાગ્યા.શ્રી કૃષ્ણે યાદવોને ખૂબ સમજાવ્યા.આમ ન કરવાની સલાહ આપી પણ તે લોકો શ્રી કૃષ્ણ નું માન્યા નહી અને અંતે અંદર અંદર લડીને મૃત્યુ પામ્યા.આ પ્રસંગ શ્રી કૃષ્ણ જીવન ચરિત્રમાં છે.
હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારા કુળને આબાદ કરવું છે કે બરબાદ ?
જય શ્રી કૃષ્ણ.
જય બહુચર માં.