આદિ,અનાદિ, અખંડ, અભેદ, અક્ષેદ, અજેય અંબા એ જ મૂળ આદિ પરાશકિત છે જે બાળ સ્વરૂપ ધરે છે ત્યારે બહુચર કહેવાય છે.તે રૌદ્ર સ્વરૂપે ચંડિકા કહેવાય છે. તે અતિરૌદ્ર સ્વરૂપે કૌશિકી કે કાલી કહેવાય છે. તે ચંડ મુંડને હણનારી ચામુંડા છે. તે નવખંડમાં બિરાજમાન નારાયણી છે. તે વિવિધ સ્વરૂપો ધરાવે છે જેની માયા જાણી શકાતી નથી.
અષ્ટમીની તિથિ શુભ છે, અતિદુર્લભ છે, બે શૂન્યો ભેગા થાય ત્યારે આઠ બને છે. આ બે શૂન્યો ભેગા થવાનો મતલબ એમ છે કે જેણે આ શૂન્ય જગત ઉત્પન્ન કર્યું તે બીજા શૂન્યના સંયોગથી શૂન્યતા પ્રાપ્ત કરાવે છે અર્થાત્ આપણે જન્મયા ત્યારે શૂન્ય હતા અને મૃત્યુ પામીશું ત્યારે શૂન્ય થઈ જઈશું તો એ બે શૂન્યની વચ્ચે આપણો આ જીવ જગદંબાની ઉપાસના માટેના લક્ષ્યમાં રહેવો જોઈએ.
માં જગદંબાની કૃપાથી જ શ્રી કૃષ્ણ આઠમની તિથિએ જન્મયા હતા અને તે પણ દેવકી માતાનું આઠમું સંતાન હતા. તેમણે જ માઁ જગદંબાની કૃપાથી શ્રીમદ ભાગવત ગીતાનું જ્ઞાન આપ્યું. તમને ના ખબર હોય તો એમ પણ કહી દઉં કે શ્રી કૃષ્ણની ચૌલક્રિયા (બાબરી) અંબાજીમાં ઉતરી હતી અને તેમણે માઁ અંબાજીના આશીર્વાદ લીધા હતા.
જય આદ્યાશકિત આરતી જે શિવાનંદ સ્વામીએ લખી છે એની આઠમી પંકિત આમ છે કે
અષ્ટમી અષ્ટ ભુજાળ આઈ આનંદા,મૈયા આઈ આનંદા.
સુનિવર મુનિવર જન્મયા માં.
દેવ દૈત્યો માં.
ૐ જય ૐ માં જગદંબે.
અર્થાત્
હે માં અષ્ટભુજાધારી (જેના આઠ હાથો છે), આનંદા (નિત્ય આનંદમાં રહેનારી અને એના ભક્તોને આનંદમાં રાખનારી) ! આ પૃથ્વી પર જેટલા પણ દેવ અને દૈત્યો છે એ બધા તારા બાળકો છે. આ જગતના શુભ અને અશુભ તત્ત્વો તે જ ઉત્પન્ન કર્યા છે માટે આ બધા બાળકોમાંથી જે તારું નામ સાંભળીને તારી ભકિત કરે છે તે સુનિવર અને જે તારી મનથી ભકિત કરે છે તે મુનિવર છે. આ સુનિવર અને મુનિવર બંને તને પ્રિય છે અને તેમને પણ તે જ પ્રગટ કર્યા છે.
આજે અંબા બહુચર ની આઠમ છે. આજે બધા જ મંદિરોમાં આઠમના હવન થશે. માં નું બાળા રુપ એટલે બહુચર સ્વરૂપ અને માં નું આદ્ય રૂપ એટલે અંબા સ્વરુપ ઝળહળી ઉઠશે. અકલ્પનીય તેજ અને ઉર્જા નો સ્ત્રોત વહેશે. હોમ હવનનો ધૂણો સમગ્ર વાતાવરણમાં અને આપણા શરીરમાં રહેલા હાનિકારક રજકણોને દૂર કરશે. માઁ ની ષોડશોપચાર અને રાજોપચાર પૂજા થશે.
માં ના હવનમાં શ્રીફળ હોમવાથી આપણા દુ:ખો હોમાઈ જશે. માં ના હવનની રાખ આપણા શરીરને લગાવીએ છે તે રાખ આપણું રક્ષાકવચ બની જશે.
ચુંવાળમાં આવેલું મોટા બહુચરાજી મંદિર માં બહુચર ની આજે રાત્રે ૯:૩૦ વાગે પાલખી નીકળશે અને શંખલપુર મંદિરે જઈને નિજમંદિરે પરત ફરશે.
દર વર્ષે મોટા બહુચરાજી મંદિરે આજે માં નું હવન શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા થાય છે અને રાત્રે બાર વાગ્યે માં બહુચર ની આઠમની પલ્લી ભરાય છે.
અંબાજીમાં દર વર્ષે માં અંબાનું આઠમનું હવન કરવા દાંતાના મહારાજા આવે છે જે પરંપરા કેટલાય વર્ષોથી ચાલતી રહી છે.
અમદાવાદના નવાપુરાના જૂના બહુચરાજી મંદિરે માં નું આઠમનું હવન થશે અને સમી સંધ્યાએ માં અંબા અને માં બહુચર ના રમણીય દર્શન થશે.
અમદાવાદના માધુપુરા અંબાજી મંદિરે માં અંબાના સિંહવાહિની સ્વરૂપ દર્શન થશે તથા માધુપુરા અંબાજી મંદિરે આઠમે કેટલાય વર્ષો થી માં ની ચૂંદડી નો પ્રસાદ વહેંચવામાં આવે છે.
અમદાવાદની નગરદેવી ભદ્રકાળી ની વાત કરું તો દર વર્ષે ભદ્રકાળી મંદિરે હવન થાય છે.
સર્વ સનાતન ધર્મરક્ષક માં અંબા-બહુચર સર્વજગતને આનંદિત રાખે એવી અષ્ટમીએ મારી માં ને હૃદયપૂર્વક પ્રાર્થના છે.
માં અંબા આઈ રે એક દી આઈજી આનંદમાં રે.
માં બહુચરા બાઈ રે એક દી આઈજી આનંદમાં રે.
જય અંબા બહુચર માં.