આજે ધનતેરસની તિથિએ સમુદ્રમાંથી મહાલક્ષ્મી પ્રગટ થયા હતા તેથી ધનતેરસ એ મહાલક્ષ્મીજીનો પ્રાગટય દિવસ કહેવાય છે સાથે ભગવાન ધનવંતરી (વિષ્ણુ ભગવાનનો અવતાર) આ જ દિવસે અમૃત કળશ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેથી મહાલક્ષ્મીની સાથે વિષ્ણુ ભગવાનનું પૂજન પણ કરવું જોઈએ. આજના દિવસે જે યમદીપદાન કરે છે તેનું ધનતેરસના દિવસે મૃત્યુ થતું નથી તથા તેનું કયારેય પણ અકાળે મૃત્યુ થતું નથી.
લક્ષ્મી આઠ પ્રકારની હોય છે જેને શાસ્ત્રમાં “અષ્ટલક્ષ્મી” કહીને સંબોધાઈ છે. ધન લક્ષ્મી આપણી અર્થવ્યવસ્થાને મજબૂત રાખે છે. ધાન્ય લક્ષ્મી આપણને સારૂં અન્ન આપીને આપણું પોષણ કરે છે.ધૈર્ય લક્ષ્મી જીવનની વિષમ પરિસ્થિતિઓમાં ધીરજ રાખવાનું સૂચવે છે.શૌર્ય લક્ષ્મી એ સાહસનું પ્રતિક છે.વિદ્યા લક્ષ્મી અનેક પ્રકારની વિદ્યા પ્રદાન કરે છે.ક્રિયા લક્ષ્મી ઉચ્ચ કોટિના કર્મો કરાવે છે.વિજયા લક્ષ્મી આપણને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. રાજય લક્ષ્મી આપણા રાજયને અને દેશને સમૃદ્ધિવંત બનાવે છે. આ આઠ પ્રકારની લક્ષ્મીનો દરેકના જીવનમાં વાસ રહે તેવી મમ હ્દયથી માઁ મહાલક્ષ્મીને પ્રાર્થના છે.
આજના દિવસે સફેદ અથવા શ્વેત રંગનું વસ્ત્ર પહેરવું.ચંદનનું અત્તર મહાલક્ષ્મીજીને લગાવવું. કમળનું પુષ્પ અર્પણ કરવું. દૂધની અંદર કેસર ભેળવીને “શ્રી યંત્ર” પર અભિષેક કરવો. કમળ, દુર્વા, કોડી, શંખ, કમરકાકડી, તાજા ગુલાબ વગેરે મહાલક્ષ્મીજીને અર્પણ કરવા. શ્રી સૂકતમ, મહાલક્ષ્મી અષ્ટકમ,લક્ષ્મી સૂકતમ, પુરુષ સૂકતમ, કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામાવલિ વાંચવી. ભગવાન કુબેરના મંત્ર જાપ કરવા.
જયોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહના ઈષ્ટ દેવી સ્વયં મહાલક્ષ્મીને કહ્યા છે.તમને સારું સુખ કયારે મળે ? સારું ધન હોય ત્યારે મળે ને ! અને સારું ધન કયારે મળે ? તો ધનતેરસના દિવસ હોય ત્યારે શ્રી મહાલક્ષ્મીના જાપ કરવાથી, શ્રી સૂકતમ કે ઋગ્વેદોકતં શ્રી લક્ષ્મી સૂકતમના પાઠ કરો તો અપાર સુખ- સમૃદ્ધિ મળે છે.
તમને સરળ શબ્દોમાં સમજાય એવી એક સરસ વાત કહી દઉં કે જો ધનની દેવી લક્ષ્મી તમારા પર રાજી હશે તો શુક્ર સુખ આપવામાં કંઈ રાહ નહી જુએ એ ચાહે ધનનું, પત્નીનું,વાહનનું, મકાનનું કે શરીરનું સુખ કેમ ના હોય ! શુક્ર એ સુખનો એવો દાતાર છે કે જે પ્રસન્ન થાય તો ધાર્યુ ના હોય એવું અણધાર્યુ સુખ આપે છે.
ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા કરો ત્યારે પાંચ પીળી કોડી, પાંચ ગોમતી ચક્ર,એક હળદરનો ગાંઠિયો,ચાંદીનો સિક્કો અથવા ચાંદીની લગડી અથવા એક રૂપિયો અને એક લઘુ શ્રી ફળ ( ટોટલ પાંચ વસ્તુઓ) ચંદન તથા કંકુ વડે કુમકુમાદિ કરીને પીળા વસ્ત્રમાં પૂજામાં મૂકવા. પૂજાની પૂર્ણાહૂતિ થાય પછી આ સિદ્ધ વસ્તુઓને પીળા વસ્ત્રમાં જ ઘરની તિજોરીમાં અથવા લોકરમાં મૂકી દેવા તેનાથી ધન ધાન્યની કાયમ વૃદ્ધિ થશે”.
આજે ધનતેરસના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માતાને બે હાથ જોડીને કાન પકડીને માથુ નમાવીને ક્ષમાયાચના માંગીને પ્રાર્થના કરવી કે “હવે આપ હંમેશા મારા ત્યાં વસવાટ કરો”
“શ્રી મહાલક્ષ્મીજી” નો મંત્ર
ૐ શ્રી હ્રીંમં શ્રી કમલે કમલાલયે પ્રસિદ પ્રસિદ ૐ શ્રી હ્રીંમ શ્રી મહાલક્ષમયૈ નમઃ ।।
જય બહુચર માઁ.