બ્રહ્મ શબ્દના અનેક અર્થ છે જેમકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ વગેરે…આ સર્વને જાણનાર બ્રાહ્મણ કહેવાય. સ્મૃતિગ્રંથ અનુસાર બ્રાહ્મણના છ કર્મો હોય છે. પઠન, પાઠન, યજન, યાજન, દાન, પ્રતિગ્રહ અર્થાત્ ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન કરવું, દાન લેવું આ છ કર્મો બ્રાહ્મણના કર્મો હોય છે તેથી બ્રાહ્મણને ષટકર્મા કહેવાય છે.
ઘણા ખરા જૂના પુસ્તકોમાં મેં અત્યાર સુધી કોઈ પણ કથા-વાર્તા વાંચી હશે તેમાં કથા-વાર્તાની શરૂઆત એમ થાય કે “એક ગરીબ બ્રાહ્મણ હતો” પણ થોડા ઘણા પુસ્તકો સિવાય કોઈએ એવું ના લખ્યું કે “એક વિદ્વાન બ્રાહ્મણ હતા.” કારણકે બ્રાહ્મણના લોહીમાં જ સંસ્કૃત અને સંસ્કાર હોય છે અર્થાત વિદ્વતા હોય છે.
ભલે બ્રાહ્મણ ધનથી ગરીબ હશે પણ બ્રાહ્મણ જેવો મનથી અમીર કોઈ નહી હોય. હું મારી વાત કરું તો હું બ્રાહ્મણો જોડે રહી રહીને તૈયાર થયો છું.
હું જાતે બ્રાહ્મણ નથી, મોદી છું પણ આ બ્રાહ્મણોએ મારી સાથે કયારેય ભેદભાવ નથી કર્યો. મને હંમેશા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી છે. મને જીવનમાં જયાં જોઈતું હતું ત્યાં માર્ગદર્શન પૂરું પાડયું છે. મને તેમના જ્ઞાનના ખજાનામાંથી થોડા ઘણા હીરા ઝવેરાત આપ્યા છે. મારું કયારેય અપમાન નથી કર્યુ. મારા પ્રત્યે કયારેય દ્વેષ-ઈર્ષ્યાની ભાવના નથી રાખી. મારી સાથે કયારેય પણ તેમની પાસે જે જ્ઞાન છે તેનું અહંકાર નથી બતાવ્યું. મને કયારેય નીચો દેખાડવાની કોશિષ નથી કરી. મારે મન આવી લાક્ષણિકતા ધરાવતા બ્રાહ્મણને જ બ્રાહ્મણ કહી શકાય. જેનામાં આવા ગુણો છે તે જ સાચો બ્રાહ્મણ છે.
હું બ્રાહ્મણો સાથે બહુ જ સંકળાયેલો છું તેથી મારો એક બ્રાહ્મણ મિત્ર કાલે મને કહેતો કે અમારા બ્રાહ્મણ સમાજમાં કેવું કે એક બ્રાહ્મણ ઉંચો આવે ને તો તે બીજા બ્રાહ્મણને ના ગમે. બસ એને કેવી રીતે પાડી દેવો એની ઈર્ષ્યા જ એનામાં સળગયા કરે તે પછી કાવતરા કરે અથવા એક બ્રાહ્મણ કરતા બીજો બ્રાહ્મણ જ્ઞાનમાં વધુ આગળ હોય તોય એને ના ગમે તો મારો એ મિત્ર મને કહે કે વિશાલ, તમે તો બ્રાહ્મણ નથી અને તમે આ બધી રોજ ધર્મની, શાસ્ત્રોની,પુરાણોની વાતો લખો અને જયોતિષશાસ્ત્રનો વ્યવસાય કરો એ બ્રાહ્મણને કયાંથી ગમે ?
મારાથી રહેવાયું નહી તેથી મેં કહ્યું કે એક સાચો અને વિદ્વાન બ્રાહ્મણ અન્યની નિંદા કે ઈર્ષ્યા કદી પણ કરતો નથી. તે પોતાનો સમાજ અને સમાજમાં લોકોની પ્રગતિમાં રાજી હોય છે. કોઈ પણ સમાજ કે જાતિના વ્યકિતને બ્રાહ્મણ કયારેય નીચો ગણતો નથી ઉલટાનું હંમેશા તેને માર્ગદર્શન આપે છે. તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.તેને ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપે છે. એક સાચો વિદ્વાન બ્રાહ્મણ પોતાના જ્ઞાનનો કદીય અહંકાર કરતો નથી. તે બીજાને તુચ્છ સમજતો નથી તેમ છતાંય કોઈ આવું કરતું હોય તો તે ખરેખર બ્રાહ્મણ નથી.
ઘણા લોકો બ્રાહ્મણોની ટીકા કરતા હોય છે કે બ્રાહ્મણની આંખમાં ઝેર હોય છે પણ ખરેખર એવું છે જ નહી. હકીકત એમ છે કે સમુદ્રમંથન વખતે બધા દેવો અમૃત પી ગયા હતા અને ઝેર મહાદેવજીના ભાગમાં આવ્યું હતું. મહાદેવજીએ ઝેરનો કટોરો પીવાનું શરૂ કર્યુ ત્યારે કેટલાક બ્રાહ્મણો ત્યાં મહાદેવની શરણે ઉભા હતા.મહાદેવજીએ ઝેર પી લીધુ ત્યારે મોઢે લૂછતી વખતે કે પૃથ્વી પર પડ્યા અને તે ઝેરના ટીપા બ્રાહ્મણોએ આંખે લગાવ્યા હતા તેથી અહીંયા એવો તર્ક નીકળે કે જો બ્રાહ્મણ હળાહળ ઝેરને પોતાની આંખે લગાવી શકે છે તો લોકોના મનમાં રહેલા ઝેરને તેમની આંખોમાં સમાવીને તેમના જીવનમાં અમૃત જેવું અજવાળુ લાવી શકે છે.ટીકાકારોનું કાર્ય ટીકા કરવાનું હોય છે આપણે હકારાત્મક રહીને કોઈનામાં સારું તો શોધી શકીએ ને ? જેવી દષ્ટિ એવી સૃષ્ટિ..
બ્રાહ્મણો પુરાતન કાળથી સનાતન ધર્મનું પાલન કરતા આવ્યા છે.ઈશ્વરે બ્રાહ્મણને સૂચિત કર્મો આપ્યા છે તે કરતા આવ્યા છે જેમ કે વેદનો અભ્યાસ કરવો,ધર્મનું પાલન કરવું અને કરાવવું,ધર્મની રક્ષા કરવી ( ધર્મ રક્ષતિ રક્ષિત : ),વેદોક્ત કર્મકાંડ કરવું.વેદની વિવિધ શાખાઓ જેમકે જયોતિષશાસ્ત્ર, યોગ, સંગીત, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, નૃત્ય, અર્થશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપવું. બ્રાહ્મણોએ હંમેશા આ જગતને આપ્યું જ છે કે જેમકે બ્રાહ્મણોએ વેદોનું જ્ઞાન, પુરાણો, મહાકાવ્યો, છંદો, પદો, ભજનો, સ્ત્રોતો, સ્તવનો, મંત્રો વગેરે જગતના કલ્યાણ માટે હંમેશા આપ્યા છે.
આપણા ઘરે શુભ કર્મ બ્રાહ્મણ સિવાય થાય જ નહી જેમ કે આપણા ઘરનું વાસ્તુ, નવચંડી યજ્ઞ, હોમ-હવન, રૂદ્રી,લગ્ન વિવાહ કે કંઈ પણ માંગલ્ય કર્મ બ્રાહ્મણ સિવાય શક્ય નથી.એ સિવાય પણ કોઈ સ્નેહીજનના મરણ વખતે પણ આપણે બ્રાહ્મણને બોલાવીએ છે.
બ્રાહ્મણ સંકલ્પો અને શ્લોકો દ્વારા આપણી વાત ઈશ્વર સુધી પહોંચાડે છે. આપણું તે શુભ કર્મ બ્રાહ્મણ દ્વારા જ ઈશ્વર સુધી પહોંચે છે કારણકે બ્રાહ્મણો ઈશ્વરની સૌથી નજીક હોય છે.ઈશ્વરના જે સૌથી પ્રિય છે તે બ્રાહ્મણ છે. કોઈ પણ બ્રાહ્મણને દુ:ખ પહોંચાડવું તે ઈશ્વરને દુ:ખ પહોંચાડયા બરોબર છે. શાસ્ત્ર કહે છે કે સઘળા તીર્થોનું પુણ્ય બ્રાહ્મણના ચરણકમળમાં હોય છે.
દોસ્તો.બ્રાહ્મણને ખૂબ જ માન આપજો. તમારા જીવનમાં અંધકારમાંથી અજવાળું લાવવું હોય તો બ્રાહ્મણના મહત્વને સમજજો.તેમના માર્ગદર્શન મુજબ જીવનમાં આગળ વધજો.
આ જગતના તમામ બ્રાહ્મણોને મારા સત સત નમન…
જય બહુચર માં.