એકવાર હનુમાનજી શ્રી રામનું ધ્યાન ધરીને મંદરાચલ પર્વત પર બેઠા હતા. શનિ તે વખતે અહંકારમાં મદમસ્ત થઈને ત્યાંથી નીકળ્યો. શનિને તેની શક્તિઓ પર સખત અભિમાન હતું. તેણે હનુમાનજીને કહ્યું કે હે વાનર ! આજે હું તારી સામે આવ્યો છું. તારી પર મારી સાડાસાતી શરૂ થવાની છે જેનાથી તારી સુખ શાંતિ હણાઈ જશે. હું તને સખત પીડા આપવાનો છું. શનિને એમ થયું કે આમ કહેવાથી હનુમાનજી ડરી જશે પણ તેમ થયું નહી.
શ્રી રામ ભક્ત હનુમાનજી શ્રી રામ નામમાં તલ્લીન જ રહ્યા.તેઓ જય શ્રી રામ જય શ્રી રામ એમ બોલીને ધ્યાન મગ્ન જ રહ્યા.શનિ ફરીથી સતત બોલવા લાગ્યો કે હે મૂર્ખ વાનર ! ઉભો થા.જો હું કોણ છું ? હું તને કષ્ટ આપવા આવ્યો છું.
થોડીવાર પછી શ્રી હનુમાનજીએ ધ્યાનમાંથી બહાર આવીને આંખો ખોલીને નમ્રભાવથી બોલ્યા કે હે દેવ ! આપ કોણ છો ?
શ્રી હનુમાનજીના નમ્રભાવથી શનિ વધારે ગુસ્સે થયો અને તેણે હનુમાનજીને કહ્યું “હું ત્રણે લોકને ભયભીત કરનારો શનિ છું” “સમગ્ર દેવતાગણ મારાથી ડરે છે” આજથી હું તને સાડા સાત વર્ષ સુધી કષ્ટ આપીશ.સાંભળ્યું છે કે તું પવનપુત્ર છે,બળવાન છે તો આજે મને રોકી શકતો હોય તો રોકીને બતાવ.
શ્રી હનુમાનજી બોલ્યા કે હે શનિદેવ ! આપ મને ભગવાન શ્રી રામનું ધ્યાન કરવા દો.આપની શક્તિ અને આપનું બળ બીજે કયાંક જઈને બતાવો.
શનિને આમ સાંભળીને ભયંકર ક્રોધ આવ્યો.તેણે હનુમાનજીનો ડાબો હાથ ખેંચ્યો પણ હનુમાનજીએ તરત હાથ છોડાવી દીધો. તે પછી તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને હનુમાનજીનો જમણો હાથ પકડયો તો તે પણ હનુમાનજીએ છોડાવી દીધો.
શ્રી હનુમાનજીએ ફરીથી નમ્ર ભાવે કહ્યું કે “આપ મારી સામે પરાક્રમ ના બતાવો.હું ભગવાન શ્રી રામનું ધ્યાન ધરી રહ્યો તો અને હજી પણ મારું મન શ્રી રામમાં જ લીન છે. આપ કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ નહીતર તમારું કંઈ સારું નહી થાય”.
ત્યારે શનિ એમ બોલ્યો કે અચ્છા એમ ! તને તારા બળ પર અભિમાન છે.હનુમાનજી બોલ્યા ના ! મને મારા શ્રી રામની શક્તિઓ પર ગર્વ છે.શનિએ કહ્યું કે તું તો શું ? તારો રામ પણ આવશે તો પણ મારૂં કંઈ બગાડી નહી શકે ?
શનિના આટલુ કહ્યા પછી શ્રી હનુમાનજીને જે ક્રોધ આવ્યો. તેમણે શનિને એટલો બધો માર્યો એટલો બધો માર્યો કે વાત ના પૂછો ? આટલાથી પણ હનુમાનજીનો ક્રોધ શાંત નહોતો થયો.
શ્રી હનુમાનજીએ શનિને પૂંછડીમાં લપેટીને એટલું બધું આડુઅવળુ ને ઝડપી ઉડયા કે પૂંછડીએ બંધાયેલા શનિને પહાડો, વૃક્ષો અને મોટી મોટી ભેખડો ધમધમ વાગવા લાગી. તેમણે વારંવાર શનિને પર્વતો પર પછાડયો.
શનિ ત્રાહિમામ પોકારી ગયો. તેણે સ્વર્ગના તમામ દેવી – દેવતાઓને યાદ કર્યા. અરે ! દેવતા તો શું પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તેને બચાવવા ના આવ્યા. શનિના હાલ બેહાલ થઈ ગયા.
અંતે શનિએ હનુમાનજીને ક્હ્યું કે હે શ્રી રામભક્ત હનુમાનજી ! હું ભગવાન શ્રી રામની અને આપની ક્ષમાયાચના માંગુ છું. મને માફ કરો. મને મારા અહંકારનો દંડ મળી ચૂક્યો છે. હે હનુમાનજી ! હું આજ પછી હંમેશા તમારા ચરણે રહીશ. જે કોઈ પણ તમારા ચરણોની પૂજા કરશે તેને હું કયારેય હેરાન પરેશાન નહી કરું. આપને તો ઠીક પણ આપના ભક્તોને પણ મારી સાડાસાતીની ઢૈયાની કોઈ જ અસર નહી થાય.
ત્યારબાદ હનુમાનજીએ શનિને મુક્ત કર્યો. શનિનું શરીર બેઠો માર વાગવાથી પીડા ભરેલું થઈ ગયું હતું. તેણે કેટલાય દિવસ સુધી જાતજાતના લેપ લગાડયા તોય તેને પીડામાંથી મુક્તિ મળી. તે ફરીથી હનુમાનજી પાસે આવ્યો અને શરીરે થતી પીડાનું નિવારણ પૂછયું.હનુમાનજીએ તેને સરસિયાનું તેલ લગાવવાની સલાહ આપી.
બીજી એક કથા એવી પણ છે કે જયારે રાવણે શનિને એની કેદમાં ઉંધો લટકાવી દીધો હતો ત્યારે હનુમાનજીએ શનિને રાવણની કેદમાંથી મુક્ત કરાવ્યો હતો. તે સમયે શનિએ હનુમાનજીને વચન આપ્યું હતું કે હું તમારો ઋણી છું. આપનું સ્મરણ કરનારાઓને હું કયારેય હાનિ નહી પહોંચાડું.
ત્રીજી એક કથા એવી પણ છે કે એક વખત શનિએ પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો. બધે જ દુષ્કાળ,ભૂખમરો જેવી પરિસ્થિતિ ઉભી કરી હતી જેથી પૃથ્વી પરના મનુષ્યો મૃત્યુ પામવા લાગ્યા હતા.
આ સમયે પૃથ્વી પરના અન્ય મનુષ્યોએ શ્રી હનુમાનજીની ઉપાસના કરી હતી. હનુમાનજીને પૃથ્વી પરના મનુષ્યોની પીડા સહન ના થઈ. તેઓ ગદા લઈને ક્રોધથી ભયંકર થઈને શનિને ચારે બાજુ શોધવા લાગ્યા.
શનિને જયારે ખબર પડી કે હનુમાનજી તેમને દંડ આપવા પૃથ્વી પર શોધી રહ્યા છે ત્યારે તે ગભરાઈને એકાંત જગ્યામાં સંતાઈ ગયો તેમ છતાં હનુમાનજીએ શનિને શોધી કાઢયો.
શ્રી હનુમાનજી શનિને દંડ આપવા માટે જેવા શનિની પાસે આવ્યા ત્યારે તેણે સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને હનુમાનજીના ચરણોમાં બેસી ગયા અને ક્ષમાયાચના માંગવા માંડયા. તેણે આમ એટલે કર્યુ કે એને ખબર હોતી કે હનુમાનજી બ્રહ્મચારી છે તેથી સ્ત્રી પર હાથ નહી ઉઠાવે. પછી તો શનિએ હનુમાનજીને કહ્યું કે મારી વક્ર દષ્ટિ હું પૃથ્વીવાસીઓ પરથી હટાવી લઉં છું અને આજ પછી હું હંમેશા તમારા ચરણોમાં રહીશ.આપના ચરણે જે કોઇ ભક્ત રહેશે તેની સામું હું આંખો ઉંચી કરીને જોઈશ પણ નહી.
જેની પણ શનિની મહાદશા કે શનિની સાડાસાતીની પનોતી કે અઢી વર્ષની પનોતી ચાલતી હોય ને તેણે હવે શું કરવાનું છે તે ખબર પડી ગઈ ને ?
મારું એક સંશોધન છે કે શનિ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ થી પૃથ્વીતત્વની રાશિ મકરમાં સ્વગૃહી થઈને આવ્યો છે ત્યારથી આ પૃથ્વી પર કોરોના મહામારી ઉભી થઈ હતી.
આ સમયમાં આપણે સૌએ સતત શ્રી હનુમાનજીના શરણે રહેવું જોઈએ.શ્રી હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સંકટમોચન હનુમાનષ્ટકમ, સુંદરકાંડ વગેરે પાઠ કરવા જોઈએ.
નાસે રોગ હરે સબ પીડા
જપત નિરંતર હનુમંત બલવીરા.
બોલો જય શ્રી રામ.
બોલો જય હનુમાનદાદા.
જય બહુચર માં.