28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો ક્રિષ્કિંધાના જંગલોમાં શું થયું ?

રામાયણમાં કુલ સાત કાંડ છે જેમાં બાલકાંડ,અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, ક્રિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરકાંડ વગેરે છે જે કુલ ૨૪૦૦૦ શ્લોકોમાં વર્ણવાયેલું છે.આ રામાયણ મહર્ષિ વાલ્મીકી રચિત છે.રામાયણનો અર્થ એમ થાય છે કે રામ + અયણ અર્થાત્ રામ ભગવાનની જીવની ( મુસાફરી )

રામાયણમાં વર્ણવેલ ક્રિષ્કિંધાકાંડમાં ક્રિષ્કિંધાના જંગલોમાં ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનજીનું મિલન થયું હતું.

જયારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ક્રિષ્કિંધાના જંગલોમાં સીતામાની ખોજ કરતા કરતા ઋષ્યમૂક પર્વત પાસે આવી ગયા.તે સમયે સુગ્રીવને શંકા થઈ કે શું આ બે વીર પુરષોને તેના કટ્ટર શત્રુ ભાઈ વાલિએ તો નથી મોકલ્યા ? તે માટે તેમણે હનુમાનજીને બ્રાહ્મણના વેશમાં મોકલ્યા.શ્રી હનુમાનજી સુગ્રીવના કહેવાથી પરીક્ષા કરવા તો ગયા પણ મનમાં ભગવાન શ્રી રામના દર્શનની ચાહ હતી.

શ્રી હનુમાનજીની પુષ્ટિ કર્યા બાદ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનો ભેટો સુગ્રીવ સાથે થયો.ત્યારબાદ સુગ્રીવે ભગવાન શ્રી રામને સીતામાની ખોજ માટે મદદ કરવાનું વચન આપ્યું અને સાથે બાલીના અત્યાચારની વાત પણ કરી.ભગવાન શ્રી રામે બાલિનો વધ કર્યો અને તે રાજય પર અંગદનો રાજ્યાભિષેક કરાવ્યો.

એક દિવસ એક સભા ભરવામાં આવી.જે સભામાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ શિલા પર બિરાજમાન છે. સુગ્રીવ તથા તેમના મંત્રીઓ સૌ કોઈ સભામાં હાજર છે. સમસ્ત વાનરો ત્યાં ઉપસ્થિત છે.ત્યારે સભામાં એક વાત મૂકવામાં આવી કે “સમુદ્રને પેલે પાર લંકામાં સીતા માતા સુરક્ષિત છે કે નહી” તેની ભાળ મેળવીને કોણ પાછું આવશે ?

બધા પોતપોતાની રજૂઆત કરે છે. એવામાં વાનરો “જટાયુ” ની વાત કરતા હોય છે કે જયારે રાવણ સીતા માતાનું અપહરણ કરતો હોય છે ત્યારે જટાયુ સીતા માતાને રાવણની ચુંગાલમાંથી બચાવવાનો પ્રયત્ન કરતા દેહત્યાગ કરે છે. જટાયુ ખરેખર પુણ્યશાળી છે જેણે ભગવાન રામ માટે પોતાનો દેહત્યાગ કર્યો.

આવી વાતો સાંભળતા જટાયુનો ભાઈ સંપાતિ ગુફામાંથી બહાર આવ્યો. તેણે કહ્યું કે તે ઘરડો થઈ ચૂકયો છે તેના શરીરમાં હવે પહેલા જેટલું બળ રહ્યું નથી પણ તે પોતાની દીર્ધદષ્ટિથી એમ જોઈ શકે છે સમુદ્રની પેલે પાર ત્રિકૂટ નામના પર્વત પર લંકા નગરી છે ત્યાં અશોક વાટિકામાં સીતાજી બિરાજમાન થાય છે.

ત્યારબાદ અંગદ કહે છે કે હું ત્યાં જતો તો રહું પણ પાછો આવીશ કે નહી તે વાતની હ્દયમાં શંકા છે.જાબુવંત કહે છે કે તમે બધી જ રીતે યોગ્ય છો પણ તમે વાનરોમાં મુખ્ય છો તેથી તમને કેવી રીતે મોકલી શકાય ?

એટલામાં એક નાનકડી શિલા પર સૌથી ખૂણામાં ચૂપચાપ બેઠેલા હનુમાનજી પર જાબુંવતની નજર પડે છે.

જાબુંવત હનુમાનજીને કહે છે કે હે હનુમાનજી ! તમે ચૂપ કેમ બેઠા છો ? તમે પવનના પુત્ર છો અને બળ પણ પવન જેવું છે. તમારી પાસે અખૂટ બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાન છે. દુનિયાનું કોઈ એવું કામ નથી કે જે તમારાથી ના થઈ શકે. તમારો જન્મ ભગવાન શ્રી રામના કાર્ય માટે જ થયો છે.

આટલું સાંભળતા જ હનુમાનજી એક વિશાળ પર્વત જેવું મોટુ રુપ ધરે છે. સુવર્ણ જેવો રંગ અને તેજ તો એટલું કે જાણે બીજો સુમેરું પર્વત હોય. હનુમાનજી સિંહ જેવી ગર્જના કરીને કહે છે કે “તમે બોલો હું હમણા જ આખા ખારા સમુદ્રને સૂકો કરી નાખું” અરે ! હું રાવણને મારીને એની લંકા સહિત આખો ત્રિકૂટ પર્વત ઉખાડીને અહીં શ્રી રામના ચરણોમાં લઈ આઉં. હે જાબુંવત ! તમે મને ઉચિત શિખામણ આપો કે મારે શું કરવાનું છે…

ત્યારે જાબુંવત કહે છે કે હે હનુમાનજી ! તમે સીતા માતા સુરક્ષિત છે કે કેમ એટલી ખબર લઈ આવો પછી ભગવાન શ્રી રામ સ્વ બાહુબળથી લંકાધિપતિ રાવણનો વધ કરીને સીતા માતાને લઈ આવશે.આ કાર્ય કરવામાં વાનરો તેમનો સાથ આપશે.

આ કિષ્કિન્ધાકાંડમાં જાબુંવતને હનુમાનજીને તેમની શક્તિઓ યાદ કરાવવાની એટલે જરૂર પડી કે હનુમાનજી નાના બાળક હતા ત્યારે તેમના પિતા પવન દેવના આશીર્વાદથી તેમનામાં ઉડવાની શક્તિ હતી. તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ પળવારમાં જઈ શકતા હતા.બાળક સ્વભાવે તેઓ ઘણું તોફાન કરતા હતા.ઋષિમુનિઓ અને તપસ્વીઓને હેરાન કરતા હતા.

એકવાર ભૃગુવંશના કેટલાક ઋષિઓએ હનુમાનજીને શ્રાપ આપ્યો હતો કે “તમે તમારી તમામ શક્તિઓ ભૂલી જશો અને તમને તમારી શક્તિઓ કોઈ યાદ કરાવશે તો જ યાદ આવશે” તેથી અહીં સમુદ્ર પાર કરવા માટે જાબુંવતે હનુમાનજીને તેમની શક્તિઓ યાદ કરાવવી પડી હતી.આમ જોવા જઈએ તો હનુમાનજી પણ એવું કહેતા હશે કે મારું ભૂલવું અને મને યાદ આવવું તે પણ મારા શ્રી રામની માયાથી થાય છે.

ક્રિષ્કિંધાના જંગલોમાં જે થયું તે વાતથી આપણે એમ પ્રેરણા લેવા જેવી છે કે આપણા જીવનમાં મુસીબતો બહુ મોટી હોય છે.વારંવાર ઘણા વિઘ્નો આવતા હોય છે પણ આપણે જો આપણી શક્તિઓને જાગૃત કરીએ તો દુનિયાનું કોઈ પણ કાર્ય સફળ કરી શકીએ છે.

બીજી વાત એ પ્રેરણા લેવા જેવી છે કે આપણું કંઈક સારું થવાનું હોય ત્યારે આપણે હકારાત્મક વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ અને એકલું આપણું જ નહી સામેવાળાનું પણ સારું થાય છે. જેમ કે ભગવાન શ્રી રામને સીતા માતાની શોધ માટે વાનરોનો સાથ મળ્યો અને વાનરોને સાક્ષાત્ ભગવાન શ્રી રામ મળ્યા.

જય શ્રી રામ.
જય શ્રી હનુમાન દાદા.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page