કોઈ યાદ કરે કે ના કરે હું હંમેશા તે વ્યક્તિને જરૂર યાદ કરું છું જે સમાજને કંઈક આપીને ગયા છે. શ્રી બહુચર માતાના છડીદાર શ્રી નારસંગવીર દાદાનું “ઘોડાવાળો ઘૂમતો તો” ભજનના રચયિતા બીજું કોઈ નહી પણ શ્રી રમુ ભગત છે. તેમનો સ્વર્ગવાસ ૨૭-૯-૨૦૧૨ ના ગુરુવારના રોજ થયો હતો.તેમનું આખું નામ શ્રી રમુ ભગત સનાતની હતું. તેઓ મિલમાં નોકરી કરતા હતા.તેઓ ભૂલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે રહેતા હતા. હાલ પણ તેમના પૌત્ર ત્યાં નિવાસ કરે છે.
એક વખત શ્રી રમુ દાદાએ મને કહ્યું હતું કે હું સાઈકલ લઈને મિલમાં નોકરી જતો ત્યારે ખિસ્સામાં એક ડાયરી અને પેન રાખતો હતો. મને જેવી મનમાં કંઈ લખવાની આંત:સ્ફૂરણા થાય ત્યારે હું રસ્તામાં સાઈકલ સ્ટેન્ડ પર ઉભી રાખીને પેન લઈને ડાયરીમાં લખતો હતો. આમ કરતા તેમણે બહુચર માતાના, અંબા માતાના, ખોડિયાર માતાના ઘણા ભજન કીર્તનો અને ગરબા લખ્યા હતા જેમ કે માડી રે માડી બહુચર માડી, ચોક ચુંવાળ રમવાવાળી બહુચરા, જીવન એક ગાડી ચલાવે મારા માડી, અંબા માડી રે આવો ગરબે રમવાને, ખોડીયાર ધર્યા એવા નામ આવા કેટલાય ભજન કીર્તનો તેમણે જાતે લખ્યા છે અર્થાત્ માતાની તેમની પર કૃપા રહી અને તેમનાથી લખાયા છે.
આજે બહુચર માતાના કોઈ પણ મંદિરોમાં કે આનંદના ગરબાની ધૂનોમાં નારસંગવીર દાદાનું ભજન “ઘોડાવાળો ઘૂમતો તો” ગવાય છે તે ભજનના રચયિતા સ્વ શ્રી રમુ ભગતજી છે.
શ્રી રમુ ભગત સત્સંગ મંડળ ચલાવતા હતા.તેઓ કોઈ પણ જગ્યાએ ભજન મંડળીમાં જાય કે પછી પોતાના મંડળમાં હોય કે મંદિરમાં કે સંઘમાં ભજન થતા હોય પણ જે નવો કલાકાર આવ્યો હોય તેને પહેલા કહે “ભાઈ તું ગા”… ત્યાં બેઠેલા બધા એવો આગ્રહ રાખે કે ભગત તમે ગાઓ પણ શ્રી રમુ ભગતજી એવું કહેતા નવા કલાકારોને પહેલા ગાવાનો મોકો આપવાનો. તેમનો ઉત્સાહ વધે. આ તેમના મનની બહુ મોટી મોટાઈ હતી.
શ્રી રમુ ભગતજી શ્રી બેચર ભગતજીના સંધમાં દર વર્ષે સામૈયુ કરાવવા પણ આવતા હતા. તેઓ હંમેશા મને કહે કે આજે બહુચરાજી આવ્યો છું અને કાલે અંબાજી જઈશ. જીવન આમ જ જગદંબાના શરણોમાં પૂર્ણ કરવાનું છે.
તમને કહીશ તો નવાઈ લાગશે પણ આ વાત સત્ય છે કે તેઓ એકવાર અંબાજી ગયા હતા. ત્યારબાદ તેના બે ત્રણ દિવસ પછી જ તેમનું અહીં અમદાવાદમાં નિધન થયું હતું અર્થાત્ તેઓ માતાના ચરણોમાં લીન થયા હતા.
શ્રી રમુ ભગતજીએ એકવાર એક પુસ્તક મને આપી હતી જે પુસ્તકમાં તેમના લખેલા ભજનો હતા. આ પુસ્તક તેમના કોઈ મિત્રએ છપાવી હતી. શ્રી રમુ દાદાએ મને પુસ્તક આપતા કહ્યું કે ” આ પુસ્તકની છેલ્લી કોપી તને આપું છું. આમાં મારા લખેલા ભજનો છે. તારી સગવડે તું ઘણી બધી પુસ્તકો છપાવીને બધાને વહેંચજે. આ પુસ્તક હજી પણ મારી પાસે છે અને હું બહુ જલદી આ પુસ્તકની નકલો છપાવીને બધાને વહેંચીશ”.
તમે લોકો જયારે પણ ભજન ગાઓ ત્યારે જેણે લખ્યું હોય તેને માન આપજો જેમ કે આનંદના ગરબામાં છેલ્લી કડી બોલો છો ને કે “કર દુર્લભ સુર્લભ રહું છું છેવાડો માં, કરજોડી વલ્લભ કહે ભટ્ટ મેવાડો માં”. તેમ “ધોડાવાળો ધૂમતો તો” ભજન ગાઓ ત્યારે નીચે છેલ્લી કડી ગાઈને શ્રી રમુ ભગતને યાદ કરજો કે
“તારો રમુ ગુણલા ગાતો, ઘોડાવાળો ઘૂમતો તો”
જાણો હવે પછીના આર્ટિકલમાં કે શ્રી બહુચર બાવનીના રચયિતા કોણ છે ?
જય બહુચર માં.જય નારસંગવીર દાદા.
જય બહુચર માં.