28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો ચૌલક્રિયા ( બાબરી ) કેમ ઉતારવામાં આવે છે ?

શાસ્ત્ર અનુસાર જન્મથી મૃત્યુ સુધી સોળ સંસ્કારો હોય છે જે નીચે મુજબ છે

ગર્ભાધાન સંસ્કાર

પુંસવન સંસ્કાર

સિમન્તોનયનસંસ્કાર

જાતકર્મ સંસ્કાર

નામકરણ સંસ્કાર

નિષ્ક્રમણ સંસ્કાર

અન્નપ્રાશન સંસ્કાર

ચૌલક્રિયા સંસ્કાર

કર્ણવેધ સંસ્કાર

ઉપનયન સંસ્કાર

વેદારંભ સંસ્કાર

સમાવર્તન સંસ્કાર

વિવાહ સંસ્કાર

ગૃહસ્થાશ્રમ સંસ્કાર

વાનપ્રસ્થાશ્રમ સંસ્કાર

અંત્યેષ્ઠિ સંસ્કાર

આ સોળ સંસ્કારો બાળકના જન્મ પછી અનુક્રમે કરવા જોઈએ.જેમાં ચૌલક્રિયા (બાબરી) બાળક ત્રણ અથવા પાંચ વર્ષનું થાય ત્યારે કુળદેવીના મંદિરે અથવા વર્ષોથી તમારે જે દેવીના મંદિરે બાબરી ઉતારવાનો રિવાજ હોય ત્યાં કરવી જોઈએ જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનની ચૌલક્રિયા ( બાબરી ) આરાસુરી અંબાજી મંદિરે થઈ હતી. નંદબાબા અને યશોદા માતા સાત દિવસ સુધી જવારા વાવીને અંબાજીમાં રહ્યા હતા.અહીં એક વાત નોંધ લેવી કે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી હરસિદ્ધિ માતાજી છે‌ પરંતુ તેમના પારિવારિક રિવાજ અનુસાર અંબાજીમાં બાબરી ઉતરી હતી.

બાળક ત્રણ વર્ષનું કે પાંચ વર્ષનું થાય ત્યારે તેને કુળદેવીના મંદિરે લઈ જઈ તેના માથાના વાળની એક લટ બ્રાહ્મણ દ્વારા લેવામાં આવે છે ત્યારબાદ મંદિર પરિસરની બહાર અથવા મંદિરના નજીક આવેલ માનસરોવર કે તળાવ પાસે નાઈ દ્વારા બાળકના વાળ ઉતારીને મુંડન કરવામાં આવે છે.ત્યારબાદ નાઈને તેનું મહેનતાણુ આપીને બાળકને સ્નાન કરાવીને તેને મંદિરમાં પગે લગાડવામાં માટે લઈ જવામાં આવે છે.તે સમયે બ્રાહ્મણ બાળકના મસ્તક પર સાથિયો કરે છે અને પાંચ ચાંલ્લા કરે છે. તે બાદ મંદિરમાં પાંચ અથવા તેર બ્રાહ્મણોને પોતાની શક્તિ પ્રમાણે જમાડીને દક્ષિણા આપવામાં આવે છે.

ચુંવાળ બહુચરાજી મંદિરમાં બ્રાહ્મણ દ્વારા બાળકના વાળની લટ લઈને બાળકોનું મુંડન માનસરોવર પાસે થાય છે. અહીં બ્રાહ્મણ, પટેલ, મોદી, સોની, સોલંકી તથા વિવિધ સમાજના લોકો બાળકોની બાબરી ઉતારવા માટે આવે છે.

ચૌલકર્મ સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે કરવું જોઈએ. ચૌલક્રિયાનું કર્મ કરવાથી કુળદેવીના આશીર્વાદથી બાળકનું આરોગ્ય હંમેશા તંદુરસ્ત રહે છે.

ચૌલક્રિયા કરવાનું વૈજ્ઞાનિક મહત્વ એમ છે કે બાળક જયારે જન્મ લે છે ત્યારે તેના માથે આછા વાળ હોય છે.તે વાળમાં બેકટેરિયા ચોંટેલા હોય છે માટે તે બાળકના વાળ કાપી નાખવા જોઈએ. આમ જોવા જઈએ તો જે વૈજ્ઞાનિક થયા હશે તેમની પણ ચૌલક્રિયા થઈ જ હશે.

ચૌલક્રિયે બાબતે મારે મન ઉદભવતો કંઈક તર્ક આમ છે કે આપણા વાળ આપણા મસ્તકની શોભા વધારે છે. આપણે નાના બાળક હોઈએ ત્યારે આપણા માતા-પિતા આપણી આ શોભા કુળદેવીના ચરણોમાં અર્પણ કરે છે અને કુળદેવીને પ્રાર્થના કરે છે કે અમારા બાળકની શોભા (લાજ) ને હંમેશા જાળવી રાખીને તેનું રક્ષણ કરજે.

તમે સમજી ગયા ને કે ચૌલક્રિયા (બાબરી) કેમ ઉતારવામાં આવે છે ? બીજા પણ વાંચીને ચૌલક્રિયાનું મહત્વ જાણે તે માટે આ આર્ટિકલની લિંક શેર કરો.

જય બહુચર માં

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page