29 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો તંત્રની દ્વિતીય મહાવિદ્યા – તારા વિશે.

તંત્રની દ્વિતીય મહાવિદ્યા તારા ઉપલક દષ્ટિએ કાલી સમાન છે. કાલી અને તારામાં માત્ર નામ અને કાર્યનો તફાવત છે.

સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા જે અંધકાર હતો તે સમયે એક કાળા બિંદુમાંથી એક પ્રજવલિત બિંદુ પ્રકાશિત થયું તે “તારા” છે.

બ્રહ્માંડમાં જેટલા ધબકતા પિંડ છે તેની સ્વામિની “તારા” છે. સૂર્યમાં જે પ્રખર પ્રકાશ છે તેને નીલગ્રીવ કહેવાય છે. આ નીલગ્રીવ બીજુ કોઈ નહી પણ “તારા” છે. સૃષ્ટિની ઉત્પત્તિ સમયે પ્રકાશ રૂપે જે પ્રગટ થઈ તે તારા છે.

તંત્રશાસ્ત્ર અનુસાર સમુદ્રમંથન સમયે કાલકૂટ નામનું હળાહળ વિષ નીકળ્યું તે વિષને શિવજીએ સમગ્ર લોકની રક્ષા માટે પી લીધું. શિવજીએ તે વિષને તેમના કંઠમાં ધારણ કર્યું તેથી તેમનો કંઠ નીલો થઈ ગયો.

આદિ પરાશક્તિએ ભગવાન શિવને મૂર્છિત થતા જોયા તે સમયે દેવીએ શિવની નાસિકા દ્વારા શિવના શરીરમાં પ્રવેશીને તેમના દૂધથી વિષને પ્રભાવહીન કરી દીધું પરંતુ હળાહળ વિષથી દેવીના વદનનો વર્ણ નીલો પડી ગયો તેથી શિવજીએ દેવીને મહાનીલા તરીકે સંબોધિત કર્યા.

આ મહાનીલા સૃષ્ટિની ઉત્પત્તિ સમયે સાકાર રૂપે પ્રગટ થઈ જે નીલ સરસ્વતી અર્થાત્ તારા કહેવાઈ.

શક્તાગમ પ્રમાણે બ્રહ્માએ વિષ્ણુને પૂછયું કે કઈ વિદ્યાની આરાધનાથી ચાર વેદોની રચના થશે ત્યારે વિષ્ણુએ શિવને પૂછયું. શિવે “નીલ સરસ્વતી-તારા” નું નામ જણાવ્યું.

દેવી ભાગવત પુરાણ અનુસાર મેરુ પર્વત પર ભગવાન શિવ ત્રણ યુગો સુધી તપ કરતા રહ્યા તેના ઉર્ધ્વ મુખમાંથી વિષ્ણુની તેજો રાશિ નિકળી ચૌલહદમાં પડયો તેનાથી તે સરોવર નીલવર્ણનું થયું.તે તેજ નીલસરસ્વતીના નામે પ્રસિદ્ધ થયું. આ દેવી પ્રલય સમયે મહોગ્રતારા નામે પ્રગટયા. મૂળ સરસ્વતી સ્વરૂપિણી આ દેવી ભક્તોને ઉગ્ર આપત્તિમાંથી તારે છે. માટે “ઉગ્રતારા” કહેવાય છે.

દેવી તારા શબ પર આરૂઢ છે. દેવીની ચાર ભુજાઓમાં ખડ્ગ, કમળ, કત્રી અને ખોપરી ધારણ કરેલ છે. તેમનું કદ નાનું છે. તે સર્પોથી જટાજૂટ બાંધે છે. જગતની જડતાનો નાશ કરે છે. જળ પ્રલય સમયે તારાનું સ્તવન કરવું જોઈએ.

દેવી તારાની એક રાત્રિની ઉપાસનાથી પણ તે શીધ્રફલદાયિની બને છે. દેવી તારા વાકસિદ્ધિ અર્પે છે. ઉગ્ર સંકટ અને વિપત્તિ સમયે રક્ષણ કરે છે.

દેવી તારા કાલીની જેમ જ ઉત્તર દિશા પર આધિપત્ય ધરાવે છે.

તારાના મુખ્ય ત્રણ નામો છે.
૧ ) ઉગ્રતારા
૨ ) એકજટા
૩ ) નીલ સરસ્વતી.

તારાની આરાધના સર્વપ્રથમ મહર્ષિ વશિષ્ઠે કરી હતી.

પશ્વિમ બંગાળના વીરભૂમિ જિલ્લામાં સતીના નયનચક્ષુ પડયા હતા તે સ્થાનને “નયન તારા” અથવા “તારા પીઠ” કહેવાય છે. હિમાલયના શિમલામાં પણ દેવી તારાનું એક પ્રાચીન મંદિર છે.

ગુરુ ડૂબતા શિષ્યને તારે છે તેથી જન્મકુંડળીના ગુરુને બળવાન કરવા માટે તંત્રના સાધક તારિણી “તારા” ની ઉપાસના કરતા હોય છે.

તારાના બીજ મંત્રનો જાપ ગુરુ દીક્ષા વગર કરી શકાય નહી તેથી અહીં લખવો હિતાવહ નથી.

તારાની ઉપાસના કરનારને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે.

તારાની ઉપાસના તંત્રમાર્ગમાં વામમાર્ગી તંત્ર જાણનાર વધુ કરતા જોવા મળે છે. (વામમાર્ગી એટલે પાંચ પ્રકારના “મ” ને સ્વીકારનારા )

તારાનો સાધક તારાનો મંત્રોચ્ચાર અને સ્તોત્ર “વીરભાવ” થી ઉંચા સ્વરે કરે છે.

તારાની કૃપાથી સાધક લલિતકળાઓમાં નિપૂર્ણ થાય છે.

તારાના સાધકને અત્યંત ભ્રમ થાય છે.તારાની સાધના કરનારને કયારેક વૈરાગ્યનો ભાવ જાગે છે તો કયારેક ભોગનો ! જયારે સાધક તારાની આ પરીક્ષામાં ઉતીર્ણ થાય છે ત્યારે તેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

અક્ષરની છેક ઉંડે “તારા” છે, ભવસાગરને તારવાવાળી “તારા” છે, દેવી વાધાંબર વસ્ત્ર ધારણ કરતી, નાગોના હાર ધારણ કરનારી અને કંકાણોથી ઘેરાયેલી નીલવર્ણવાળી સવિત્ર્ગાનિ (સૂર્યોના પ્રકાશ ઉત્પન્ન કરનારી ) મહાશક્તિશાળી “તારા” ને નત મસ્તક નમસ્કાર છે.

જય માઁ તારા

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page