શક્તિના બે ક્રમ છે. એક દુર્ગાક્રમ છે અને એક મહાવિદ્યા ક્રમ છે.
➼ દુર્ગા ક્રમમાં ત્રણ મુખ્ય શક્તિ છે.
૧) મહાસરસ્વતી
૨) મહાલક્ષ્મી
૩) મહાકાલી
➼ મહાવિદ્યામાં દસ મુખ્ય શક્તિ છે.
૧ ) કાલી
૨ ) તારા
૩ ) ષોડશી ( ત્રિપુરસુંદરી )
૪ ) ભૂવનેશ્વરી
પ ) ત્રિપુર ભૈરવી
૬ ) છિન્નમસ્તા
૭ ) ધૂમાવતી
૮ ) બગલામુખી
૯ ) માતંગી
૧૦ ) કમલા
➼ નવરાત્રી ચાર હોય છે.
૧ ) મહા
૨ ) અષાઢ
૩ ) ચૈત્ર
૪ ) આસો
⦿ આ ચાર નવરાત્રીમાં બે નવરાત્રી ગુપ્ત હોય છે જેમ કે મહા અને અષાઢ.ગુપ્ત એટલે ગુપ્ત અનુષ્ઠાન કરવાની નવરાત્રી.
➼ દુર્ગા ક્રમના સાધકો ચાર નવરાત્રિમાં અનુક્રમે ચાર શક્તિની ઉપાસના કરે છે જેમ કે
૧ ) મહા નવરાત્રી – મહાસરસ્વતી
૨ ) અષાઢ નવરાત્રી – મહાલક્ષ્મી
૩) ચૈત્રી નવરાત્રી – મહાકાલી
૪ ) આસો નવરાત્રી – નવદુર્ગા
⦿ મહાવિદ્યાના ક્રમના સાધકો ચાર નવરાત્રિમાં અનુક્રમે ચાર શક્તિની ઉપાસના કરે છે જેમ કે
૧ ) મહા નવરાત્રી – માતંગી
૨ ) અષાઢ નવરાત્રી – વારાહી
૩) ચૈત્રી નવરાત્રી – બાલા ત્રિપુરાસુંદરી
૪ ) આસો નવરાત્રી – રાજરાજેશ્વરી મહા ત્રિપુરસુંદરી
દુર્ગા ક્રમમાં મંત્ર દીક્ષાની જરુર નથી.શક્તિના સાધકને શક્તિની જેવી રીતે ઉપાસના કરતા આવડે છે તે પ્રમાણે કરે છે.મહાવિદ્યા ક્રમમાં સાધક ગુરુ દ્વારા મંત્ર દીક્ષાની પ્રાપ્તિ કરે છે અને ગુરુ આદેશ મુજબ શક્તિની ઉપાસના કરતા શીખે છે.
દેવી ભાગવત પુરાણ અનુસર દુર્ગા ક્રમમાં દુર્ગા સપ્તશતી ચંડીપાઠ,દેવી અથર્વશીર્ષ,દેવી કવચ,દેવી સૂકતમ,અર્ગલા સ્તોત્ર વગેરે જેવા દેવીના પાઠ કરી શકાય છે. નર્વાણ મંત્ર ઐ હ્રીં કલીં ચામુંડાયે વિચ્ચૈ :। ની માળા કરી શકાય છે.
મહાવિદ્યાના ક્રમમાં કાલી કુલ અને શ્રી કુલ એમ બંને છે. આ બંને કુલના સાધકો જે પાઠ કરે છે તે અહીં લખી શકાય એમ નથી કારણકે આ વિદ્યાના પાઠ સામાન્ય માણસ માટે નથી અર્થાત્ ગુરુ દીક્ષા વગર કરી શકાય નહી.
આ પૃથ્વી પરનો દરેક મનુષ્ય જગદંબાનો બાળક છે. માઁ નો આ બાળક જેવી પણ રીતે આવડે તેવી રીતે શક્તિની ઉપાસના કરે છે તો તે આપોઆપ શક્તિનો સાધક થઈ જાય છે.
એકદમ સરળ રીતે સમજાવું તો સમજો કે તમારા કુળદેવી ઉમિયા માતા છે તો રોજ સવારે ઉમિયા ચાલીસા કરો કે ઉમિયા બાવની કરો અથવા ઉમિયા માતાના જાપ પણ કરો તોય તમે આપોઆપ શક્તિના સાધક થઈ જાઓ છો.તમે આ રીતે જાણતા અજાણતા દુર્ગા ક્રમમાં આવી જાઓ છો.
દેવી ભાગવત પુરાણ અનુસાર કોઈએ કેટલાય જન્મો દેવોની ઉપાસના કરી હોય ત્યારે આ જન્મમાં તે શક્તિની ઉપાસના કરવા પ્રેરાય છે.
બ્રહ્માંડ પુરાણ અનુસાર વિષ્ણુના એક હજાર નામ બરોબર શિવનું એક નામ છે અને શિવના એક હજાર નામ બરોબર શક્તિનું એક નામ છે.
મહા નવરાત્રી એ મહાસરસ્વતીની ઉપાસના કરવાનું પર્વ છે.તમે જોજો મહા નવરાત્રીના પાંચમા નોરતે વસંત પંચમી આવશે અર્થાત્ વસંત પંચમીએ મહાસરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો હતો.
આજથી શરૂ થતા મહા નવરાત્રીમાં આપ સૌ દેવીની યથાયોગ્ય પૂજા, પાઠ, જપ, તપ આરાધના કરીને, કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા યજ્ઞાદિ કર્મ કરીને દેવીની કૃપા પ્રાપ્ત કરી શકો છો.
સમીક્ષા – શક્તિનો સાધક કોઈ પણ ક્રમનો હોય એ ચાહે દુર્ગા ક્રમનો હોય કે મહાવિદ્યા ક્રમનો એ સૌથી પહેલા જગદંબાનો બાળક છે અર્થાત્ જગદંબાના સાધકે માઁ ની કૃપા પ્રાપ્ત કરવા “બાળક” ભાવે માઁ ની આરાધના કરવી જોઈએ.
જય બહુચર માઁ.