“હું તને ખૂબ પ્રેમ કરું છું” આ વાક્ય શ્રી કૃષ્ણના હ્દયમાં નાનપણથી જ હતું. શ્રી કૃષ્ણની માતા યશોદા તેમના તોફાનોથી ઘણી હેરાન પરેશાન થઈ જતી હતી ત્યારે માતા તેમને શિક્ષા કરવા આવતી તે વખતે કાન્હો તેની સામે પ્રેમથી જોતો અને મલકાઈને કહી દેતો કે હે માં ! “હું તને ખૂબ પ્રેમ કરું છું”. કાન્હાના આ લાગણીસભર શબ્દો અને પ્રેમથી માતા પીગળી જતી અને કાન્હાનું કામ થઈ જતું.
ગોકુળની ગોપીઓ રીસાઈ જતી અને રાધા કયારેક રૂઠી જતી ત્યારે પણ આ જ વાક્યના મીઠા બોલ કેશવના મુખ કમળમાંથી નીકળતા કે “હું તમને ખૂબ પ્રેમ કરું છું”.
કાન્હો વૃંદાવનમા ગાયો ચરાવવા જાય ત્યારે દરેક વૃક્ષને કહેતા કે “હું તમને ખૂબ પ્રેમ કરું છું”. ગોકુળની ગાયોને એટલો પ્રેમ અને વ્હાલ કરતા કે ગાયો પણ કૃષ્ણ ઘેલી હતી. એકવાર નંદગોપાલ સાથે ચરવા આવેલી ગાય બીજી વાર નંદગોપાલ સિવાય કોઈની સાથે ચરવા જતી નહી.
એવું નથી કે અહીંયા માધવ સર્વને પ્રેમ કરું છું કહીને માખણ લગાવે છે પરંતુ તે સૌના પ્રત્યે નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમની અભિવ્યકિત વ્યકત કરે છે.
ક્રિશ્ના સૌને પ્રેમ કરી શકે છે,પ્રેમ વહેંચી શકે છે, પ્રેમની અનુભૂતિ કરાવી શકે છે એનું કારણ એટલું જ છે કે તે સૌથી પહેલા સ્વયંને પ્રેમ કરે છે.એ થોડો ઘઉંવર્ણો હતો તેથી તેને સૌએ “શ્યામ” કીધો તો તેમણે “શ્યામ” શબ્દને હસતે મુખે સ્વીકાર્યો.
એ માખણ લૂંટતો હતો ખરા પણ બધુ માખણ લૂંટીને પોતાના મિત્રોને ખવડાવતો હતો આ માટે સૌએ તેને “માખણચોર” નામથી પોકાર્યો તોય એણે જરાય માઠુ લગાડયું નહી.
કાલયવન યુદ્ધમાં મરી શકે તેમ નહોતો તેથી તે રણ છોડીને ભાગી ગયા તેથી “રણછોડ” નામ મળ્યું તેને પણ તેમણે હકારાત્મક રીતે સ્વીકાર્યુ.
કૌરવોના મૃત્યુ પછી ગાંધારીએ શ્રાપ આપ્યો તે પણ તેમણે સહજતાથી સ્વીકાર્યો તેથી હું એવું માનું છું કે જેનામાં સમગ્ર સ્વીકારવાની શકિત છે તે પ્રેમ છે અને તે પ્રેમ “શ્રી કૃષ્ણ” છે.
જે પ્રેમ કરે છે તે માફ કરી શકે છે,સઘળું સ્વીકારી શકે છે, તેની ભાવના બદલાની કયારેય નથી હોતી,પ્રેમમાં ત્યાગ છે, સમર્પણ છે,કોઈના માટે કંઇક કરી છૂટવાનો ભાવ છે,જયાં આપવાનો જ પ્રસ્તાવ છે,સઘળુ સ્વીકારી શકે એવો જ એનો સ્વભાવ છે તે હકીકતમાં પ્રેમ નામનો પરમાત્મા “શ્રી કૃષ્ણ” છે.
આપણે સામાન્ય મનુષ્યો “શ્રી કૃષ્ણ” સમોવડા કયારેય પણ ના બની શકીએ પણ “શ્રી કૃષ્ણ”ને અનુસરી તો ખરી ને ? જગતમાં પ્રેમ વહેંચી શકીએ, કોઈ કંઈ પણ કહે તો પ્રેમથી સ્વીકારી શકીએ.
આવો દ્વારકાધીશના થોડા ઘણા ગુણોને આપણામાં ઉતારીએ, આપણે પણ કોઈનામાં રહેલા સદગુણોને શોધીએ,ચલો આજે આપણી અંદર રહેલા પ્રેમ નામના પરમાત્મા “શ્રી કૃષ્ણ” ને શોધીએ.
જય શ્રી કૃષ્ણ.
જય બહુચર માં.