બાલા ત્રિપુરા સુંદરી માઁ આદિપરાશક્તિનું નવ વર્ષનું બાળ સ્વરુપ છે. જેઓ કમળ જેવા સુંદર આસન પર બિરાજે છે. તેમની ચાર ભુજાઓમાં પ્રથમ ભુજામાં અક્ષમાળા છે, દ્વિતીય ભુજામાં વેદ છે. તૃતીય ભુજા અભયમુદ્રામાં છે અને ચતુર્થ ભુજા વરમુદ્રામાં છે. જેઓ મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે.
“બાલા” એટલે બળ અને બુદ્વિ બંને આપનારી દેવી.
“ત્રિપુરા” એટલે ત્રણ પુરીની અધિષ્ઠાત્રી. તમને પ્રશ્ન થશે કે આ ત્રણ પુરી કઈ છે ? સ્વર્ગપુરી, મૃત્યુપુરી અને પાતાળપુરી.
“સુંદરી” એટલે જે ત્રણે લોકમાં સુંદર છે તે ત્રૈલોક્ય સુંદરી.
નારદસંહિતા અનુસાર “વેદ, ધર્મ-શાસ્ત્ર, પુરાણ, પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં એક “પરમેશ્વરી” નું વર્ણન છે જેના નામ ભિન્ન હોઈ શકે છે પણ તે મહાશક્તિ એક છે તેનું નાનકડું બાળ સ્વરુપ “બાલા” છે.
કાલિકા પુરાણ અનુસાર જગતની જે વસ્તુઓ ત્રિવર્ગાત્મક છે જેમ કે ત્રણ લોક, ત્રણ દેવ, ત્રણ દેવી, ત્રણ અગ્નિ, ત્રણ વેદ એમ ત્રણ ત્રણ વસ્તુઓનો યોગ ઘડનાર આદિ અનાદિ શક્તિ “ત્રિપુરા” છે તે આ સર્વને ઉત્પન્ન કરનારી છે.
લલિતા સહસ્ત્રનામ ગ્રંથ અનુસાર “ત્રિપુરા ત્રિજગદવિધા ત્રિમૂર્તિસ્ત્રિદશેશ્વરિ”
અર્થાત્ વિશ્વની ત્રણ પ્રધાન શક્તિ શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી, શ્રી મહાસરસ્વતી અથવા ત્રણ પ્રધાન દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કરતાં પણ પરબ્રહ્મસ્વરૂપ એટલે કે સર્વસ્વરૂપ શ્રી વિશ્વેશ્વરી આદિ છે. આ જગદંબા આદિ સ્વરુપ “ત્રિપુરા” છે જે યુવા સ્વરુપે લલિતા સુંદરી અને બાળ સ્વરુપે બાલા સુંદરી છે. અહીં આ નામ શ્રી હયગ્રીવ ભગવાને (વિષ્ણુ ભગવાન નો ચોથો અવતાર) અહી બતાવ્યું છે.
ત્રિપુરાણેવ” ગ્રંથ અનુસાર સુષુમ્ણા, પિંગલા તથા ઈડા એમ ત્રણ નાડી અને મન, બુદ્ધિ તથા ચિત્ત એમ ત્રણ નગર જેમાં પ્રાણરુપે જે વસે છે એટલે કે આત્મારુપે જે વ્યાપ્ત છે તે “ત્રિપુરા” છે.
આદિગુરુ શંકરાચાર્ય અનુસાર “તત્વત્રયેણાભાદિ”
“તત્વત્રયેણાભાદિ” સૂત્ર નો અર્થ એમ થાય છે કે “એક જ બ્રહ્મ ત્રણ તત્વ (આત્મતત્વ, વિધ્યાતત્વ તથા શિવતત્વ ) થી ત્રણ પ્રકારના ભેદને પામ્યું છે એટલે ત્રણે તત્વની પહેલા જે બ્રહ્મ તત્વ છે એ “ત્રિપુરા”. આ સૂત્ર નું ભાષ્ય કરીએ તો ત્રણ ગુણ (સત્વ, રજસ્ તથા તામસ્) થી પણ પર એટલે “ત્રિપુરા” કહેવાય.
‣ બાલાનો બીજ મંત્ર ત્ર્યક્ષરી છે અર્થાત્ ત્રણ અક્ષરનો છે.
ઐં કલીં સૌ: ।
ઐં – જ્ઞાન શક્તિ
કલીં ‐ ઈચ્છા શક્તિ
સૌ: – સૌભાગ્યદાયક શક્તિ અર્થાત્ સર્વ સિદ્ધિદાયક શક્તિ
શ્રી વલ્લભ ભટ્ટજી આનંદના ગરબામાં વર્ણવે છે કે
નવખંડ ન્યારી નેટ નજર વજર પેઠી માઁ,
ત્રણેય ગામ તરભેટ ઠેઠ્ય અડી બેઠી માઁ.
આ ત્રણેય ગામ કયા કયા ?
૧ ) કાલરી ૨ ) ડેડાણા ૩ ) બેચર
‣ આ ત્રણેય ગામની સરહદને અડીને બાલા મધ્યે બિરાજે છે.
ચુંવાળ બહુચરાજી શક્તિપીઠમાં બાલા ના ત્રણ સ્થાન
આદ્ય સ્થાન (બાલા સ્વરુપ ) (વરખડી વાળું)
મધ્ય સ્થાન (કુમારિકા સ્વરુપ) (વરખડીને અડીને બાજુમાં છે તે)
મુખ્ય સ્થાન (પ્રૌઢા સ્વરુપ) (લાઈનમાં ઉભા રહીને દર્શન કરીએ છે તે)
બાલા ત્રિપુરા સુંદરીનું વર્ણન બુદ્ધિ, શક્તિ અને સમજણ એમ ત્રણ ગુણો તે આપે તોય કરી શકું એમ નથી છતાંય આ બાળકના મનનો ભાવ જાણીને આપ સૌને બાલા ત્રિપુરા સુંદરીની સુંદર વાતો કહી શકું તે માટે નાનકડો પ્રયાસ કર્યો છે.
જય બહુચર માઁ.