“આનંદ કાનન” નો અર્થ “આનંદ નામનું વન (કાનન) ”થાય છે.જેના શ્રવણ માત્રથી આનંદ થાય તે વન એટલે “આનંદ કાનન”. આ આનંદ કાનન શિવનું પ્રિય સ્થળ “કાશી” છે.
આ સંદર્ભે શાસ્ત્રમાં એક શ્લોક મળી આવે છે કે
સાનન્દમાન્દવને વસન્તમાનન્દકન્દં હતપાપવૃન્દમ્ ।
વારાણસીનાથમનાથં શ્રી વિશ્વનાથ શરણં પ્રપદ્યૈ ।।
અર્થાત્ આનંદવનમાં આનંદ સાથે વસતા,આનંદનું મૂળ એવા પાપોના સમૂહનો વિનાશ કરનારા અને અનાથના નાથ એવા કાશીપતિ શ્રી વિશ્વનાથને હું શરણે જાઉં છું.
શિવમહાપુરાણ અનુસાર એકવાર પાર્વતીજીએ શિવજીને પૂછયું કે આપને કઈ રાત્રિ વધુ પ્રિય છે ? ત્યારે શિવજી સ્વયં બોલ્યા કે “મહાશિવરાત્રી”. આગળ પાર્વતીજી અન્ય એક પ્રશ્ન પૂછે છે કે તમને સૌથી વધારે કયું સ્થળ પ્રિય છે ? ત્યારે શિવજી બોલ્યા કે “કાશી મને અતિપ્રિય છે”. જયારે હું પૃથ્વીનો પ્રલય કરીશ ત્યારે “કાશી”ને હું મારા ત્રિશૂળ પર ટેકવીને સુરક્ષિત રાખીશ.હવે પૂછો “કાશી” કેમ ?? તો શિવજી અને પાર્વતીજીએ લગ્ન પછીના કેટલાક વર્ષો “કાશી”માં વિતાવ્યા હતા.
શિવમહાપુરાણમાં “કાશી – અવિમુકત ક્ષેત્ર” છે તેમ સ્પષ્ટ વર્ણન મળે છે.
ઈચ્છા અનુસાર ભોજન,શયન, ક્રીડા તથા વિવિધ કર્મોનું અનુષ્ઠાન કરતા કરતા પણ જો કોઈ મનુષ્ય આ અવિમુક્ત ક્ષેત્રમાં પ્રાણ ત્યાગ કરે છે તો તેને મોક્ષ મળે છે.જેમના ચિત્ત વિષયોમાં આસક્ત છે અને ધર્મમાં રૂચિ છોડી દીધી છે તે આ ક્ષેત્રમાં મૃત્યુ પામે છતાં પણ તે પુન:સંસાર બંધનમાં પડતો નથી અર્થાત્ તેને મોક્ષ મળી જાય છે. કોઈપણ જીવને મૃત્યુકાળે આ ક્ષેત્ર પ્રાપ્ત થાય તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ પંચકોશી કાશી નગરી કલ્યાણદાયિની, કર્મ બંધનનો નાશ કરનારી, જ્ઞાનદાત્રી અને મોક્ષદાયિની છે તેથી મને અતિપ્રિય છે તેવું શિવ સ્વયં પોતે શિવમહાપુરાણમાં કહે છે. અહીં પરમાત્માએ સ્વયં ” અવિમુક્ત” લિંગની સ્થાપના કરી છે.
ધર્મનો સાર સત્ય છે,મોક્ષનો સાર સમતા છે અને સમસ્ત તીર્થોનો સાર “કાશી” છે જે અવિમુક્ત છે.અવિમુક્ત એટલે કોઈ પણ જીવને કોઈ પણ અવસ્થામાં મુક્તિ મળી શકે છે.
જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે ત્યારે પ્રલય થાય છે તે સમયે સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ જાય છે પરંતુ કાશી નગરીનો ક્યારે નાશ થતો નથી.ભગવાન શિવ કાશીને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લે છે.જયારે બ્રહ્મા ફરીથી પુન:સૃષ્ટિ રચે છે ત્યારે શિવ કાશી નગરીને આ ભૂતલ પર ફરી સ્થાપિત કરી દે છે.
કર્મનું કર્ષણ કરતી હોવાથી આ નગરીને કાશી કહે છે. કાશીમાં અવિમુક્તેશ્વર જયોર્તિલિંગ સદાય રહે છે જે મોક્ષ પ્રદાન કરનારું છે.
શિવ બોલ્યા હે પાર્વતી ! મને કાશીમાં નિવાસ કરવાનું ખૂબ ગમે છે. મને અહીં આ ક્ષેત્રમાં આ વનમાં અત્યંત આનંદ થાય છે તેથી હું બધુ છોડીને કાશીમાં રહું છું.
સ્કંદ મહાપુરાણમાં કાશીખંડ નામથી એક વિસ્તૃત ખંડ આલેખાયો છે.આ નગરીના બાર પ્રસિદ્ધ નામ- કાશી, વારાણસી, અવિમુક્ત ક્ષેત્ર, આનંદકાનન, મહાશ્મશાન, રુદ્રાવાસ,કાશિકા,તપ:સ્થલી, મુક્તિભૂમિ,શિવપુરી, ત્રિપુરારિરાજનગરી અને વિશ્વનાથનગરી છે.
બોલો કાશીપતિ વિશ્વનાથની જય.
જય બહુચર માઁ.