રાધાકૃષ્ણ એટલે પ્રેમ.જે પ્રેમ સ્વાર્થ વગરનો,સમર્પણથી ભરેલો અને અતૂટ બંધનનો છે એ પ્રેમ એટલે રાધાકૃષ્ણ.
દુનિયાના બધા પ્રેમીઓના લિસ્ટ ગણાવું તો હીર-રાંજાનો પ્રેમ,લેલા-મજનૂનો પ્રેમ, શીરી-ફરહાદનો પ્રેમ પણ આ બધાથી ઉપર જો કોઇ પ્રેમનું ઉદાહરણ છે તો એ રાધાકૃષ્ણનો પ્રેમ છે જે અમર છે.
જયારે કંસનો વધ કરવા માટે શ્રી કૃષ્ણને અક્રૂરજી ગોકુળ લેવા આવે છે ત્યારે સૌ ગોકુળવાસીઓને એમ હોય છે કે શ્રીકૃષ્ણ મથુરાથી તરત પાછો આવશે પણ એકલી રાધા જ જાણતી હોય છે કે “મારો કાન્હો હવે પાછો નથી આવવાનો”. રથ યમુના નદીના કિનારેથી પસાર થાય છે અને કૃષ્ણ અક્રૂરજીને કહે છે કે “રથ થોભો”.
શ્રી કૃષ્ણ રથમાં ઉતરીને યમુના કિનારે બેઠેલી રાધાને મળવા જાય છે ત્યારે કૃષ્ણ રાધાને પૂછે છે કે “રાધા, તને જ ખબર છે કે હું હવે પાછો નથી આવવાનો પણ તું આજે બોલ કે હું તારા માટે શું કરી શકું ? તું કહે એ આપું તને ! રાધા કહે છે કે ના કાન્હા,આજે તું માંગ ! હું તને તું માંગે એ આપવા માંગુ છું ત્યારે કૃષ્ણ કહે છે કે તું મને વચન આપ કે આપણી જોડે જે રમતો હતો એ અભિમન્યુ સાથે તું પરણી જઈશ, મારી માઁ યશોદા અને પિતા નંદબાબાનું ધ્યાન રાખીશ તથા હંમેશા ખુશ રહીશ.
રાધા કૃષ્ણને કહે છે કે બસ આટલું જ ! હજી વધારે માંગ. ત્યારે કૃષ્ણ કહે છે કે હા. આટલું જ ! રાધા કૃષ્ણએ માંગ્યું એ બધુય વચન આપે છે. હવે કૃષ્ણ કહે છે કે હે રાધા ! તું બોલ હું તને શું આપી શકું ? ત્યારે રાધા કહે છે કે “તારી વાંસળી મને આપી દે” ત્યારે કૃષ્ણ ખિલખિલાટ હસે છે અને કહે છે કે રાધા આ વાંસળીનું તું શું કરીશ ? કંઈ નહી ને તે આ વાંસળી માંગી ? તારા માટે આ વાંસળી એવું તો શું મહત્વ ધરાવે છે.
ત્યારે રાધા થોડો પ્રેમભર્યો ગુસ્સો કરીને કહે છે કે “હે કૃષ્ણ ! મેં તને કીધું ને કે આ વાંસળી તું મને આપી દે. કૃષ્ણ ફરીથી કારણ પૂછે છે પણ વાંસળી જ કેમ ? ત્યારે રાધા ડૂમાભર્યા સ્વરથી કહે છે કે કારણકે આજ પછી આ વાંસળીના સૂર સાંભળીને તારી બીજી કોઈ “રાધા” ના બને.
હ્દય કંપી ઉઠયું ને ? આ રાધાકૃષ્ણનો પ્રેમ છે કદાચ હું ગોકુળની ગલીઓ ફરું કે વૃંદાવનની શેરીઓ ભટકું કે રાત દિવસ યમુના કિનારે બેસી રહું છતાં આ પ્રેમને રતિભાર જેટલો પણ મારા શબ્દો વર્ણવી ના શકું કારણકે આ પ્રેમ વર્ણવી શકાય એમ નથી પણ અનુભવી શકાય એવો છે.રાધાકૃષ્ણ એક છે જેને છૂટા પાડીને મારે બે નથી કરવા તેથી અહીં મારાથી એટલું જ લખાય છે કે પ્રેમ એટલે રાધાકૃષ્ણ.રાધાકૃષ્ણ. રાધાકૃષ્ણ. રાધાકૃષ્ણ.
જય બહુચર માઁ.