શિવ મહાપુરાણના વિદ્યેશ્વરસંહિતા નામના ખંડમાં રુદ્રાક્ષ ધારણના મહિમા વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે.
શિવ પાર્વતીને રુદ્રાક્ષના મહત્વ વિશે કહે છે કે હે પાર્વતી ! હું મનને તપસ્યામાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ધ્યાનમગ્ન હતો. એક સમયે મારું મન ક્ષુબ્ધ થઈ ગયું હતું.
હે પરમેશ્વરી ! હું સર્વલોક પર ઉપકાર કરનાર પરમેશ્વર છું તેથી મેં લીલાવશ મારા બંને નેત્રો ખોલ્યા. આ નેત્રોમાંથી મનોહર જળ બિંદુ સરી પડયા. તે રુદ્રાક્ષ કહેવાયા અને તે બિંદુઓમાંથી જે વૃક્ષ બન્યું તે રુદ્રાક્ષ નું વૃક્ષ ગણાયું.
મેં મારા ભક્તો પર દયાભાવ રાખવા રૂદ્રાક્ષ વિષ્ણુભક્તોને તથા ચારે વર્ણમાં વહેંચી દીધા. પૃથ્વી પર મારા પ્રિય રુદ્રાક્ષને મેં ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યા.પૃથ્વી પર મથુરા,અયોધ્યા,લંકા,મલયાચલ,સહ્યગિરિ,કાશી તથા બીજા અન્ય સ્થળો પર રુદ્રાક્ષના વૃક્ષ થયા.
શિવજીએ આગળ કહ્યું હે પાર્વતી ! રુદ્રાક્ષ પાપોનું ભેદન કરનાર છે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા તમામે રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.રુદ્રાક્ષ અનિષ્ટોનું ભેદન કરે છે. સુખ સમૃદ્ધિમાં વધાારો કરે છે.આમ શિવજીએ એક મુખી રુદ્રાક્ષ થઈ ચૌદ મુખી રુદ્રાક્ષ નું માહાત્મય પાર્વતીને કહ્યું.
રુદ્રાક્ષની સંધિ છૂટી કરીએ તો રુદ્ર + અક્ષ. અર્થાત્ ભગવાન શિવની આંખોમાંથી જે બિંદુ પડયા તે રુદ્રાક્ષ.
શિવમહાપુરાણ, લિંગપુરાણ, પદ્યપુરાણ, દેવી ભાગવત પુરાણ, રૂદ્ર-જાબલાનોષિદ, ઉડિસતંત્ર વગેરે અનેક પુરાણો તથા શાસ્ત્રોમાં રુદ્રાક્ષ નું વર્ણન છે.
લિંગ પુરાણ કહે છે કે શિવની પૂજા કરતી વખતે રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. શિવપુરાણમાં સ્પષ્ટ શબ્દોમાં વર્ણન છે કે બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ, સંન્યાસી સર્વેજનોએ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ સ્ત્રી, પુરુષ, બાળક, સંસારી એમ કોઈ પણ ધારણ કરી શકે છે. રુદ્રાક્ષ ધારણ કરનાર મનુષ્ય મૃત્યુ પછી શિવસ્વરૂપ બને છે. તેને પુષ્કળ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ જગતમાં તે મોટો ભાગ્યશાળી બને છે.
સ્નાને, દાને, જપે, હોમે વૈશ્વદેવે સુરાર્ચને ।
પ્રાયશ્ચિતે તથા શ્રાદ્ધે, દીક્ષાકાલે વિશેષત : ।।
અર્થાત્
સ્નાન કરતી વખતે, દાન આપતી વખતે, જપકાર્ય વખતે, હોમહવન કરતી સમયે, વૈશ્વદેવ સમયે, દેવકાર્ય કરતી સમયે, શ્રાદ્ધ કરતી વખતે, દીક્ષા લેતી વખતે આમ આવા કોઈ પણ વૈદિક કર્મ સમયે જે મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરીને કર્મ કરે છે તો તે વ્યક્તિ હંમેશા તેના પુણ્ય કાર્યોમાં સફળ થાય છે.
ઉચ્ઠિષ્ટો વા વિકર્મસ્થો યુક્તો વા સર્વ પાતકે : ।
મુચ્યતે સર્વપાપેભ્યો,નરો રૂદ્રાક્ષધારણાત્ ।।
અર્થાત્
કોઈ તદન નીચ માણસ હોય, તેણે સખત ખોટા કામ કર્યા હોય, સઘળા પાપ કરનારો હોય તે જો તમામ કુકર્મોનો ત્યાગ કરીને રુદ્રાક્ષ ધારણ કરે છે તો તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.
પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, અશ્વોમાં ઉચ્ચૈ:શ્રવા:, દેવોમાં મહાદેવ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેમ રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે.
રુદ્રાક્ષ માં ઔષધિય ગુણધર્મો છે.રુદ્રાક્ષ ધારણ કરવાથી તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. ઘમન સ્થિર થાય છે. હાર્ટેએટેક આવતો નથી. ગેસ, વાયુ, પિત્ત જેવા રોગો થતા નથી. કફ તથા ગળાની ખાંસી બંધ થઈ જાય છે. લકવો કયારેય થતો નથી. કમરદર્દમાં રાહત મળે છે. ડિપ્રેશનના દર્દીઓએ ખાસ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આમ રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે.
સહશયન સમયે, સ્મશાનમાં, ટોઈલેટ જતી સમયે, રુદ્રાક્ષ ધારણ કરાય નહી. જો આમ ભૂલથી પણ થઈ ગયું હોય તો ગંગાજળથી ધોઈ નાંખવું અને ફરીથી પહેરી લેવું. રુદ્રાક્ષ ધારણ કરનારે ડુંગળી લસણ તથા ઈંડા, માસ-મટન ખાવા જોઈએ નહી તથા મદિરા પીવી નહી.
રુદ્રાક્ષને મંત્રિત કે અભિમંત્રિત કર્યા વગર, શ્રદ્ધાથી કે શ્રદ્ધા રાખ્યા વગર, ભક્તિથી કે ભક્તિ રાખ્યા વગર, શરમથી કે શરમ રાખ્યા વગર જે કોઈ મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરે છે તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે.
રુદ્રાક્ષની માળા ધારણ કરનારને જોઈને ભૂત-પ્રેત, પિશાચ, ડાકિની, શાકિની તથા અન્ય રાક્ષસો ભયથી દૂર ભાગી જાય છે.
શિવ સ્વયં કહે છે હે પાર્વતી ! રુદ્રાક્ષ માળા ધારણ કરનારા મનુષ્ય પર હું શિવ,વિષ્ણુ,દેવી દુર્ગા,ગણેશ,સૂર્ય અને અન્ય દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે.
જહોન ગેરેટ તથા કર્બરડ્રોરી નામના બે મહાન વૈજ્ઞાનિકોએ રુદ્રાક્ષ પર પરીક્ષણ કર્યુ હતું.તેમણે તે સાબિત કર્યુ હતું કે રૂદ્રાક્ષ એક એવી ઔષધિ છે કે તે રોગો સામે લડી શકે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.તેમાં વિદ્યુત શક્તિ છે તે મનમાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.
હમણાની જ એક વાત કરું. હું મારા એક મિત્ર સાથે કામથી બહાર ગયો હતો. ત્યાં એક જ્ઞાની વ્યક્તિ અમને મળ્યા. મારા હાથમાં અને ગળામાં રુદ્રાક્ષ જોઈને તેમણે મને વણમાગી સલાહ આપી કે “આ બધા મણકાઓ ના પહેરવા જોઈએ નહીતર જન્મકુંડળીનો બુધ ખરાબ થઈ જાય”. મેં તે વ્યક્તિને નમ્રતાથી પૂછયું કે આમ કયાં લખ્યું છે ? તેમણે મને કહ્યું કે “આ લાલ કિતાબનો ઉપાય કહું છું”.
જો હું આમ રૂદ્રાક્ષ અને શિવની નિંદા સાંભળું તો મારે મન ધિક્કાર છે. તેથી મેં જાણે મારી કમાનમાંથી તલવાર ખેંચી હોય એમ તે પરમ જ્ઞાની વ્યક્તિને કહ્યું કે લાલ કિતાબ તો મુગલોએ લખી છે તમે કેમ તેના પર વિશ્વાસ કરો છો ? મેં લાલ કિતાબ પર રિસર્ચ કરીને સાબિત કર્યુ છે કે લાલ કિતાબ મુગલોએ હિંદુઓમાં અંધશ્રદ્ધા ફેલાવવા માટે લખી છે.
મેં તેમને કહ્યું તમે જેને મણકા સમજો છો એ મારા શિવના પ્રિય રુદ્રાક્ષ છે. જો આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મારી કુંડળીનો બુધ ખરાબ થઈ ગયો હોત તો હું પ્રખ્યાત લેખક અને જયોતિષી ના હોત.
મેં આગળ કહ્યું કે આપ મારી વેબસાઈટ વિશે જાણો છો. મારી વેબસાઈટ www.theastrocode.com પર મેં ધાર્મિક, આધ્યાત્મિક, પ્રેરણાત્મક, જયોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર જેવા વિષયો પર સાતસો થી વધારે આર્ટિકલ લખ્યા છે. અત્યારે દેશવિદેશમાં અમારી વેબસાઈટ પર હજારો વાંચકો રોજ આર્ટિકલ વાંચે છે. જયોતિષક્ષેત્રે પણ હું ખૂબ સફળ છું.
મે તે પરમજ્ઞાનીને પૂછયું કે તો આપ મને એમ જણાવો કે રુદ્રાક્ષ ધારણ કરવાથી મારી કુંડળીનો બુધ ખરાબ થઈ ગયો હોય તો હું લેખન અને જયોતિષક્ષેત્રે કેવી રીતે સફળ છું ? કારણકે જયોતિષ અને લેખન આ બંનેનો કારક ગ્રહ જ બુધ થાય છે. મારી આ વાત સાંભળી એ મહાન જ્ઞાનીએ ચૂપકીદી સાધી.
વાંચકો, અંધશ્રદ્ધા એટલી વધી ગઈ છે કે લોકો મૂળ તત્વને ભૂલી ગયા છે. હું વારંવાર કહેતો આવ્યો છું કે મૂળ તત્વ જગતપિતા શિવ અને જગતમાતા શક્તિ જ પરમેશ્વર છે અર્થાત્ શિવશક્તિ જ પરમેશ્વર છે. તો આપણે શિવનું પ્રિય રુદ્રાક્ષ ગળામાં અને શક્તિનો લાલ રંગનો દોરો જમણા હાથના કાંડા પર ધારણ કેમ ના કરી શકીએ ? જરૂર કરી શકીએ.જરા વિચારજો. સત્ય સમજાય તો તેનું અનુકરણ કરજો.
હર હર મહાદેવ.
જય બહુચર માં.