વાક એટલે વાણી.જયાં વાણી આવે ત્યાં માં સરસ્વતીનું નામ આવે છે.આજનો દિવસ એ વાક બારસ તરીકે ઉજવાય છે અને કાલે ધનતેરસ તેથી ધન આવે ત્યાં માં લક્ષ્મી યાદ આવે છે અને પરમદિવસે કાળી ચૌદસ એટલે માં કાલીને તો કેમ ભૂલાય ?
કેવો સંયોગ કહેવાય નઈ ! પહેલા વાક બારસે મહાસરસ્વતીની પૂજા કરવાની પછી ધનતેરસે મહાલક્ષ્મીની અને કાળી ચૌદશે મહાકાલીની પૂજા કરવાની અને બહુ જ બધા આશીર્વાદ મેળવવાના.આ શરૂઆત રમા એકાદશીથી થાય છે.
“રમા” નો અર્થ સ્ત્રી થાય.જયાં સ્ત્રી એટલે શકિત.મૂળ કહેવાનો અર્થ મારો એવો થાય છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ મૂળ “શકિત” તત્વથી થાય છે.
મનુષ્યની અંદર પહેલા માં સરસ્વતીની કૃપાથી જ્ઞાન આવે છે તે જ્ઞાનનો ઉપયોગ કરીને માં મહાલક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્ત કરે છે ત્યારબાદ મનુષ્ય જ્ઞાન અને ધન દ્વારા માં મહાકાલીની કૃપાથી પોતાનું,પરિવારનું તથા સમાજનું રક્ષણ કરે છે.ટૂંકમાં માં ભગવતીની કૃપાથી મનુષ્ય સ્વનું તથા અન્યનું કલ્યાણ કરે છે.
સમુદ્રમંથન વખતે વાક બારસની તિથિએ સૌ પ્રથમ ગૌ માતા પ્રગટ થયા તેથી આજે વસુ (ગૌ) બારસ પણ કહેવાય છે.આજે ગૌ (ગાય) માતાનું પૂજન કરવું જોઈએ.તમને એ તો ખબર જ હશે કે ગાય માતામાં તેત્રીસ કોટિ દેવી-દેવતાઓનો વાસ છે.
ગુગલના પ્રખર જ્ઞાનીઓએ વાકનું અપભ્રંશ કરીને વાઘ કરી નાખ્યું છે જેથી લોકો વાક ને બદલે વાઘ બારસ કહે છે જે ખરેખર યોગ્ય નથી.વાકસિદ્નિ મેળવવી હોય એટલે કે સારૂં, સુંદર, નિખાલસ તથા અન્યને પસંદ પડે તેવી વાણી બોલવી હોય તો આજે વાક બારસે માં મહાસરસ્વતીનું પૂજન કરવું જોઈએ.
મહાસરસ્વતીની પૂજા કરવાથી સર્વશ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત થાય છે.વિદ્યા અને જ્ઞાન વધે છે, વાણીમાં મધુરતા આવે છે, વેપારમાં અને આર્થિક વૃદ્ધિ થાય છે.તર્ક આપું તો બુદ્ધિ + જ્ઞાન + વાણી હોય એટલે કે મહાસરસ્વતીની કૃપા હોય તો જ મહાલક્ષ્મીની કૃપા થશે તે ઉપરાંત મહાસરસ્વતીની કૃપાથી તમારી કુંડળીમાં રહેલો બુધ પણ શુદ્ધ થાય છે.
જય મહાસરસ્વતી માતા.
જય બહુચર માઁ.