શનિવારનો દિવસ હોય ત્યારે નાના મોટા ઝઘડામાં કોઈ કોઈનું ખૂન કરી નાખે, અકસ્માત જેવી ઘટનાઓ બને, ભૂકંપ અને પૂર જેવી કુદરતી આફતો આવી પડે, કયારેય ના થઈ હોય તેવી મોટી દુર્ઘટનાઓ બને.તો આવું શનિવારના દિવસે જ કેમ બને છે ? શનિવારને આપણા વડવાઓ ભારે દિવસ કેમ કહેતા હતા ?
હંમેશા વડીલો કહેતા હોય છે કે શનિવારે કોઈ કામની શરૂઆત ના કરશો નહીતર સફળ નહી થાય.મારા મનમાં આ બાબતને લગતા ઘણીવાર પ્રશ્નો ઉદભવતા હતા અને હું જાણું છું કે આપ વાંચકોના મનમાં પણ ઉદભવતા હશે.
કેટલાય દિવસ અને રાત્રિઓની મહેનત બાદ આ સવાલોના તર્કશીલ જવાબો શોધવા માટે ઘણા સંશોધનો કર્યા.અનેક તારણો કાઢયા. કયારેક એમ થયું કે આ લોકોના મનનો વહેમ હોઈ શકે છે તો કયારેક એમ થયું કે આ બધી અંધશ્રદ્ધાની વાતો હોય એમ લાગે છે છતાંય સંશોધન અને તર્ક દરેક સવાલનું સમાધાન આપી શકે છે.
શનિનો અર્થ મંદ થાય છે. શાસ્ત્રમાં શનયે ક્રમતિ સ:.અર્થાત્ શનિને ધીમી ગતિનો ગ્રહ કહ્યો છે. શનિ સૂર્ય પુત્ર છે પણ શનિની માતા છાયા સાથે પિતા સૂર્યએ અન્યાય કર્યો હોય એમ માનીને શનિએ પિતા સૂર્ય સાથે વેર કર્યું હતું. શનિ એટલો બધો નકારાત્મક થઈ ગયો કે એનામાં સખત નિરાશા આવી ગઈ. તે પિતા સૂર્યને કટ્ટર શત્રુ માનવા લાગ્યો. (શનિ યમરાજનો મોટો ભાઈ પણ છે)
શનિ જયારે પિતા સાથે કટ્ટરતા રાખવા માંડયો ત્યારે રાહુએ તેને સાથ આપ્યો. રાહુ શનિને ઉશ્કેરવાનું કાર્ય કરવા માંડયો. શનિને સૂર્યના જેટલા મિત્રો હતા તેની સાથે પણ વેર કરવા માંડયો. સૂર્યનો ખાસ મિત્ર મંગળ પણ શનિનો કટ્ટર શત્રુ છે. ચંદ્રને પણ શનિ શત્રુ માનવા લાગ્યો.શનિ માત્ર ગુરુ જોડે વેરભાવ નથી રાખતો.
શનિવારના દિવસે શનિનું પ્રભુત્વ વધારે હોય છે. એમાં પણ સૌથી વધારે સંધ્યા સમયે હોય છે કારણકે શનિ પશ્વિમ દિશાનો કારક છે. જયારે સૂર્ય સંધ્યા સમયે આથમે છે ત્યારે શનિના ઉગમણા થાય છે. પૃથ્વી પર અંધકાર કરવાનું કાર્ય શનિનું હોય છે. સાંજના સમયે શનિ વધારે બળવાન બને છે.
તમે જો નોંધ કર્યુ હોય તો શનિવારે સાંજના સમયે અથવા રાત્રિએ અકસ્માતો થતા હોય છે. કજિયા કંકાશ કે ઝઘડા થતા હોય છે. નાના મોટા અકસ્માતો થતા જોવા મળે છે. સાવ નાના ઝઘડામાં લોકો એકબીજાનું ખૂન કરી નાંખે છે. ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતો આવી પડે છે. એથી પણ વધુ આતંકવાદ જેવી ઘટનાઓ બને છે.
મારા સંશોધનમાં મેં અનુભવ્યું છે કે જયારે શનિવાર હોય અને ગોચરમાં શનિ અથવા રાહુ સાથે ચંદ્ર, મંગળ કે સૂર્ય સંપર્કમાં આવતો હોય ત્યારે આવી દુર્ઘટનાઓ ચોક્કસથી ચોક્કસ બને છે તેમાં લેશ માત્ર શંકા નથી.
શનિવારનો દિવસ હોય ત્યારે આવી દુર્ઘટનાઓથી બચવા માટે શ્રી રામ સ્તુતિ, શ્રી હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સંકમોચન હનુમાષ્ટક, મારુતિ સ્તોત્રમ, સુંદરકાંડ વગેરે પાઠ કરવા જોઈએ.
જય બહુચર માં.