આસોની પૂનમ એટલે શરદ પૂનમ. શરદનો અર્થ થાય શીતળ.પૂનમનો અર્થ થાય પૂર્ણ. આમ તો ચંદ્ર દરેક પૂનમે પૂર્ણ જ હોય છે પણ શરદ પૂનમની રાતડીએ શીતળ ચંદ્ર સોળે કળાએ ખીલેલો છે.
ચંદ્રની સોળ કળાઓ અમૃતા, મનાદા, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ, ધૃતિ, રાશિની, ચન્દ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા છે.
આજે શરદ પૂનમની રાતડીએ અંબા ચાચરના ચોકમાં સોળે શણગાર સજીને ગરબે ઘૂમશે. પેલો કાનુડો છે ને એ વૃંદાવનમાં હજારો ગોપીઓ અને રાધા સાથે રાસ રમશે. માંનો સાધક ત્રિપુરાસુંદરીની આરાધના કરશે. માંનો બાળક દૂધ-ભાતની ખીર તથા દૂધ-પૌઆ માઁ ને જમાડીને ,ચંદ્રને ધરાવીને પોતે આરોગીને તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરશે.
ચંદ્રને English માં “Moon” કહે છે અને જયોતિષશાસ્ત્રમાં ચંદ્રને “મન” કહે છે. જેનું મન મજબૂત રહે તે તનથી અને ધનથી પણ મજબૂત થાય પણ આપણા સૌના મન કયારેક કમજોર થઈ જાય છે. આ કમજોરીને દૂર કરવા માટેનો વર્ષમાં એક જ દિવસ આવે છે એ છે શરદ પૂનમ. શરદ પૂનમે ચંદ્રની સામે ખુલ્લી આંખે દર્શન કરવા જોઈએ જેથી મનનું બળ વધશે અને સાથે સાથે આંખોનું તેજ પણ વધશે.
સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી જે કુંભ નીકળ્યો એ કુંભ (ઘડા)માં આદિશકિત પરાઅંબાએ અમૃત ભર્યુ તે તિથિ મારા ખ્યાલથી આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ હશે
તેથી શિવાનંદ સ્વામી “જય આદ્યાશકિત” આરતીમાં લખે છે કે “પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા”. મારે મન બીજો તર્ક એમ પણ નીકળે છે કે માતાજીના મંદિરોમાં તમે જોજો પૂનમે કુંભ (મેળો) ભરાય છે એમ વિચારીને પણ શિવાનંદ સ્વામીએ આ કડી લખી હશે.
હે કરુણામયી ! જે કોઈ તારો બાળક શરદ પૂનમે તારા દર્શન કરે છે તેનું જીવન માઁ તું ચોકકસથી અમૃતમય બનાવે છે.
જય અંબે માઁ.
જય બહુચર માઁ.