29 C
Ahmedabad
Tuesday, September 17, 2024

જાણો શિવજીએ વિષ્ણુને કમલનયન કેમ કહ્યા?

ભગવાન વિષ્ણુ એક વખત વારાણસી સ્થિત કાશીમાં ગંગામાં સ્નાન કરીને ૧૦૦૦ કમળથી શિવપૂજા કરતા હતા. એટલામાં ભગવાન શિવે માયા રચીને એક કમળ અદશ્ય કરી દીધું.

ભગવાન વિષ્ણુએ શિવલિંગ પર ૯૯૯ કમળ ચડાવ્યા બાદ એક કમળ ઓછું છે તેમ જાણીને વિચાર કર્યો કે તેમના કમળ જેવા ચક્ષુ શિવલિંગ પર અભિષેક કરી દે. વિષ્ણુ હજી એમ કરવા જતા હતા ત્યાં શિવ પ્રગટ થયા અને બોલ્યા હે કમળનયન ! હું તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન થયો છું. ૧૦૦૦ કમળમાંથી મેં જ માયા રચીને એક કમળ ઓછું કર્યુ હતું પણ તમે સહેજ પણ વિચાર્યા વગર તમારા કમળ જેવા નયન (ચક્ષુ) મને અર્પણ કરવા તૈયાર થઈ ગયા.તમારો આ ભક્તિ અને ભાવ મને અત્યંત તમારા માટે સ્નેહ પમાડે છે.હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈને મારું સુદર્શન ચક્ર તમને આપું છું.

વિષ્ણુ ભગવાન શિવના દર્શનથી અને વરદાનથી અત્યંત પ્રસન્ન થયા. વિષ્ણુએ શિવજીની સ્તુતિ કરીને શિવના આશીર્વાદ મેળવ્યા.

આ જ વિષ્ણુ ભગવાને રામાવતારમાં રાવણ પર વિજય મેળવવા માટે સમુદ્ર તટે માટીનું પાર્થિવ લિંગ બનાવીને શિવલિંગની પૂજા કરીને શિવના આશીર્વાદ મેળવ્યા હતા તેથી વિષ્ણુ ભગવાનના રામાવતાર દ્વારા સ્થાપિત થયેલું લિંગ શ્રી રામેશ્વરમ જયોર્તિલિંગ તરીકે જગવિખ્યાત છે.

પ્રિય વાંચકો, મેં ઘણા લેખોમાં વર્ણવ્યું છે કે વિષ્ણુને શિવ પ્રિય છે અને શિવને વિષ્ણુ પ્રિય છે. અહીં કમલનયન ભગવાન વિષ્ણુ પોતાની શિવ પ્રત્યેની ભક્તિની પરાકાષ્ઠા દર્શાવવા માંગે છે.

ઘણીવાર લોકો રાવણની ભક્તિની વાત કરતા હોય છે કે રાવણે પણ પોતાનું મસ્તક કાપીને શિવ આગળ સમર્પિત કરી દીધું હતું પરંતુ રાવણની ભક્તિમાં શિવને સમર્પિત થવાનો કોઈ ભાવ નહોતો.તેને શિવને બધુ જ અર્પણ કરીને શિવ પાસેથી ત્રિલોકના સ્વામી થવાનું,અજેય અને અમર થવું હતું.

જયાં ભગવાન વિષ્ણુનો શિવ પ્રત્યે સમર્પિત ભાવ હતો. વિષ્ણુનો ભાવ પોતાના કમળ જેવા નયન (ચક્ષુ) અર્પણ કરીને શિવની પાસેથી કશું પામવાનો ભાવ નહોતો પરંતુ શિવના ચરણોની ભક્તિ મળે તેમ ભાવ હતો.

જરૂરી નથી કે તમે ભક્તિ શાસ્ત્રનું જ્ઞાન લઈને જ કરો. જરૂરી એ છે કે તમે ભક્તિ કરો તો અજ્ઞાની બાળ બનીને કરો. શાસ્ત્રનું જ્ઞાન જાણ્યા પછી તમે એ મુજબ ભક્તિ નથી કરતા તો દોષ લાગે છે પણ તમને કંઈ જ જ્ઞાન નથી પણ બાળક ભાવે તમને જેવી આવડે એવી ભક્તિ કરો છો તો કોઈ દોષ નથી લાગતો.

એક જ્ઞાની શાસ્ત્રના વિધિવિધાન મુજબ શિવપૂજા કરતો હતો અને એક નાનો બાળક શાસ્ત્ર પણ નહોતો જાણતો અને વિધિવિધાન પણ નહોતો જાણતો પણ માઁ બાપે શિખવાડયું હતું તેમ દરરોજ એક લોટો શિવને જળાભિષેક કરતો હતો.

વાંચકો, અહીં કોઈને પણ નીચો દર્શાવવા નથી માંગતો કે જ્ઞાનીને શિવ મોડા પ્રાપ્ત થયા અને બાળકને શિવ વહેલા પ્રાપ્ત થયા એમ પરંતુ જયારે શાસ્ત્રનો જ્ઞાની શિવપૂજા કરતો હતો ત્યારે અન્યને અછૂત ગણે, મને અડી જઈશ તો હું અભડાઈ જઈશ, અન્યનું અપમાન કરે,ભક્તિનું અભિમાન કરે, કારણ વગરનો ક્રોધ કરે તો શિવ એની ભક્તિથી કયારેય રાજી થતા નથી.

શિવ હોય, વિષ્ણુ હોય કે આદિ પરાશક્તિ જગદંબા હોય દરેકને “બાળક” ભાવ ગમે છે એ ભાવ તમારી પૂજામાં અને ભક્તિમાં હોવો જોઈએ.

હર હર મહાદેવ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page