શિવપુરાણ અનુસાર ઈશ્વાકુ વંશ (સૂર્યવંશ) ના રાજા સગર (શ્રી રામ ભગવાનના) પૂર્વજ હતા.રાજા સગરને વૈદર્ભી અને શૈખ્યા નામની બે પત્નીઓ હતી. આ બંને પત્નીઓને સંતાન નહોતા.
રાજા સગરે બે પત્નીઓ સાથે હિમાલય પર્વત પર જઈને શિવની આરાધના કરી. શિવજીએ પ્રસન્ન થઈને રાજા સગરની પહેલી પત્ની વૈદર્ભીને સાંઈઠ હજાર પુત્રો થશે તેમ વરદાન આપ્યું પરંતુ આ સાંઈઠ હજાર પુત્રો ધર્મથી વિહીન થશે અને તેમનો નાશ થશે. મહાદેવજીએ રાજા સગરની બીજી પત્ની શૈખ્યાથી એક પુત્ર સત્કર્મી પુત્ર થશે તે કુળનો વિસ્તાર કરશે તેમ વરદાન આપીને શિવ અદશ્ય થઈ ગયા. રાજા સગરના ત્યાં શિવના વરદાનથી બંને પત્નીઓને પુત્રો થયા.
સમય જતા રાજા સગરે પોતાના રાજયમાં અશ્વમેધ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. અશ્વમેધ યજ્ઞનો આરંભ થયો. યજ્ઞની રક્ષા કરતા સાંઈઠ હજાર પુત્રોની નજરને ચૂકાવીને અશ્વ (ઘોડો) એકાએક અદ્શ્ય થઈ ગયો.
સગર રાજાના સાંઈઠ હજાર પુત્રૉ અશ્વની શોધમાં સમુદ્ર કિનારે પહોંચ્યા. ત્યાં સમુદ્નની કિનારે મહાન તપસ્વી કપિલ મુનિનો આશ્રમ હતો. સગર રાજાના સાંઈઠ હજાર પુત્રોને એમ થયું કે કપિલ મુનિએ અશ્વ ચોરી લીધો છે તેમ સમજીને તેમણે તપમાં બેઠેલા કપિલ મુનિને અપશબ્દો કહીને તેમનું અપમાન કર્યું.
શ્રી કપિલ મુનિએ પોતાનું અનહદ અપમાન થતા તેમણે ક્રોધાગ્નિથી જેવી આંખો ખોલી તેવા રાજા સગરના સાંઈઠ હજાર પુત્રો બળીને ખાખ થઈ ગયા.
નારદ મુનિએ સગર રાજાને સમગ્ર ઘટના વર્ણવી. પોતાના પુત્રોના મૃત્યુના સમાચાર જાણીને રાજા સગર અત્યંત દુ:ખી થયા પણ બીજી પત્ની શૈખ્ય નો પુત્ર અસમંજસ થયો.તેમનો પુત્ર અંસુમન અને અંસુમનના પુત્ર દિલીપ અને દિલીપના પુત્ર ભગીરથે પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા સ્વર્ગમાંથી માતા ગંગાને પૃથ્વી પર લાવવા માટે આકરી તપસ્યા કરી.
માતા ગંગા ભગીરથની આકરી તપસ્યાથી પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું. ભગીરથે તેમના પૂર્વજોને મોક્ષ મળે તે માટે માતા ગંગાને પૃથ્વી પર અવતરણ કરવા માટેનું વરદાન માંગ્યું.
ગંગાએ કહ્યું કે હું સ્વર્ગમાંથી પૃથ્વી પર આવું પણ તમે જ કહો મારા વેગને પૃથ્વી પર કોણ રોકી શકે ? પૃથ્વી પર હાહાકાર થઈ જશે. આખી પૃથ્વી પર જળ સિવાય કશું જ રહેશે નહી માટે તમે શિવજીને પ્રસન્ન કરો અને તમારા આ કાર્યનું નિરાકરણ માંગો.
ભગીરથે શિવની કઠોર તપસ્યા કરી.ઘણા સમયે શિવ પ્રસન્ન થયા.શિવજીએ વરદાન માંગવાનું કહ્યું ત્યારે ભગીરથે ગંગાએ કહેલી વાત કહી.શિવજીએ કહ્યું કે “ગંગાના વેગને હું રોકીશ, તમે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ થવાનું જણાવો”.
ભગીરથે શિવજીની આજ્ઞા લઈને ગંગાને પૃથ્વી પર આવવા માટેનું આમંત્રણ આપ્યું. તે સમયે ગંગાનો વેગ એટલો હતો તે આ વેગને કોઈ ઝીલી શકે તેમ નહોતું. તે સમયે શિવજીએ પોતાના મસ્તકની જટા ખોલી અને જટામાં ગંગાને બાંધી દીધી.
ગંગા કેટલાય વર્ષો સુધી અંદર રહી પણ બહાર નીકળવાનો રસ્તો ના શોધી શકી. આખરે તેણે શિવજીની માફી માંગતા શિવજીએ તેમના જટામાંથી ગંગા વહાવી.ગંગા પૃથ્વી પર એવા વેગે અવતરણી કે પૃથ્વી પર કંઈ જ નુકસાન ના થાય.ભગીરથે ગંગામાં પિતૃઓનું તર્પણ કર્યું જેથી તેમના પૂર્વજોનો મોક્ષ થયો.
વૈશાખ મહિનાની સુદ સપ્તમીએ ગંગા શિવની જટામાંથી પૃથ્વી પર અવતરણ હતી.તેથી આ સપ્તમીને ગંગા સપ્તમી કહે છે.શાસ્ત્રોમાં વર્ણન છે કે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે.
માઁ ગંગા વિશે વિવિધ પુરાણોમાં વર્ણન છે કે માઁ ગંગા બ્રહ્માના કમંડળમાંથી વહે છે. માઁ ગંગા વિષ્ણુના ચરણોમાંથી વહે છે. માઁ ગંગા શિવજીની જટામાંથી વહે છે પરંતુ સનાતન સત્ય તો એ જ છે કે શિવ સર્વોપરી છે અને માઁ ગંગા શિવની જટામાંથી જ વહે છે.
બોલો હર હર ગંગે. હર હર મહાદેવ.
જય બહુચર માં.