શિવ મહિમ્ન: સ્તોત્રની રચના કરનાર ગંધર્વ શ્રી પુષ્પદંત હતા.ગંધર્વરાજ પુષ્પદંત વિશે અનેક ગ્રંથોમાં કથા મળી આવે છે. પુષ્પદંતની શિવભક્તિની વાત જ કંઈક ન્યારી હતી.પુષ્પદંતે રચેલા શિવમહિમ્ન: સ્તોત્રથી અનેક ભક્તો દુ:ખના મહાસાગરને ઓળંગીને સુખ નામના મહાન શિખરને આંબી શક્યા છે.
પૌરાણિક કથા અનુસાર કાશીમાં પુષ્પદંત નામના એક ગંધર્વ રહેતા હતા.તે ગંધર્વ પરમ શિવ ઉપાસક હતા.તેમના દાંત પુષ્પો જેવા હોવાથી તેઓ “પુષ્પદંત” તરીકે ઓળખાતા હતા. તેઓ નિત્ય શિવભક્તિમાં લીન રહેતા અને શિવની પૂજા માટે અનેક દ્રવ્યોની તૈયારી કરતા હતા.
પુષ્પદંત એકવાર કાશીના રાજા ચિત્રરથના આશ્રમથી પસાર થયા.ત્યાં તેમણે અવનવા પુષ્ષો જોયા. આ પુષ્પો જોઈને તેમને વિચાર આવ્યો કે તેઓ આ પુષ્પને તોડીને શિવને ચડાવે પરંતુ બગીચો રાજાનો હોવાથી રાજા કે તેમના સૈનિકો પુષ્પો તોડવા દેશે નહી તેથી પુષ્પદંત છૂપી રીતે રાજાના બગીચામાંથી પુષ્પો લીધા હતા. તે પછી તેઓ રોજ છૂપી રીતે બગીચામાંથી પુષ્પોને લઈને શિવજીની પૂજા કરતા હતા.
રાજાના બગીચાનું રક્ષણ કરતા માળી અને સૈનિકો રોજ આ ફૂલો તોડી જનારને શોધતા પણ પુષ્પદંત હાથમાં આવતા નહી કારણકે તેમની પાસે ઉડવાની શક્તિ હતી.એકવાર રાજાએ તેના સૈનિકો અને માળીઓને જણાવ્યું કે બગીચાની ચારે બાજુ શિવનિર્માલ્ય (બિલીપત્ર) મૂકી દો. જેવું કોઈ આ શિવનિર્માલ્યને ઓળંગશે તે પકડાઈ જશે.
રાજાની આ યુક્તિની પુષ્પદંતને ભાળ નહોતી.પુષ્પદંત જેવા બગીચામાં આવ્યા તેમનાથી ભૂલથી નિર્માલ્ય ઓળંગાઈ ગયું.તેઓ પોતાના મૂળ વેશમાં આવી ગયા. સૈનિકોએ પુષ્પદંતને પકડીને કારાવાસમાં પૂરી દીધા.
પુષ્પદંતને કારાવાસમાં શિવ નિર્માલ્યને ઓળંગવાનો સખત પસ્તાવો થયો હતો.તેઓ મનોમન દુ:ખ અનુભવવા લાગ્યા તેથી તેમણે શિવની ક્ષમાયાચના માંગવાના ભાવથી “શિવ મહિમ્ન: સ્તોત્ર”ની રચના કરીને આખો સ્તોત્ર ગાયો.શિવજી આ સ્તોત્ર સાંભળીને અત્યંત પ્રસન્ન ચિત્તે કારાવાસમાં પુષ્પદંતની સામે પ્રગટ થયા.
શિવજીએ સ્વયં દર્શન આપીને પુષ્પદંતે કરેલા અપરાધ બદલ તેમને માફ કર્યા,કારાવાસમાંથી છોડાવ્યા અને જન્મ મરણના બંધનમાંથી મુકત કર્યા.રાજા ચિત્રરથે પણ પુષ્પદંત જેવા પરમ શિવભક્તને કેદમાં પૂરવા માટે પુષ્પદંતની ક્ષમા માંગી.
ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં અર્થાત્ સોમનાથમાં પુષ્પદંતે સ્થાપિત કરેલ શિવલિંગ છે. આ શિવલિંગ “પુષ્પદંતેશ્વર શિવલિંગ” તરીકે પ્રચલિત છે.
પરમ શિવભક્ત પુષ્પદંતની આ કથા પરથી આપણને શીખ મળે છે કે દેવ હોય, દાનવ હોય,ગંધર્વ હોય કે મનુષ્ય હોય તે કોઈ પણ ધર્મનો હોય, કોઇ પણ જાતિનો હોય, કે કોઈ પણ વર્ણનો હોય, ભગવાન તે ભક્તના નિર્દોષ ભાવથી પ્રસન્ન થાય છે.
તમે શિવમહિમ્ન ના વાંચ્યું હોય તો એકવાર જરૂર વાંચજો.સંસ્કૃતના શ્લોકની નીચે ગુજરાતીમાં અનુવાદ હોય તેવી પુસ્તક ધાર્મિક પુસ્તકોવાળાની દુકાને મળે છે.તમને સંસ્કૃત ના આવડે તો તમે અનુવાદ પણ વાંચી શકો છો.
શિવમહિમ્નમાં પુષ્પદંતે શિવનો જે મહિમા ગાયો છે તે ખરેખર અદભુત છે.
મને ખૂબ જ ગમતો શિવમહિમ્ન: સ્તોત્રનો એક શ્લોક અહીં લખું છું કે
અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિન્ધુપાત્રે
સુરતરુવરશાખા લેખની પત્રમુર્વી ।
લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ ! પારં ન યાતિ ।।
હે મહાદેવ ! સમુદ્ર જેટલા મોટા પાત્રમાં નીલગિરિ પર્વત જેટલું કાજળ ( મેશ ) લઈને કલ્પવૃક્ષની ડાળીને કલમ બનાવીને પૃથ્વીને કાગળ બનાવીને સ્વયં માઁ સરસ્વતી હંમેશા લખ્યા જ કરે તોય આપણા ગુણોનો પાર પામી શકાય તેમ નથી.
હર હર મહાદેવ.
જય બહુચર માઁ.