જન્મનાં સાતમાં દિવસે યુદ્ધભૂમિમાં પરાક્રમ દાખવનાર શિવ-પાર્વતીપુત્ર “સ્કંદ અર્થાત્ કાર્તિકેય” નો જય હો.
સ્કંદનો અર્થ “વિનાશ” થાય. શિવ સંહારક દેવ છે તેથી તેમનો પુત્ર સ્કંદ નકારાત્મક બાબતોનો વિનાશકર્તા છે.
તારકાસુર નામનો રાક્ષસ શિવપુત્રથી જ મૃત્યુ પામશે તેથી સતીના વિરહમાં હિમાલયોના જંગલમાં અઘોરી જીવન જીવતા શિવને સતીરુપ પાર્વતી સાથે ફરીથી વિવાહ કરાવવા માટે દેવોએ કામદેવને શિવના તપમાં ભંગ કરવા મોકલ્યો પણ શિવે કામદેવને પોતાની ત્રીજી આંખ ખોલીને ભસ્મ કરી નાખ્યો. ત્યારબાદ પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવ-પાર્વતી નો વિવાહ થયો. બંને રમણ કરવા લાગ્યા. શિવ પાર્વતી એકાંત માટે (હનિમૂન કરવા) કાશી ગયા. એક વાત અહીંયા નોંધ લેવી કે શિવજી પાર્વતીજી સાથે કયારેય પણ સંભોગ કર્યો નહોતો.
શિવ પાર્વતીના રમણ સમયે શિવના વીર્યનું એક બીજ પૃથ્વી પર પડતા પહેલા અગ્નિએ ભક્ષણ કર્યુ,અગ્નિથી સહન ના થયું તો પવનને આપ્યું, પવને ગંગામાં પધરાવ્યું, ગંગાએ બારુના જંગલમાં પધરાવ્યું જયાં એ બીજમાંથી ભીષણ આગ ઉદભવી એમાંથી “કાર્તિકેય” ઉત્પન્ન થયા. જન્મના સાતમાં દિવસે યુદ્નભૂમિ પર ઉતરીને તારકાસુરનો વધ કર્યો. ત્યારબાદ તેમને દેવોના સેનાપતિ તરીકે નિયુકત કરવામાં આવ્યા.
કાર્તિકેયના બીજા ઘણા નામો છે જેવા કે કુમાર, સ્કંદ તથા મુરુગન. ભારતના દક્ષિણ છેડે એટલે કે તમિલનાડુમાં કાર્તિકેયને “મુરુગન સ્વામી” તરીકે પૂજવામાં આવે છે. ગુજરાતમાં કાર્તિકેય ભગવાનનું મંદિર સોમનાથ વેરાવળ પાસે છે.
એકવાર ગણેશજી અને કાર્તિકેય વચ્ચે “પહેલા હું વિવાહ કરીશ” એવો વિવાદ થયો. શિવ પાર્વતીએ બંનેને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલું આવે એનો વિવાહ કરાવવો એવું નકકી કર્યુ. કાર્તિકેય એમના વાહન મોર પર અસવાર થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયા. આ બાજુ ગણેશજીએ વેદોકત બુદ્ધિનો ઉપયોગ કર્યો અને “માતા-પિતાની પ્રદક્ષિણા એ જ પૃથ્વીની પ્રદક્ષિણા” એમ વિચારીને શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી.
ગણપતિજીએ માતા-પિતાની પ્રદક્ષિણા કરી તેથી શિવ-પાર્વતીએ તેમનો વિવાહ રિદ્ધિ અને સિદ્ધિ સાથે કરાવ્યો. તેનાથી તેમના બંને પુત્રો ક્ષેમ અને લાભનો જન્મ થયો.
આ બાજુ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી પાછા કૈલાસ ફરતા હતા ત્યારે નારદજીએ કાર્તિકેયને તેમની સાથે અન્યાય થયો છે તેમ કહી સઘળી વાત કહી. કાર્તિકેય શિવ પાર્વતી પાસે કૈલાસ આવ્યા તેમને નમસ્કાર કર્યા અને નિરાશ થઈને શૈલ પર્વત પર ચાલ્યા ગયા. જયાં મલ્લિકા (પાર્વતી) અને અર્જુન (શિવ) દર અમાસે અને દર પૂનમે કાર્તિકેયને મળવા જાય છે. આ સ્થળ શિવપાર્વતી તથા કાર્તિકેયની સ્મૃતિ રુપે મલ્લિકાઅર્જુન જયોર્તિલિંગ સ્વરૂપે બાર જયોર્તિલિંગમાં એક જયોર્તિલિંગ તરીકે સમાવેશ થાય છે. મલ્લિકાર્જુન જયોર્તિલિંગ આંધ્રપ્રદેશમાં છે.
કાર્તિકેય ને તમિલનાડુમાં સખત પૂજે છે ત્યાં તેમને મુરુગન સ્વામી કહે છે. હું તમિલનાડુ રાજયના ચૈન્નાઈ (મદ્રાસ) શહેરમાં કામ બાબતે ત્રણ મહિના રહ્યો હતો. હું પણ ત્યાં મુરુગન ના દર્શન કરવા જતો. આપણે જેમ કોઈ વિસ્તારમાં માતાજીના કે મહાદેવના મંદિર હોય તેમ ત્યાં મુરુગનના ઠેર ઠેર મંદિર હોય આ ઉપરાંત ત્યાં તેમને સુબ્રહ્મણ્યસ્વામી પણ લોકો કહેતા. એવું કહેવાય છે કે કાર્તિકેય દક્ષિણમાં ચાલ્યા ગયા હોવાથી ઉત્તરના લોકો એમને ભૂલી ગયા છે તેથી ઉત્તર ભારતમાં તેમની ખાસ પૂજા થતી નથી.
પણ મારે મન ગણેશજી જેટલા જ કાર્તિકેય મહત્વ ધરાવે છે. મોર જે કામથી રહિત છે તે તેમનું વાહન છે તથા તેઓ કુમાર હોવાથી કામથી રહિત છે. કેટલીક કથાઓમાં કાર્તિકેયના વિવાહ થયેલા છે મહાભારના વનપર્વમાં ૨૨૯ માં અધ્યાયમાં કાર્તિકેયના “દેવસેના” સાથે વિવાહ થયેલા છે તેમ ઉલ્લેખ છે. તમિલનાડુમાં એવી માન્યતા છે કે કાર્તિકેયની બે પત્નીઓ છે “દેવસેના અને વલ્લી” પણ આ બાબતના કોઈ ઠોસ પુરાવા નથી.
કાર્તિકેય વીર ,પરાક્રમી, મહાયોદ્ધા તથા દેવોના સેનાપતિ છે. કાર્તિકેય શિવ-પાર્વતીના પુત્ર ષડાનન (છ મુખોવાળા છે).
જન્મકુંડળીના મંગળને બળવાન કરવા કાર્તિકેય ની ઉપાસના કરવી જોઈએ કારણકે મંગળ અને કાર્તિકેય બંને સેનાપતિ છે.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કાર્તિકેયને યાદ કરતા કહે છે કે સેનાનીઓમાં હું સ્કંદ છું. એમની પાસે શકિત અને ગદા વગેરે શસ્ત્રો છે. તેમની ધજામાં કુરકુટ (કૂકડા) ના ચિહ્ન છે.
બોલો કાર્તિકેય ભગવાનની જય.
બોલો ગજાનન ગણપતિની જય.
જય બહુચર માં.