શિવમહાપુરાણના શતરૂદ્રસંહિતામાં શિવજીની આઠ મૂર્તિઓ વિશે ઉલ્લેખ છે જેમાં “પશુપતિ” વિશે કહેવાયું છે કે જે ભૃતવુંદનું ભેદક છે, જે રૂપ સમસ્ત આત્માઓનું અધિષ્ઠાન છે, જે સંપૂર્ણ ક્ષેત્રોમાં નિવાસ કરનાર છે, જે જીવોના ભવપાશકનું છેદક છે તેને “પશુપતિ” નું રૂપ સમજવું જોઈએ.
પશુપતિનાથ નો અર્થ વિસ્તારપૂર્વક સમજીએ તો પશુ એટલે મૂંગા જીવો,પતિ એટલે સ્વામી અને નાથ એટલે ભગવાન.
જેઓ સમગ્ર મૂંગા જીવોનો અને તેમના સ્વામીઓનો (મૂંગા જીવોને સાચવનાર મનુષ્ય,પશુપાલક) નો પણ ભગવાન છે તે “પશુપતિનાથ” છે.
પંચ કેદારની પૌરાણિક કથામાં ઉલ્લેખ મળે છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવો તેમના ભાઈઓની હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે કાશી ગયા હતા પરંતુ ત્યાં શિવજીની લીલા ન્યારી હતી. શિવજી તેમને તરત દર્શન આપવા માંગતા નહોતા તેથી પાંડવોને ત્યાં શિવની માયાથી શિવના દર્શન થયા નહી.
મહાદેવજી ત્યાંથી હિમાલય આવીને કોઈ ગુપ્ત જગ્યાએ નિવાસ કરવા લાગ્યા. પાંડવો પણ શિવ દર્શનની હઠથી હિમાલય પહોંચ્યા. જેવા પાંડવો તે સ્થળે પહોંચ્યા જયાં ત્યાંથી શિવ પાછા માયા રચીને અન્ય સ્થળે આવી ગયા. જે ગુપ્ત સ્થળે શિવજી રહ્યા હતા તે હિમાલય પાસેનું “ગુપ્ત કાશી” કહેવાય છે.
શિવજી આ ગુપ્ત કાશીથી અન્ય સ્થળે આવ્યા તે સ્થળ “કેદાર” માં શિવજીએ નંદીનું રૂપ ધારણ કરીને ઘણી બધી ગાયો બળદોની વચ્ચે ચાલવા લાગ્યા. પાંડવો શિવ શિવ કરતા શિવના શોધવા લાગ્યા ત્યારે ભીમને શંકા ગઈ કે આ ગાયો બળદો ( નંદીઓ ) ની વચ્ચે અમારા “શિવ” છે પણ શોધવા કઠીન છે. ભીમે યુક્તિ કરીને તેના બે પગ બહુ જ પહોળા કરી દીધા. બધી ગાયો બળદો ભીમના બે પગ નીચેથી નીકળી પણ એક નંદી (બળદ) ત્યાં જ ઉભુ રહ્યું તે ભીમના પગ નીચેથી નીકળ્યું નહી.
ભીમ પોતાના પગને સંકુચિત કરીને ભાવુક થઈને “શિવ શિવ” કરતો તે નંદીના ચરણોમાં પડી ગયો પણ તે નંદી ધીમે ધીમે ધરતીમાં સમાવવા લાગ્યું. ભીમે ખૂબ જ બળ લગાડીને નંદીની પીઠનો ત્રિકોણાત્મક ભાગ પકડી રાખ્યો હતો. ભગવાન શિવ એક પ્રચંડ અવાજ સાથે ત્યાં સર્વ શક્તિમાન કેદાર જયોર્તિલિગ સ્વરૂપે પ્રગટ થયા હતા.પાંડવોને દર્શન આપીને ભાતૃઓની હત્યાના પાપથી મુક્ત કર્યા હતા.
શિવ જે નંદી રૂપે હતા તેમના પાંચ અંગો અલગ અલગ સ્થળે પડયા જે પંચ કેદાર તરીકે ઓળખાય છે. ભુજાઓ તુંગનાથમાં, મુખ રૂદ્રનાથમાં, નાભિ મધ્ય મહેશ્વરમાં, જટા કલ્પેશ્વરમાં અને પીઠનો ઉપરનો ભાગ કેદારમાં એમ પંચ કેદાર તરીકે ઓળખાય છે.
નેપાળના કાઠમંડુમાં આવેલું પશુપતિનાથમાં શિવ જે નંદી સ્વરૂપે હતા તેમના ધડનો ઉપરનો ભાગ પડયો હતો અર્થાત મસ્તક પડયું હતું તેમ પ્રાચીન શાસ્ત્રોમાં મળી આવે છે.
ઈતિહાસના પાનાઓ પર પશુપતિનાથ બે છે એક ભારતના ઉતરાખંડમાં મંદાકીની નદી કિનારે આવેલું પશુપતિનાથ છે તે અને બીજું નેપાળના કાઠમંડુમાં બાગમતી નદી કિનારે આવેલું છે તે.
સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવ માતા પાર્વતી સહિત સુગંધિત ફૂલો અને વનમાં મૃગોનું રૂપ ધારણ કરીને રહેવા લાગ્યા તેથી શિવજી પશુપતિનાથ કહેવાયા.
જયારે અન્ય શાસ્ત્રો ફેંદતા અલગ વાર્તા એમ મળે છે કે શિવજી આ આ રમણીય વનમાં મૃગનું રૂપ ધારણ કરીને રહેવા લાગ્યા હતા ત્યારે બ્રહ્મા,વિષ્ણુ તથા અન્ય દેવતાઓએ શિવને કૈલાસ પાછા ફરવા વિનંતી કરી પણ શિવજીએ કહ્યું કે તેઓને તે પ્રદેશ ખૂબ ગમે છે તેથી તેઓ શિવલિંગ સ્વરૂપે કાયમ ત્યાં જ રહેશે અને અહીં હું પશુના અવતારમાં હોવાથી પશુપતિનાથ કહેવાઈશ.
નેપાલના પશુપતિનાથ મંદિરમાં શિવજીનું પાંચ મુખી મૂર્તિ છે.જેમાં ચાર મુખ ચારે દિશામાં છે અને પાંચમુ મુખ આકાશ તરફ છે.પાંચ મુખો શિવના પાંચ અલગ અલગ સ્વરૂપોનો નિર્દેશ કરે છે જેમ કે પૂર્વાભિમુખ તત્પુરુષ,પશ્વિમમુખ સદજયોત સ્વરૂપ, ઉત્તરાભિમુખ અર્ધનારેશ્વર તથા દક્ષિણાભિમુખ અધોર સ્વરૂપ છે. જે પાંચમુ મુખ આકાશ તરફ છે તે ઈશાન મુખી કહેવાય છે.આમાં જે ચાર મુખો છે તેમાં શિવના દરેક જમણા હાથમાં રૂદ્રાક્ષની માળા અને દરેક ડાબા હાથમાં કમંડળ છે.
અહીં જે પશુપતિનાથનું શિવલિંગ છે તે પારસ પથ્થર જેવું છે અર્થાત પારસ પથ્થરની વિશેષતા એમ છે કે લોઢું જો આ પથ્થરને અડી જાય તો તે સોનું થઈ જાય છે.
નેપાળમાં આવેલા આ શિવમંદિરમાં પ્રવેશ માટે ચાર દરવાજા છે તેમાં પશ્વિમ બાજુ નંદીદેવની વિશાળ પ્રતિમા છે. કહેવાય છે કે જે કોઈ શિવના દર્શન કરીને આ નંદીના દર્શન કરે છે તેને કયારેય પણ પશુયોનિમાં જન્મ નથી લેવો પડતો. અહીં એક ગૌરીકુંડ પણ છે જે તે વાતનું અહીં પ્રમાણ આપે છે કે જયાં શિવ છે ત્યાં શક્તિનો વાસ હોય છે.
આ મંદિરની વિશેષ ખાસિયત એ છે કે અહીં ગર્ભગૃહમાં બ્રાહ્મણો સિવાય કોઈને પ્રવેશ નથી મળતો. આ મંદિરમાં દર્શન કરવા માટે હિંદુ હોવું જરૂરી છે. હિંદુ સિવાયના અન્ય ધર્મના લોકોને આ મંદિરમાં જવા પર પ્રતિબંધ છે. વિદેશથી આવતા ગોરાઓ માત્ર બહાર બાગમતી નદીના કિનારે ઉભા રહીને બહારથી દર્શન કરે છે.
પશુપતિનાથ મંદિર જવું હોય તો પહેલા દિલ્હી જવું પડે ત્યાંથી ગોરખપુર અને ગોરખપુરથી ભારત નેપાળ સરહદ પાસે આવેલું સનોલી ગામ ત્યાં પ્રાઈવેટ વાહનો દ્વારા પહોંચી શકાય છે. સનોલીથી નેપાળ સરહદે જવું.નેપાળ માં પ્રાઈવેટ વાહનો દ્વારા કાઠમંડુ જવું. ભારત નેપાળ સરહદ પર માત્ર પાસપોર્ટ, આધાર કાર્ડ કે ઈલેકશન કાર્ડ બતાવવું જરૂરી છે.નેપાળ જવા માટે વિઝા લેવાની જરૂર નથી.
કેટલાક પ્રાચીન ગ્રંથો કહે છે કે નેપાળનું પશુપતિનાથ મંદિર વેદ લખાયા તે પહેલાનું છે તો કયાંક એવું જાણવા મળે છે કે સતયુગથી હતું તો કેટલાક ગ્રંથો કહે છે (દ્વાપર યુગ) મહાભારત યુગ પછી હતું. આ મંદિર કળિયુગમાં ૧૩ મી સદીમાં સોમદેવ રાજવંશના વશંજો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. મૂળ મંદિર કેટલીય વાર ધ્વસ્ત થયું હતું પણ અંતે રાજા ભૂપેંદ્ર મલે મંદિરનું નિર્માણ કરાવેલ તેવા દસ્તાવેજો મળી આવે છે.
શિવ મહાપુરાણમાં મહેશ્વરને પશુપતિનાથ કહ્યા છે. અગ્નિપુરાણમાં પશુપતિનાથનો આખો સ્તોત્ર છે જે કરવાથી વ્યક્તિના મહાભયંકર દુ:ખોનો પ્રચંડ રીતે નાશ થાય છે.
આપ સૌએ બાર જયોર્તિલિંગના દર્શન કરી લીધા હોય તો એકવાર પશુપતિનાથ શિવલિંગના દર્શન પણ કરવા જોઈએ.
હર હર મહાદેવ.
જય બહુચર માં.