માં ના ગુણ જે ગાય, ભક્તિથી ભીંજાય
બળધારી માં બહુચરા રાજી રાજી થાય.
આ અદભુત શબ્દો શ્રી બહુચર બાવની રચનાર શ્રી બિંદુ ભગતજીના છે. કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણો માં, પ્રેમ ભરેલું હૈયું લઈને, દયાળી માત તારી પાસે દોડી આવ્યો છું જેવા પાંચ હજારથી પણ વધારે શ્રી બહુચર માતાના, શ્રી કૃષ્ણ ભગવાનના તથા અન્ય દેવી દેવતાઓના સ્તુતિ, ભજન અને ગરબા લખનાર બિંદુ ભગતજીને એકવાર ઈ.સ ૧૯૬૧ માં ધંધાના કામ અર્થે અષાઢ માસની પૂનમે બહુચરાજી જવાનું થયું. તેમને બહુચર માતાના દર્શન કરીને બહુચર માં ની ભક્તિના રંગમાં રંગાવાનો રંગ લાગ્યો હતો.
ઈ.સ ૧૯૬૨ માં તેઓ લાલા ભગત ના આમંત્રણથી તેમના સત્સંગ મંડળ માં જોડાયા હતા. પછી તો ભક્તિ રૂપી સાગર માં પોતે જ બિંદુ હોય તેમ તેઓએ બિંદુ ભગત નામ ધારણ કર્યું હતું.
ઈ.સ ૧૯૬૮ ની વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ ના રોજ તેમણે બિંદુ સત્સંગ મંડળ ની સ્થાપના કરી.ઈ.સ ૧૯૭૮ માં ઓગણજ ગામ પાસે નવ હજાર વાર જમીન તેમને સેવા અર્થે મળી હતી. તે ઉપરાંત બાકીની નવ હજાર વાર જમીન ટ્રસ્ટની એમ કુલ ૧૮ હજાર વાર જમીનનો તેમણે સદુપયોગ કર્યો. તેમણે ઈ.સ ૧૯૮૦ માં તે જમીનનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ઈ.સ ૧૯૯૨ માં ખોડિયાર ભક્તિ ધામ ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
સ્વર્ગસ્થ બિંદુ ભગતજી મિલમાં ખરીદ કામ કરતા હતા પણ બહુચર માં ની ભક્તિ માં તેઓ તેટલા તરબોળ થઈ જતા હતા કે માં પ્રેરણા કરે તેમ માતાજીના ભજનો લખવા બેસી જતા હતા. તેઓ જયાં પણ ભજન કરવા જતા હતા ત્યાંથી જે કંઈ પણ દાન-દક્ષિણા પુરસ્કાર રૂપે મળતી તે બધું જ માતાજીના કાર્યમાં વાપરી નાખતા હતા. તેમને પુરસ્કાર રૂપે મળેલો એક પણ રૂપિયો તેમના ઘર-પરિવાર પાછળ વાપર્યો નથી.
બિંદુ ભગતજીએ લખેલા ભજનો હેમંત ચૌહાણ,અનુરાધા પૌડવાલ અને બીજા અન્ય નામાંકિત કલાકારો તેમના કંઠે ગાઈને સૌને બિંદુ ભગતજીની લખેલી રચનાઓનો ભક્તિરસ ચખાડ્યો છે. ઈ.સ ૧૯૬૮ માં ફાગણ સુદ નોમના દિવસે બિંદુ દાદાએ શ્રી બહુચર માતાના ધામે બહુચરાજી પગપાળા સંધ લઈ જવાની શરૂઆત કરી હતી.
આજે પણ સ્વ બિંદુ ભગતજીના દીકરા, તેમની દીકરી અને જમાઈ પિતાના માર્ગ પર ચાલીને શ્રી બહુચર માતાની ભક્તિનો મહિમા પ્રસરાવે છે.
મને વ્યક્તિગત એ બાબતનું ઘણું દુ:ખ છે કે કેટલાક ભક્તો આનંદના ગરબાની પુસ્તકો છપાવે છે તેમાં બહુચર બાવનીની છેલ્લી કડીમાં બિંદુ થઈ જે થાય દાસ, બહુચર પૂરે એની આશ કડીને ફેરફાર કરે છે. મારી સર્વ ભક્તોને વિનંતી કે આપણે બિંદુ ભગતજીની લખેલી રચનાઓનો લાભ લઈને આપણે સૌ એ બિંદુ ભગતજીનું નામ કયાંયથી પણ ફેરફાર કર્યા વગર હંમેશા તેમને યાદ કરવા જોઈએ.
જય બહુચર માં.