શ્રી હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમે મંગળવારના દિવસે માતા અંજનીની કૂખે થયો હતો. કેસરી તેમના પિતા છે.પવનદેવ ના આશીર્વાદ થી તેમનો જન્મ થયો હોવાથી તેઓ પવનપુત્ર પણ કહેવાય છે.સૂર્ય તેમના ગુરુ છે. તેઓ રૂદ્રના અગિયારમાં અંશ અવતાર છે. તેઓ શ્રી રામના સેવક છે.ભગવાન રામની પત્ની સીતા તેમની પૂજનીય માતા સમાન છે. શ્રી હનુમાનજી ચિરંજીવી છે.
મને અત્યંત પ્રિય એવા આરાધ્ય દેવ શ્રી હનુમાનજીની જન્મકુંડળી મેં પાંડુલિપિ અનુસાર જાણીને તેમની ગૌરવગાથા વર્ણવવાનો અહીં પ્રયત્ન કર્યો છે.
શ્રી હનુમાનદાદાની મેષ લગ્નની કુંડળી છે. મેષ લગ્નમાં ઉચ્ચનો સૂર્ય અને બુધ દેહ સ્થાનમાં હોઈ “બુધાદિત્ય યોગ” નું નિર્માણ કરે છે.
મેષનો ઉચ્ચનો સૂર્ય આત્મવિશ્વાસુ,તેજસ્વી,પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે છે.બુધ સૂર્યની સાથે બળ ગુમાવે છે તેવું અત્યાર સુધીના ઢગલો જયોતિષોએ કહી નાંખ્યું પણ જો આ વાતને હકારાત્મક રીતે રજૂ કરીએ તો બુધ સૂર્યની સાથે હોવાથી સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરીને બળવાન થાય છે તેથી તો હનુમાનજીએ તેમના બુદ્ધિચાતુર્યથી લંકામાં સીતામાતાની શોધ કરીને રાવણની આખી લંકા સળગાવીને સુરક્ષિત પાછા આવ્યા હતા. તેઓ લક્ષ્મણજીને જીવિત કરવા સંજીવની બુટ્ટિ લઈ આવ્યા હતા.
લગ્નેશ મંગળ દસમે મકરમાં ઉચ્ચનો થઈને “રૂચક યોગ” નિર્માણ કરે છે.ઉચ્ચના મંગળની પોતાના ભાવ પર દષ્ટિ તથા ચોથા ભાવના કર્કના ઉચ્ચના ગુરુની સાતમી દષ્ટિ દસમે રહેલા મંગળ પર છે આવા પ્રબળ ગ્રહસંયોગથી તેઓનો હંમેશા કોઈ પણ બાબતને લઈને હકારાત્મક અભિગમ રહ્યો છે અને તેઓ ખૂબ જ મોટી ઉર્જાના સ્ત્રોત રહ્યા છે.
શ્રી હનુમાનજીની કુંડળીમાં લગ્નેશ મંગળ દસમે છે તેથી તેમનું લક્ષ્ય હંમેશા પર સેવામાં રહ્યું.સુગ્રીવની મદદ કરવી,શ્રી રામ ભગવાન પ્રત્યેનો દાસત્વ ભાવ,સીતા માતાની શોધ કરવા જવું આ સર્વ ઉચ્ચ કોટિના ગ્રહો ઉચ્ચના કે સ્વગૃહી થઈને હનુમાનજીની જ કુંડળીમાં જાતે આવીને બેસી ગયા હોય તેમ લાગે છે.
હજી આગળ વર્ણવું ને તો સાતમે તુલાનો ઉચ્ચનો શનિ-ચંદ્ર અને સપ્તમેશ શુક્ર મીનમાં બારમે ઉચ્ચનો હોઈ સદા બ્રહ્મચર્ય જીવનનું પાલન કર્યું હતું.
શ્રી રામ ભગવાનને અને હનુમાન દાદાને ગાઢ જોડાણ હોવાનું કારણ તે છે કે બંનેની જન્મકુંડળીના ઘણા ગ્રહો સમાન રાશિના છે જેમ કે કર્કનો ઉચ્ચનો ગુરુ, મકરનો ઉચ્ચનો મંગળ, મેષનો ઉચ્ચનો સૂર્ય,તુલાનો ઉચ્ચનો શનિ, મીન રાશિનો ઉચ્ચનો શુક્ર……
એકવાર હનુમાનજીએ બાળપણમાં તેમની માતા અંજનીને પૂછયું હતું કે “હે માતા ! મારા જીવનનું લક્ષ્ય શું છે ? ત્યારે માતા અંજની કહે છે કે હે પવનપુત્ર ! તારો જન્મ ભગવાન શ્રી રામના કાર્ય માટે થયો છે.
બોલો જય શ્રી રામ.
જય હનુમાન દાદા
જય બહુચર માં