સિદ્ધિઓ આઠ પ્રકારની હોય છે. માર્કંડેયપુરાણમાં આ આઠ સિદ્નિઓ આ પ્રમાણે છે
૧ ) અણિમા
૨ ) મહિમા
૩) લધિમા
૪ ) ગરિમા
૫ ) પ્રાપ્તિ
૬ ) પ્રાકામ્ય
૭) ઈશિત્વ
૮ ) વશિત્વ.
માંનો બાળક સંપૂર્ણ રીતે દેવીના ચરણોમાં સમર્પિત થઈને આ આઠ પ્રકારની સિદ્ધિઓ મેળવે છે.
અણિમા –
આ સિદ્વિ પ્રાપ્ત કરીને અણું જેવું સૂક્ષ્મ રૂપ લઈ શકાય છે. જેમકે હનુમાનજી સીતામાને લંકામાં શોધવા ગયા હતા ત્યારે તેમણે અણુ જેવું સૂક્ષ્મ રૂપ ધર્યું હતું. આદિગુરુ શંકરાચાર્ય એક વખત આકાશમાં ઉડીને મંડનમિશ્રની સાથે શાસ્ત્રાર્થ કરવા ગયા હતા તેવે સમયે મંડનમિશ્રની ઘરના બારણા બંધ કરીને યજ્ઞ કરતા હતા ત્યારે શંકરાચાર્યે અણિમા સિદ્ધિનો ઉપયોગ કરીને સૂક્ષ્મ રૂપ ધરીને બારીમાંથી તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો.
મહિમા – આ સિદ્ધિ પ્રાપ્ત કરીને મોટામાં મોટું રૂપ ધારણ કરી શકાય છે જેમ કે ક્રિષ્નકિંધાના જંગલોમાં હનુમાનજીને જાંબુવત તેમની શક્તિઓ યાદ કરાવે છે કે “તમારો જન્મ ભગવાન રામના કાર્ય માટે થયો છે, તેવા હનુમાનજી મહાકાય સ્વરૂપ ધારણ કરે છે”
ગરિમા – આ સિદ્ધિ પ્રાપ્ત કરીને શરીરને એકદમ હળવું બનાવી શકાય છે તેથી જમીન અને આકાશની વચ્ચે સંતુલન કરીને તપમાં બેસી શકાય છે. પૂર્વે ઋષિમુનિઓ આ રીતે તપમાં બિરાજમાન થતા હતા.આ સિદ્ધિથી આકાશમાં ઉડી પણ શકાય છે જેમ હનુમાનજી આકાશમાં ઉડતા હતા.
લધિમા – આ સિદ્ધિ પ્રાપ્ત કરીને શરીરને વજનદાર અને શક્તિશાળી બનાવી શકાય છે. મહાભારતની વાત કરૂં તો એકવાર ભીમને પોતાના બળ પર અભિમાન આવી ગયું હતું. હનુમાનજી તેમની પરીક્ષા લેવા માટે તેમના માર્ગ વચ્ચે સૂઈ ગયા હતા. તેવે સમયે ભીમ હનુમાનજીના પગને હલાવી પણ નહોતો શક્યો હતો.
પ્રાપ્તિ – આ સિદ્ધિ પ્રાપ્ત કરીને વ્યકિત ઈચ્છા અનુસાર કંઈ પણ વસ્તુ કે પદાર્થની પ્રાપ્તિ કરી શકે છે જેમ કે શ્રી હનુમાનજી લક્ષ્મણજીને બચાવવા માટે સંજીવની બુટ્ટિ લઈ આવ્યા હતા.
પ્રાકામ્ય – આ સિદ્ધિ પ્રાપ્ત કરીને ઈચ્છા અનુસાર કોઈ પણ કાર્ય કરી શકે છે જેમ કે શ્રી હનુમાનજી નાના હતા ત્યારે સૂર્યદેવને ગળવા માટે ગયા હતા.
ઈશિત્વ – આ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો ઈશ્વરની જેમ સૃષ્ટિ પર શાસન કરવાનું સામર્થ્ય મળે છે આ જ કારણે કળિયુગમાં હનુમાનજીના સૌથી વધારે ભકતો છે.
વશિત્વ – આ સિદ્ધિ પ્રાપ્ત કરીને કોઈને પોતાના પ્રભાવથી વશ કરી શકાય છે. શ્રી હનુમાનજી શનિ, રાહુ, કેતુ જેવા ગ્રહોને તેમના વશમાં રાખે છે.
અહીંયા હનુમાનજીના ઉદાહરણો એટલે આપ્યા છે કે શ્રી હનુમાનજી પાસે આ અષ્ટસિદ્વિ હતી. તેમની પાસે આ અષ્ટ સિદ્ધિ સીતા માતાના આશીર્વાદથી હતી.
શ્રીમદ્ ભાગવતના અગિયારમાં સ્કંધના પંદરમાં અધ્યાયના દસમા શ્લોકથી છત્રીસમાં શ્લોક સુધી
આઠ મહાસિદ્ધિ (જે ઉપર વર્ણવી છે તે)
દસ ગુણહેતુસિદ્ધિ (અનુર્મિમત્વ સિદ્ધિ, દૂરશ્રવણ સિદ્ધિ, દૂરદર્શન સિદ્ધિ, મનોજવ સિદ્ધિ, કામરૂપ સિદ્ધિ, પરકાય પ્રવેશ સિદ્ધિ, સ્વચ્છંદ મરણ સિદ્ધિ, દેવક્રીડા દર્શન સિદ્ધિ, યથાસંકલ્પ સિદ્ધિ, અપ્રતિહતગતિ અને અપ્રતિહતાજ્ઞા સિદ્ધિ )
પાંચ શૂદ્ર સિદ્ધિ ( ત્રિકાલજ્ઞાતા સિદ્ધિ, અદ્વન્દ્વતા સિદ્ધિ, પરચિત્તાદ્યભિજ્ઞાતા સિદ્ધિ,પ્રતિષ્ટમ્ભ સિદ્ધિ, અપરાજય સિદ્ધિ ) અને એક પરમ સિદ્ધિ એમ વર્ણન છે. શ્રી કૃષ્ણ અહીં ઉદ્વવજીને સંબોધીને કહે છે કે આ અનેક પ્રકારની સિદ્ધિ મારું ધ્યાન ધરવાથી પ્રાપ્ત થાય છે.
શ્રી કૃષ્ણ ભગવાન ના માનવામાં આવે તેવા તમામ કાર્યો સિદ્ધ કરી શકતા હતા. તે વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર હતા તેથી તો ખરા જ પણ મુખ્ય કારણ તે છે કે તેમના કુળદેવી હરસિદ્ધિ માતા હતા માટે તેઓ સર્વ કાર્યોને સિદ્ધ કરી શકતા હતા. કોઈ પણ ભગવાન મનુષ્ય અવતારમાં પૃથ્વી પર જન્મયા હશે પણ તેમની માતાની કૃપા (કુળદેવી) ની કૃપાથી જ તેમના સર્વ કાર્યો સિદ્ધ થાય છે.
માઁ હરસિદ્ધિનો અર્થ હરેક પ્રકારની સિદ્ધિ આપનાર થાય છે. જેમ કે દરેકને પોતાની ઈચ્છા અનુસાર સિદ્ધિ આપે છે. ઘણીવાર તમે જે માંગ્યું ના હોય પણ તમારા પ્રારબ્ધમાં જે લખ્યું હોય અને તમારૂં જે ગંતવ્ય હોય તેમાં પાર ઉતરવા માટે માઁ હરસિદ્ધિ તમને ઓંચિતી તે સિદ્વિ આપે છે તે વાત સત્ય છે સત્ય છે અને સંપૂર્ણ સત્ય છે.
દ્વારકા પાસે આવેલા કોયલા ડુંગર પર શ્રી હરસિદ્ધિ માતાનું મંદિર છે જયાં ભગવાન શ્રી કૃષ્ણે શંખાસુર નામના દૈત્યનો વધ કરવા માટે તેમના કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાની સ્થાપન કરીને પૂજન અર્ચન કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
રાજા વિક્રમાદિત્યના કુળદેવી પણ હરસિદ્ધિ માતા હતા. રાજાની ભક્તિની પ્રસન્ન થઈને માતા તેમની ઈચ્છાને પૂર્ણ કરવા ઉજ્જૈન આવી વસ્યા હતા તેથી ઉજજૈનમાં પણ માઁ હરસિદ્ધિનું મંદિર છે.
લોકવાયકા એમ છે કે માઁ હરસિદ્ધિ દિવસ દરમિયાન દ્વારકા હોય છે અને રાત્રિ દરમ્યાન ઉજજૈનમાં નિવાસ કરે છે. જયારે માતાજી દ્વારકા સવારે પધારે ત્યારે નિશાની રૂપે ત્યાં હિંડોળા ઝૂલવાનો અવાજ આવે છે તે પછી જ માતાજીની આરતી થાય છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પાસે આવેલ લાડોલ ગામે માઁ હરસિદ્ધિ માતાનું આશરે બસો વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરના પૂજારી શ્રી વિશ્વાસભાઈ જાની મારા ખાસ મિત્ર છે. તેઓ કહે છે અહીંયા લાડોલમાં માતા હરસિદ્ધિ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની ભક્તિની પ્રસન્ન થઈને ઉજજૈનથી આવ્યા છે. અહીં માતાજીએ કાયમ માટે નિવાસ કર્યો છે.
મિત્ર શ્રી વિશ્વાસભાઈ કહે છે હરસિદ્ધિ માતા તંત્ર-મંત્રથી પ્રસન્ન થનારી દેવી છે. જો પૂરી શ્રદ્ધાથી મંત્રોના ઉચ્ચારણ દ્વારા માતાજીનું તંત્રોક્ત રીતે આહવાન કરવામાં આવે તો માતાજી સર્વ પ્રકારની મનોકામના સિદ્ધ કરે છે. તેઓ કહે છે કે તંત્ર અનુસાર હરસિદ્ધિનું સ્વરૂપ ઉગ્ર છે પણ લાડોલમાં માઁ હરસિદ્ધિ સૌમ્ય સ્વરૂપે છે. માઁ અષ્ટભુજાધારી અને કમળ પર સ્થિત છે. આઠ હાથોમાં અનુક્રમે અક્ષમાલા, ત્રિશુળ, ખડગ, ખેટ, ડાક, કમંડળ, અંકુશ અને પદ્મ છે. ચૈત્રી નોરતા માતાજીના મંદિરમાં ધૂમધામથી ઉજવાય છે અને આઠમના દિવસે ૧૦૮ દીવાની આરતી થાય છે.
હરસિદ્ધિ માતા ત્રિવેદી બ્રાહ્મણોના પણ કુળદેવી થાય છે અને બીજા અન્ય જાતિના લોકોના પણ કુળદેવી હોય છે.
દુર્ગા સપ્તશતી ચંડીપાઠમાં નવદુર્ગાના નવ સ્વરૂપમાં નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી બતાવવામાં આવ્યું છે જે સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર છે. તે નવખંડમાં બિરાજતી નારાયણી પણ છે.
આમ નવખંડ નારાયણી સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર માઁ હરસિદ્ધિને નવમા નોરતે લાખ લાખ વંદન છે.
જય હરસિદ્ધિ માં.
જય બહુચર માં.